અચીવમેન્ટ:ઇન્ટરનેશનલ એમી અવૉર્ડમાં બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં 'દિલ્હી ક્રાઇમ' વિનર બની, 2012ના દિલ્હી ગેંગ રેપ પર આધારિત સ્ટોરી

એક વર્ષ પહેલા

48મા ઇન્ટરનેશનલ એમી અવૉર્ડમાં ભારતીય વેબસિરીઝે ઝંડો લહેરાવ્યો છે. બેસ્ટ ડ્રામા સિરીઝ કેટેગરીમાં 'દિલ્હી ક્રાઇમ' વિજેતા બની છે. OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પરની આ સિરીઝ 22 માર્ચ, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 7 એપિસોડની આ સિરીઝ ડિસેમ્બર, 2012માં થયેલા નિર્ભયા ગેંગ રેપ કેસના ઇન્વેસ્ટિગેશન પર આધારિત છે. આ સિરીઝમાં શેફાલી શાહ દિલ્હીના સાઉથ ડિસ્ટ્રિક્ટનાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) વર્તિકા ચતુર્વેદીના રોલમાં હતી. તેણે અવૉર્ડ શોની એક ક્લિપ શેર કરી છે.

શેફાલી શાહે વિડિયો શેર કરી લખ્યું હતું, ઓહ માય ગોડ. આ અચીવમેન્ટ બદલ સૌકોઈ તેને અભિનંદન આપી રહ્યાં છે. આ સિવાય ભારતે આ અવૉર્ડમાં અન્ય બે કેટેગરીમાં પણ નોમિનેશન મેળવ્યાં હતાં. બેસ્ટ એક્ટર કેટેગરીમાં 'મેડ ઈન હેવન' સ્ટારર અર્જુન માથુર અને બેસ્ટ કોમેડી સિરીઝ કેટેગરીમાં 'ફોર મોર શોટ્સ પ્લીઝ'ને નોમિનેશન મળ્યા હતા, પરંતુ તેઓ વિનર બની શક્યા નથી.

'દિલ્હી ક્રાઇમ'ને કેનેડિયન-ઇન્ડિયન ફિલ્મમેકર રિચી મેહતાએ ડિરેક્ટ કરી હતી. અવૉર્ડ જીત્યા બાદ તેમણે વર્ચ્યુઅલ સેરેમનીમાં કહ્યું, 'હું આ અવૉર્ડ એ દરેક મહિલાને સમર્પિત કરું છું, જેમણે માત્ર પુરુષોની હિંસા સહન કરી છે. એટલું જ નહીં, પણ તેમ છતાં ત્યાર બાદ પ્રોબ્લેમ સોલ્વ કરવાની જવાબદારી તેમને સોંપાઈ હોય. ફાઈનલી, થાક્યા વગરની માતા અને તેની દીકરીને. એક દિવસ એવો નહીં ગયો હોય જ્યારે મેં તમારા બંને વિશે નહીં વિચાર્યું હોય અને દુનિયાએ તમારી સાથે શું કર્યું છે ને મને આશા છે કે અમારામાંથી કોઈપણ તમને ક્યારેય નહીં ભૂલે.'

'દિલ્હી ક્રાઇમ' સિરીઝમાં શેફાલી શાહની સાથે સ્ટારકાસ્ટમાં રસિકા દુગ્ગલ, આદિલ હુસૈન અને રાજેશ તૈલંગ પણ સામેલ હતાં.

વિનર લિસ્ટ:
બેસ્ટ ડ્રામા સિરીઝ: દિલ્હી ક્રાઇમ (ભારત)
બેસ્ટ કોમેડી સિરીઝ: નોબડી'ઝ લુકિંગ (Ninguem Ta Olhando) (બ્રાઝિલ)
બેસ્ટ ટીવી મૂવી/ મિની સિરીઝ: રિસ્પોન્સિબલ ચાઈલ્ડ (યુનાઇટેડ કિંગ્ડમ)
બેસ્ટ એક્ટ્રેસ: ગ્લેન્ડા જેક્સન - એલિઝાબેથ ઇસ મિસિંગ (યુનાઇટેડ કિંગ્ડમ)
બેસ્ટ એક્ટર: બિલી બેરટ - રિસ્પોન્સિબલ ચાઈલ્ડ (યુનાઇટેડ કિંગ્ડમ)