'મલખાન'નું અવસાન:એક વર્ષમાં માતા-પિતા ને મોટા ભાઈનું મોત, 'તારક મહેતા..'માં જેઠાલાલના વકીલનો રોલ કર્યો હતો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

'ભાબીજી ઘર પર હૈ' શોમાં મલખાન સિંહનો રોલ પ્લે કરીને લોકપ્રિયતા મેળવનાર દીપેશ ભાનનું 41 વર્ષની ઉંમરમાં 23 જુલાઈ, શનિવારના રોજ અવસાન થયું હતું. દીપેશ ક્રિકેટ રમતો હતો અને પડી ગયો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો. દીપેશ પોતાના કોમિક ટાઇમિંગને કારણે લોકપ્રિય થયો હતો. તેણે 2005માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. એક વર્ષમાં દીપેશે માતા-પિતા તથા મોટા ભાઈને ગુમાવ્યા હતા.

માંડ-માંડ ધોરણ 10માં પાસ થયો
દીપેશનો જન્મ 11 મે, 1981માં થયો હતો. દીપેશ દિલ્હીમાં જ મોટો થયો હતો. દીપેશ ભણવામાં એવરેજ વિદ્યાર્થી હતો. તેણે 10મા ધોરણમાં 50 ટકા આવ્યા હતા. દીપેશને અભ્યાસને બદલે એક્ટિંગમાં વધુ રસ હતો. ગ્રેજ્યુએશન બાદ તેણે તરત જ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામમાં એડમિશન લીધું હતું. અહીંયા અભ્યાસ પૂરો કર્યા બાદ કરિયર બનાવવા 2005માં મુંબઈ આવ્યો હતો.

અનેક કોમેડી શોમાં કામ કર્યું
દીપેશ મુંબઈ આવીને અનેક શોમાં નાના-મોટા રોલ કરતો હતો. તેણે 'કોમેડી કા કિંગ કૌન', 'કોમેડી ક્લબ' જેવા શોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે 'ભૂતવાલા', 'FIR', 'ચેમ્પ', 'સુન યાર ચિલ માર', 'ફાલતુ ઉટપટાંગ ચટપટી કહાની', 'મે આઇ કમ ઇન' જેવા શોમાં કામ કર્યું હતું.

'તારક મહેતા..'માં પણ કામ કર્યું હતું
2013માં 'તારક મહેતા..'માં ગુલાબો-જેઠાલાલનો ટ્રેક આવ્યો હતો. આ ટ્રેકમાં ગુલાબોએ જેઠાલાલ તેના પતિ હોવાનો દાવો કર્યો હતો. કોર્ટમાં જેઠાલાલ તરફથી પ્યારે મોહને કેસ લડ્યો હતો. વકીલ પ્યારે મોહનનો રોલ દીપેશ ભાને ભજવ્યો હતો. વકીલના રોલમાં દીપેશે ઘણું જ સારું કામ કર્યું હતું.

એક એપિસોડના 25 હજાર રૂપિયા લેતો
'ભાબીજી ઘર પર હૈ'ના એક એપિસોડ માટે 25 હજાર રૂપિયા ફી લેતો હતો. સિરિયલમાં ટીકા (વૈભવ માથુર) તથા મલખાન (દીપેશ ભાન)ની જોડી હતી. બંને શોમાં દર્શકોને હસાવતા જોવા મળતા હતા.

ચારુલ તથા દીપેશ.
ચારુલ તથા દીપેશ.

પાંચ દિવસ પહેલાં નવો ફોન લીધો, છ-સાત મહિના પહેલા કાર
સિરિયલમાં પોલીસ કમિશ્નરની સાળીનો રોલ પ્લે કરતી ચારુલ મલિકે દીપેશ ભાનના મોત બાદ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મોતના પાંચ દિવસ પહેલાં જ દીપેશે નવો ફોન લીધો હતો. છ-સાત મહિના પહેલાં નવી કાર લીધી હતી. તે વેબ સિરીઝમાં કામ કરવા ઉત્સુક હતો.

2019માં લગ્ન કર્યા હતા
દીપેશ ભાને 17 એપ્રિલ, 2019માં દિલ્હીમાં લગ્ન કર્યા હતા. જાન્યુઆરી, 2021માં દીકરા અભિનો જન્મ થયો હતો.

એક વર્ષમાં પરિવારના ત્રણ-ત્રણ સભ્યોના મોત
એક વર્ષમાં દીપેશે માતા-પિતા તથા મોટા ભાઈને ગુમાવ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં માતાના અવસાન બાદ દીપેશે સો.મીડિયામાં પોસ્ટ પણ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, 'મા, કેમ જતી રહી? તારી બહુ જ યાદ આવશે. અંતિમ સમયમાં તને પિતાજી લેવા આવ્યા હશે. હું તને ઘણો જ પ્રેમ કરું છું. મને ખ્યાલ છે કે તું મારી આસપાસ જ છે. તું જ્યાં પણ હોય બસ તને શાંતિ મળે. ભગવાનને પ્રાર્થના છે કે આવતા જન્મે પણ હું તારો જ દીકરો બનું.' દીપેશના મોટાભાઈનું અવસાન હાર્ટ અટેકને કારણે થયું હતું.

સો.મીડિયામાં ચાહકોને હસાવતો
દીપેશ ભાન સો.મીડિયામાં ઘણો જ એક્ટિવ રહેતો હતો. તે અવારનવાર સિરિયલના કો-સ્ટાર્સ સાથે રીલ બનાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...