તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાઉ-તે આફ્ટર ઈફેક્ટ:'તારક મહેતા..'ના સેટને ભારે નુકસાન, રિપેર કરતાં સાત દિવસ જેટલો સમય લાગશે

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાઉ-તે વાવાઝોડાની અસર ગુજરાતમાં શૂટિંગ કરતાં પ્રોડ્યૂસર્સને પણ થઈ છે
  • મહારાષ્ટ્રની બહાર શૂટિંગ કરતાં પ્રોડ્યૂસર્સના મુંબઈ સ્થિત સેટને પણ ભારે નુકસાન થયું છે

કોરોનાને કારણે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનું કામકાજ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોરોનાના કેસમાં વધારો થતાં મહારાષ્ટ્રે લૉકડાઉન જાહેર કર્યું છે. આ જ કારણે ટીવી તથા ફિલ્મના શૂટિંગ બંધ છે. ટીવી પ્રોડ્યૂસર્સ અન્ય શહેરમાં જઈને શૂટિંગ કરી રહ્યાં છે. કોરોનાને કારણે તો પ્રોડ્યૂસર્સને નુકસાન થયું છે, પરંતુ જે પ્રોડ્યૂસર્સ ગુજરાતમાં શૂટિંગ કરતાં હતા, તેમને તાઉ-તે વાવાઝોડાને કારણે પણ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, તેમાંથી એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' પણ છે.

અસિત કુમાર મોદી પોતાની ટીમ સાથે વાપીમાં શૂટિંગ કરી રહ્યાં છે. આ જગ્યા દમણ-દિવથી ઘણી જ નજીક છે. 16-17 મેના રોજ અહીંયા તાઉ-તે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ જ કારણે અહીંયા સેટને ખાસ્સું નુકસાન થયું છે. આટલું જ નહીં મુંબઈમાં બનાવવામાં આવેલા સેટને પણ તાઉ-તે વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે.

બધું ઠીક થતાં એક અઠવાડિયાનો સમય થશે
સૂત્રોના મતે, 'તારક મહેતા..'ના સેટ પર સંપત્તિને ઘણું જ નુકસાન થયું છે. સેટને ફરીથી વ્યવસ્થિત કરતાં સાત દિવસનો સમય થશે. નોંધનીય છે કે હાલના સિરિયલના ટ્રેક પ્રમાણે, કોરોનાની દવાઓ બ્લેકમાં વેચાય છે. પોપટલાલ આ બ્લેકમાં વેચતી ગેંગને પકડવા આવ્યા છે. તે ડૉ. હાથીની મદદ લે છે, પરંતુ તે પકડાઈ જાય છે. હવે પોપટલાલે જેઠાલાલની મદદ લીધી છે.

'યે રિશ્તા..'નું શૂટિંગ સિલવાસામાં થઈ રહ્યું છે
વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. લોકપ્રિય ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નું શૂટિંગ હાલમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે. અચાનક વરસાદ પડતાં સેટ પર દોડધામ મચી ગઈ હતી. સિરિયલમાં રણવીરનું પાત્ર ભજવતા કરન કુંદ્રાએ સો.મીડિયામાં કેટલાંક વીડિયો શૅર કર્યા છે. હાલમાં 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નું શૂટિંગ ગુજરાતના સિલવાસામાં થઈ રહ્યું છે. તાઉ-તે વાવાઝોડાને કારણે સેટની શું સ્થિતિ થઈ તે કરન કુંદ્રાએ બતાવ્યું હતું. અચાનક વરસાદ પડતાં આઉટડોરમાં રહેલો તમામ સામાન ક્રૂ મેમ્બર્સ દોડીને અંદર લાવ્યા હતા અને 'ભાગો ભાગો'ની બૂમો પાડતા હતા.

'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના સેટ પર અફરાતફરી
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના સેટ પર અફરાતફરી

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાને કારણે જાણીતી સિરિયલ્સના પ્રોડ્યૂસર્સ અન્ય રાજ્યોમાં શૂટિંગ માટે ગયા છે. પ્રોડ્યૂસર્સ, હૈદરાબાદ, ગુજરાત, ગોવા તથા આગ્રા ગયા છે. જોકે, ગોવા તથા હૈદરાબાદે પણ લૉકડાઉન જાહેર કરી દીધું છે. ગુજરાતમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'વાગલે કે દુનિયા', 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ', 'અનુપમા', 'ઇન્ડિયન આઇડલ' તથા 'સુપર ડાન્સર' જેવા શો તથા સિરિયલનું શૂટિંગ થઈ રહ્યું છે.

મુંબઈમાં સિરિયલના સેટને નુકસાન
જે ડી મજેઠિયા હાલમાં સિલવાસામાં 'વાગલે કે દુનિયા'નું શૂટિંગ કરી રહ્યો છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં વરસાદે વધારે મુશ્કેલી સર્જી દીધી છે. મહારાષ્ટ્રમાં લૉકડાઉન હોવાથી તેઓ ગુજરાતમાં શૂટિંગ માટે આવ્યા છે. જોકે, અહીંયા વાવાઝોડું આવતા સેટને નુકસાન થયું છે.

મુંબઈમાં મોટાભાગના સેટ મે મહિના અંત સુધીમાં વરસાદની તૈયારી કરી લેતા હોય છે. આ અંગે મજેઠિયાએ કહ્યું હતું કે સામાન્ય રીતે વરસાદ આવે તે પહેલાં જ જે પણ મેકર્સ સિરિયલનું શૂટિંગ ઓપનમાં કરતાં હોય તેઓ વ્યવસ્થિત રીતે જગ્યા કવર કરી લેતા હોય છે, જેથી તેમને કોઈ નુકસાન ના જાય. તેમનો સેટ મુંબઈમાં ફિલ્મસિટી તથા નાયગાંવમાં છે. સેટ પર અનેક ઝાડો પડ્યા છે. તેઓ હાલમાં કેટલું નુકસાન થયું, તેની માહિતી ભેગી કરી રહ્યાં છે. સેટની અંદર પાણી ભરાઈ ગયા છે. માત્ર તેમનો જ નહીં પરંતુ લૉકડાઉનને કારણે એક પણ મેકર્સ અને પ્રોડ્યૂસર્સ પોતાના સેટને વરસાદી પાણીથી બચાવવા માટે રિપેર કરાવી શક્યા નથી. મોટાભાગના મેકર્સને નુકસાન થયું છે.

મુંબઈમાં અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે
મુંબઈમાં અનેક જગ્યાએ ઝાડ પડી ગયા છે અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે

FWICEના પ્રેસિડન્ટ બીએન તિવારીએ આક્રોશ સાથે મહારાષ્ટ્ર સરકાર આ નુકસાન માટે જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે તેમણે સરકારને લેખિતમાં વિનંતી કરી હતી કે વર્કર્સને વરસાદને કારણે સેટને નુકસાન ના થાય તે માટે રિપેર કરવાની પરવાનગી આપવામાં આવે. જોકે, સરકારે તેમની એક પણ વાત ધ્યાને લીધી નહીં.