ભાસ્કર ખાસ:ગયા વર્ષનાં લોકડાઉન કરતાં આ વર્ષે ટીવી કલાકાર વધારે ડરેલા છે, સર્વાઇવ કરવા કોઈકે કાર વેચી તો અમુક મુંબઈ છોડીને ઘરે જતા રહ્યા

એક વર્ષ પહેલાલેખક: ઉમેશ કુમાર ઉપાધ્યાય
  • કૉપી લિંક
ગયા વર્ષે ઘણા મોટા કલાકારો મદદ માટે આગળ આવ્યા હતા, આ વખતે કોઈની મદદ ના મળી. - Divya Bhaskar
ગયા વર્ષે ઘણા મોટા કલાકારો મદદ માટે આગળ આવ્યા હતા, આ વખતે કોઈની મદદ ના મળી.
  • સોના મોહપાત્રાએ કહ્યું, જો તમારું સેવિંગ પૂરું થઈ ગયું છે તો મુંબઈમાં રેંટ ભરવાનું બંધ કરો અને તમારા ઘરે ચાલ્યા જાઓ
  • સોહિત સોની કહ્યું, હવે રૂમના રેન્ટ ભરવાનાં પણ ફાંફાં છે

કોરોનાવાયરસ અને લોકડાઉનને લીધે ઘણા મહિનાઓ સુધી ઇન્ડસ્ટ્રીમાં શૂટિંગ-મીટિંગ બંધ રહ્યાં. અનલોક થયા પછી પ્રોટોકોલને ફોલો કરીને અમુક ફિલ્મ, સિરિયલ અને વેબસિરીઝનું શૂટિંગ શરૂ થયું જ હતું ત્યાં તો ફરીવાર લોકડાઉન થાય એવી સ્થિતિ આવી ગઈ. શનિવાર-રવિવારે દરેક શૂટિંગ બંધ રાખવાના નિર્દેશ આવ્યા. આગળ જતા આ નોર્મલ ક્યારે થશે તેની કોઈને ખબર નથી. જો બીજીવાર લોકડાઉન થશે તો આર્ટિસ્ટ ખાસ કરીને સાઈડરોલ પ્લે કરી અથવા તો છૂટક મજૂરી કરનારા શ્રમિકો કેવી રીતે સર્વાઇવ કરશે? આ બાબતે દિવ્ય ભાસ્કરે અમુક આર્ટિસ્ટ સાથે વાતચીત કરી અને જાણ્યું કે તેમનામાં ભૂખમરાની સ્થિતિ ઉપરાંત ઘણાબધા ડર રહેલા છે. આર્ટિસ્ટની સ્ટોરી તેમના જ શબ્દોમાં સાંભળીએ:

ઘર ચલાવવા માટે કાર વેચી દીધી, પ્રોપર્ટી વેચવાના પ્રયત્નો કરી રહ્યો છું: સુનીલ પોલ
બધું વેચીને સર્વાઇવ કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. કોઈ પોતાની કાર, કોઈ પ્રોપર્ટી તો કોઈ તેમના ટીવી વેચી રહ્યા છે. મારા મિત્રનો મને રોજ ફોન આવે છે, સાહેબ, મારો સામાન વેચાવી દો. સરકારે લોકડાઉન બોલીને વાત પૂરી કરી દીધી. એ પછી જનતા પર શું ગુજરે છે, તે તેમને જ ખબર. જનતાએ એક થવું જોઈએ, કારણ કે બધાની પ્રોબ્લેમ એક જ છે. સરકારને આના સમાધાન માટે પ્રશ્નો કરવા જોઈએ. લોકડાઉન એટલે દરેકને કોઈ ને કોઈ દિવસે ભીખ માગવાનો વારો આવશે. ઘર ચલાવવા માટે કાર, ઘરેણાં, વાસણ અને મોંઘા ફોન વેચવાં પડશે. મેં મારી જૂની કાર વેચી છે. નાની પ્રોપર્ટી વેચવાના પ્રયત્નો કરી રહ્યો છું, કારણ કે આખા વર્ષ દરમિયાન અમારા પ્રોગ્રામ ચાલ્યા નથી. શૂટિંગ સરખું થયું નથી અને ખર્ચનું લિસ્ટ રેડી છે. બધું કરવું પડે છે.

મારા ડ્રાઈવરે કહ્યું, ગામડે જવું છે. મેં કહ્યું-રોકાઈ જા. તે બોલ્યો- ના. તમે પગાર આપતા નથી,પરંતુ જે પ્રોગ્રામ ચાલતા હતા, શૂટિંગ થતાં હતાં એનાથી અમારી એક્સ્ટ્રા ઇન્કમ થતી હતી; એ બંધ થઇ ગઈ છે. પગારથી ઘર ચાલતું નથી. તે ગામડે જતો રહ્યો. ઘરમાં સર્વન્ટ ઓછા કરી દીધા છે. મોટા ભાગે કામ જાતે કરીએ છીએ. બધું જાતે કરવું પડે છે ત્યારે સમજાય છે કે નરેન્દ્ર મોદીજીએ કેમ કહ્યું હતું કે આત્મનિર્ભર બનો. અમુક 20% લોકો સાચા છે, બાકી 80% ખોટા છે અને તેમને લીધે આપણે 20% લોકોને તકલીફ પડે છે.

મારી કોઈ લાચારીવાળી સ્ટોરી નથી, પણ મ્યુઝિક કમિટી તકલીફમાં છે: સોના મોહપાત્રા
પર્સનલી મારી કોઈ લાચારીવાળી સ્ટોરી નથી, પરંતુ મ્યુઝિક કમિટી હાલ તકલીફમાં છે, કારણ કે કામ બંધ થયાને વર્ષ ઉપર થઇ ગયું છે. મારી વાત કરું તો યંગ બેન્ડમેન અને મ્યુઝિશિયનને સલાહ આપું છું કે જો તમારું સેવિંગ પૂરું થઇ ગયું છે તો મુંબઈમાં રેંટ ભરવાનું બંધ કરો અને તમારા ઘરે ચાલ્યા જાઓ, કારણ કે મુંબઈ હવે મ્યુઝિક સિટી નથી રહ્યું. સમયનો ઉપયોગ કરીને કોઈ બેકઅપ પ્લાન બનાવો અને આગળ વધો.

અત્યારસુધી જેટલી મદદ કરી શકતી હતી એ કરી. હવે મારે મારા વિશે વિચારવું પડશે. ડિપ્રેશન આવી ગયું છે કે કામ ક્યારે શરૂ થશે? ઈલેક્શન રેલી તો જોરશોરથી થઇ રહી છે પણ મ્યુઝિક કન્સર્ટની વાત આવે તો લાગે છે કોરોના ત્યાં જ ફેલાશે. આ વાત પર ચર્ચા કરવી એમાં ડિપ્રેશન આવી જાય છે.

ગયા વર્ષ કરતાં વધારે દુઃખ આ વર્ષે લાગી રહ્યું છે:ચંદ્રમણી મિશ્રા
ગયા વર્ષે તો ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા હતા, પરંતુ આ વર્ષે કોઈ નથી આવ્યું. એવું કહેવાય છે ને કે જ્યાં સુધી ઇન્કમ ના હોય ત્યાં સુધી ભલે ગમે તેટલું બેલેન્સ હોય પણ એ ટકતું નથી. ગયા વર્ષે તો હું ગામડે જતો રહ્યો હતો. જમીનનું ધ્યાન રાખ્યું. ઘરનો સપોર્ટ મળ્યો, થોડું બેલેન્સ હતું તેને લીધે સમય પસાર થઇ ગયો, પરંતુ આ વર્ષે તો મોટો પ્રોબ્લેમ છે. મુંબઈ આવીને જાન્યુઆરી 2021થી ઈમલી, યે હૈ ચાહતે, ક્રાઈમ પેટ્રોલ, એશુ જેવી સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

જિંદગી પાટે ચડી રહી હતી ત્યાં ખબર પડી કે ફરીથી લોકડાઉન આવશે. ઘરમાં માતા બીમાર છે. પહેલાં કામ ચાલતું હતું તો ખર્ચ વિશે વિચારતો નહોતો, પરંતુ હવે કંજૂસાઈથી પૈસા વાપરવા પડે છે. ગયા વર્ષે કરતાં વધારે આઘાત આ વર્ષે લાગ્યો છે, કારણ કે આ વર્ષે મદદ માટે કોઈ આગળ આવ્યું નથી. આ મહામારી ક્યાં સુધી રહેશે એના વિશે પણ કોઈને ખબર નથી. મારા ઘણા એક્ટર ફ્રેન્ડ છે, તેઓ હંમેશ માટે મુંબઈ છોડીને ચાલ્યા ગયા છે. તેમણે કહ્યું, હવે અહીં રહેવું નથી.

તકલીફ તો દરેક કલાકારને છે, પણ વર્કરને વધારે છે: ગજેન્દ્ર ચૌહાણ
ઉચ્ચ વર્ગને છોડીને તકલીફ તો દરેક કલાકારને છે. ગયા વર્ષે લોકડાઉનમાં અક્ષય કુમાર, સલમાન ખાન, રોહિત શેટ્ટી, શાહરૂખ ખાન જેવા કલાકારોએ ઘણી મદદ કરી હતી. હું ફેડરેશન ઓફ વેસ્ટ સિને એમ્પ્લોયીઝનો ચીફ એડવાઈઝર છું. ફેડરેશને પણ વર્કરને મદદ કરી હતી. વર્કર સૌથી વધારે તકલીફમાં છે, કારણ કે તેઓ રોજ ખાડો ખોદે છે અને પાણી પીવે છે. કાલે જ મેસેજ આવ્યો કે શૂટિંગ બંધ કર્યું છે. ઓક્ટોબર પછી મેં અમુક ફિલ્મ અને સિરિયલ કરી હતી.

કામ મળવાનું શરૂ થતાં થોડી રાહત મળી હતી, પરંતુ હવે ફરીથી પહેલાં જેવી સ્થિતિ ઊભી થઈ છે. ખબર નહિ આ ક્યાં સુધી ચાલશે. જિંદગી પણ બચાવવી છે અને કમાણી પણ કરવી છે. બંને જરૂરી છે. મુંબઈમાં કલાકારો અને ટેક્નિશિયનની નવી પેઢી આવી હતી તે ઘરે પરત જતી રહી. આ વખતે કઈ પણ કહેવું નકામું છે. કોઈ એકનું નામ લેવું યોગ્ય નથી. આપણે લોકોની મદદ કરી છે, પણ હંમેશાં માટે કોઈની મદદ ના કરી શકીએ. ક્યાંક ને ક્યાંક માણસે એનો રસ્તો શોધવો પડે છે. પછી તે નેટિવ પ્લેસ હોય કે કમાણીનો બીજો રસ્તો.

આ વખતે કામ, પૈસા અને સમયને લઈને ઘણો ડિસ્ટર્બ છું-સોહિત સોની
ગયા વખતે તેનાલીરામામાં કામ કરતો હતો ત્યારે 3 મહિનાનો ચેક આવતો હતો, આથી સર્વાઈવ કરી ગયા. પરંતુ આ વખતે તો હજુ કામ કરવાનું શરૂ પણ નહોતું કર્યું ત્યાં અચાનક બ્રેક લાગી ગયો છે. આ વખતે કામ, પૈસા અને સમયને લઈને ઘણો ડિસ્ટર્બ છું, કારણ કે ગયા લોકડાઉન કરતાં આ વખતે વધારે તકલીફ છે. વધારે ડર લાગી રહ્યો છે. જો આ લાંબું ચાલશે તો અમુક પ્રોજેક્ટ માટે વાત ચાલુ હતી એ પણ બંધ થઇ જશે.

પહેલાં ક્યાંક ને ક્યાંક કામ મળી જતું હતું, પણ હવે સેટ પર એક્ટર ઓછા કરી દીધા છે, આથી કામ મળવામાં તકલીફ પડી રહી છે. હવે રૂમના રેન્ટ પણ નથી ભરાતા. ઘરેથી ઓછું નીકળવાનું છે તો ખર્ચ પણ ઓછા કરવા પડશે. જેથી મુંબઈમાં ટકી શકીએ. આવા સમયે ખાણી-પીણીના ભાવ વધી જાય છે. મોદીજીને કહીશ, આ વખતે પહેલાં જેવું લોકડાઉન ના લાવો, જેથી શૂટિંગ અટકે નહિ. શૂટિંગ ચાલુ રહેશે તો ક્યાંક ને ક્યાંક કામ મળી જ જશે.

અન્ય સમાચારો પણ છે...