કાર્યવાહી:કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો, કપિલ શર્માએ છેતરપિંડીનો આક્ષેપ કર્યો હતો

મુંબઈએક વર્ષ પહેલા
દિલીપ છાબરિયા પર બંધારણની કલમ 420, 465, 467, 468, 471, 120 (B) તથા 34 હેઠળ કેસ કરવામાં આવ્યો છે - Divya Bhaskar
દિલીપ છાબરિયા પર બંધારણની કલમ 420, 465, 467, 468, 471, 120 (B) તથા 34 હેઠળ કેસ કરવામાં આવ્યો છે

DC ડિઝાઈનના સંસ્થાપક તથા લોકપ્રિય કાર-વેનિટી વેન ડિઝાઈનર દિલીપ છાબરિયાને મુંબઈની એક કોર્ટે એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. કપિલ શર્માની ફરિયાદ બાદ દિલીપની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કપિલે છાબરિયા પર આક્ષેપ મૂક્યો હતો કે વેનિટી વેન ડિઝાઈન કરવા માટે 5.5 કરોડ રૂપિયા આપ્યા હોવા છતાંય સમય પર વેનની ડિલિવરી કરી નહોતી. પાર્કિંગ, GST તથા અન્ય ચાર્જિસના નામ પર અલગથી એક કરોડથી પણ વધુ રકમ આપવામાં આવી હતી. આ કેસની તપાસ આર્થિક અપરાધ શાખા (ઈકોનોમિક અફેન્સ વિંગ) કરે છે.

7 જાન્યુઆરીએ કપિલે નિવેદન નોંધાવ્યું હતું
કપિલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેણે દિલીપ છાબરિયાને તેની વેનિટી વેન ડિઝાઈન કરવા માટે 2017માં કહ્યું હતું, પરંતુ પેમેન્ટ કર્યું હોવા છતાંય ગાડી ડિલિવર કરી નહોતી. કપિલ શર્માએ આપેલી માહિતી પ્રમાણે, તેણે દિલીપ છાબરિયાને સાડા પાંચ કરોડ રૂપિયા વેનિટી વેન ડિઝાઈન કરવા માટે આપ્યા હતા.

વધુમાં કપિલે કહ્યું હતું, 'મેં દિલીપ છાબરિયા તથા તેના સ્કેમ અંગે ન્યૂઝ પેપરમાં વાંચ્યું હતું અને પછી મુંબઈ પોલીસ કમિશ્નરને મળવાનું નક્કી કર્યું હતું. અમે દિલીપ છાબરિયાને અમારા માટે એક વેનિટી વેન ડિઝાઈન કરવાનું કહ્યું હતું અને પૂરું પેમેન્ટ આપવામાં આવ્યું હતું. જોકે, તેણે ગાડી ડિલિવરી કરી નહોતી. અમે આ અંગે પહેલાં ઈકોનોમિક અફેન્સ વિંગમાં ફરિયાદ કરી હતી. દિલીપ જેવા લોકોની ધરપકડ થઈ તેનાથી હું ખુશ છું.'

કેવી રીતે કપિલ સાથે છેતરપિંડી થઈ?
મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેએ કહ્યું હતું, 'કપિલ શર્માએ દિલીપ છાબરિયાને 5.30 કરોડ રૂપિયા માર્ચ 2017 તથા 2018માં વેનિટી વેન ડિઝાઈન કરવા માટે આપ્યા હતા. જુલાઈ, 2018માં દિલીપ છાબરિયાએ વધુ 40 લાખ રૂપિયાની માગણી કરી હતી, કારણ કે GST શરૂ થઈ ગયું હતું. ત્યારબાદ કપિલ શર્મા NCLT પાસે ગયો હતો અને દિલીપનું અકાઉન્ટ ફ્રીજ કરાવ્યું હતું. પછી દિલીપે ફરીવાર 60 લાખની માગણી કરી હતી, પરંતુ ગાડી ડિલિવર કરી નહોતી.'

ત્યારબાદ DCએ 12થી 13 લાખ રૂપિયાનું બિલ કપિલ શર્માને વ્હીકલ પાર્કિંગ માટે મોકલ્યું હતું. 2020માં કપિલે EOWમાં ફરિયાદ કરી હતી. કપિલે અલગથી આ કેસમાં ફરિયાદ કરી છે.

છાબરિયા પર આ આક્ષેપો મૂકવામાં આવ્યા છે
મુંબઈ ક્રાઈમ બ્રાંચના CIU યુનિટે કાર ડિઝાઇનર અને ભારતના પ્રસિદ્ધ કાર મોડિફિકેશન સ્ટૂડિયો ‘DC’ના સ્થાપક દિલીપ છાબરિયાની 28 ડિસેમ્બરના રોજ અંધેરી MIDC વિસ્તારમાંથી મોડી સાંજે ધરપકડ કરી હતી. છાબરિયાના દાવા અનુસાર DC અવંતી ભારતમાં ઘરઆંગણે બનાવવામાં આવેલી પ્રથમ સ્પોર્ટસકાર છે, જેને ARAI દ્વારા મંજૂરી મળે તે પૂર્વે જ વિવાદમાં સપડાઈ છે. દરમિયાન છાબરિયા સામે ક્રિકેટર દિનેશ કાર્તિક, વિવિધ બેંકે કરોડોની છેતરપિંડીની ફરિયાદ કરી છે. છાબરિયા વિરુદ્ધ બંધારણની કલમ 420, 465, 467, 468, 471, 120 (B) તથા 34 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

છાબરિયાએ એક જ એન્જિન અને ચેસિસ નંબરોવાળી અનેક કાર વેચી હતી, જે ગેરકાયદેસર છે. તેની ઉપર એક કાર પર ઘણી બધી લોન લેવાનો અને પછી કાર ત્રીજી વ્યક્તિને વેચવાનો પણ આક્ષેપ છે.

અનેક સેલિબ્રિટીઝની કાર ડિઝાઈન કરી છે
દિલીપે ભારતની પહેલી સ્પોર્ટ્સ કાર ડિઝાઈન કરી હતી. તેણે અમિતાભ બચ્ચનથી લઈ શાહરુખ ખાન સહિત અનેક ફિલ્મી હસ્તીઓની કાર ડિઝાઈન કરી છે. કારની સાથે તેણે સેલેબ્સની વેનિટી વેન પણ ડિઝાઈન કરી છે.