તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ:'રામાયણ'ના સુમંતનું 97 વર્ષની ઉંમરમાં નિધન, સંઘર્ષના દિવસોમાં ચોકીદાર તરીકે કામ કર્યું હતું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચંદ્રશેખરના 13 વર્ષની ઉંમરે લગ્ન થયા હતા, સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો
  • દોહિત્ર શક્તિ અરોરા પણ જાણીતો ટીવી એક્ટર

ટીવીના લોકપ્રિય સિરિયલ 'રામાયણ'માં સુમંતનું પાત્ર ભજવનાર 97 વર્ષીય વરિષ્ઠ એક્ટર ચંદ્રશેખરનું બુધવાર, 16 જૂનના રોજ સવારે સાત વાગે નિધન થયું છે. ચંદ્રશેખરનો દોહિત્ર શક્તિ અરોરા પણ ટીવીનો જાણીતો એક્ટર છે.

દીકરાએ પિતાના નિધનની પુષ્ટિ કરી
ચંદ્રશેખરના દીકરા તથા પ્રોફેસર અશોક ચંદ્રશેખરે પિતાના નિધનની પુષ્ટિ કરી હતી. અશોકે કહ્યું હતું કે તેમના પિતાના અંતિમસંસ્કાર આજે, 16 જૂનના રોજ બપોરે ત્રણ વાગે પાર્લેના સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે પિતાનું ઊંઘમાં જ અવસાન થયું હતું. તેમને કોઈ બીમારી નહોતી. ગયા અઠવાડિયે તાવ આવ્યો હતો અને તેમને એક દિવસ માટે જુહુસ્થિત ક્રિટી કેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. ઘરમાં ઓક્સિજન સહિતની સુવિધા રાખવામાં આવી હતી, જેથી ઇમર્જન્સીમાં કોઈ સમસ્યા ના થાય. તેઓ એકદમ ઠીક હતા અને તેમણે શાંતિપૂર્ણ રીત દુનિયાને અલવિદા કહી હતી.

પંચમહાભૂતમાં વિલીન ચંદ્રશેખર
પંચમહાભૂતમાં વિલીન ચંદ્રશેખર

11 વર્ષ સુધી CINTAAના પ્રમુખ રહ્યા હતા
CINTAAના સંયુક્ત સચિવ અમિત બહલે કહ્યું હતું કે આ બહુ જ મોટું નુકસાન છે. ચંદ્રશેખર સર, આશા પારેખ, મિથુનદા વગેરે સ્ટાર્સે ઓફિસ માટે નવી જગ્યા લીધી હતી અને હવે એ નવી ઓફિસ બનવાની હતી. 1985થી લઈ 1996 સુધી સિને આર્ટિસ્ટ એસોસિયેશન (CINTAA)ના પ્રમુખ તરીકે કામ કર્યું હતું.

ચોકીદારીનું પણ કામ કર્યું છે
ચંદ્રશેખરનો જન્મ 7 જુલાઈ, 1923ના રોજ થયો હતો. તેમનું જીવન સંઘર્ષથી ભરપૂર રહ્યું છે. 13 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જતાં તેમણે સાતમા ધોરણ પછી અભ્યાસ મૂકી દીધો હતો. એક સમયે ચંદ્રશેખરે ચોકીદારી તથા ટ્રોલી ખેંચવાનું કામ કર્યું હતું. તેમમે 'ભારત છોડો' આંદોલનમાં પણ ભાગ લીધો હતો.

'રામાયણ'માં સુમંતનું પાત્ર ભજવ્યું હતું
'રામાયણ' પહેલાં ચંદ્રશેખરે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું. 1950ના દાયકામાં તેઓ લોકપ્રિય એક્ટર રહ્યા હતા. તેમનું પૂરું નામ ચંદ્રશેખર વિદ્યા છે. તેમણે ફિલ્મ 'સુરંગ'થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ વી. શાંતરામે 1954માં બનાવી હતી. તેમણે અંદાજે 112 પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું.

આ ફિલ્મમાં કામ કર્યું હતું
ચંદ્રશેખરે 'કાલી ટોપી લાલ રૂમાલ', 'બિરાદરી', 'સ્ટ્રીટ સિંગર', 'રુસ્તમ એ બગદાદ' જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. આ ઉપરાંત 'કટી પતંગ', 'બસંત બિહાર' તથા 'શરાબી'માં કામ કર્યું છે. 1964માં ચંદ્રશેખરે ફિલ્મ 'ચા ચા ચા'માં આ જ નામથી ડાન્સ પર્ફોર્મ ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો.

શક્તિ અરોરા પણ લોકપ્રિય ટીવી એક્ટર
'રામાયણ'માં સુમંતનું પાત્ર ભજવીને ચંદ્રશેખર ઘેર-ઘેર લોકપ્રિય થયા હતા. જ્યારે તેમણે 'સુમંત'નું પાત્ર ભજવ્યું ત્યારે તેમની ઉંમર 65 વર્ષની હતી. આજે તેમનો દોહિત્ર શક્તિ અરોરા જાણીતો એક્ટર છે. શક્તિ 'સિલસિલા બદલતે રિશ્તો કા'થી લોકપ્રિય થયો હતો.