બિગ બોસ 15:સલમાન ખાને પોર્ન કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મજાક ઉડાવી, શમિતા જોતી જ રહી ગઈ

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલમાને નેશનલ ટીવીમાં રાજ કુંદ્રાની મજાક ઉડાવી
  • રાજ કુંદ્રાની સાળી શમિતા શેટ્ટી જોતી જ રહી ગઈ

'બિગ બોસ 15'માં દર્શકોએ 9 ઓક્ટોબરના રોજ શોનો પહેલો 'વીકેન્ડ કા વાર' એપિસોડ જોયો હતો. આ એપિસોડ ઉતાર-ચઢાવથી ભરપૂર હતો. સલમાન ખાને શોમાં ચાહકોને ઘણાં જ એન્ટરટેઇન કર્યા હતા. સલમાને સ્પર્ધકોને ખરું-ખોટું પણ સંભળાવ્યું હતું. આ દરમિયાન સલમાને કંઈક એવી વાત કહી હતી કે શમિતા શેટ્ટી અસહજ થઈ ગઈ હતી.

શું કહ્યું સલમાન ખાને?
સલમાન ખાને નિશાંત ભટ્ટને પ્રતીક સહજપાલનું સમર્થન કરવા તથા ખોટી બાબતમાં નિર્ણય લેતા ના રોક્યો તે અંગે ધમકાવ્યો હતો. સલમાને આ મુદ્દે બંને સાથે વિગતવાર વાત કરી હતી અને સમજાવ્યા હતા. છેલ્લે સલમાને પૂછ્યું હતું, 'શું તે સમજી ગયા?' જેના પર પ્રતીકે કહ્યું હતું કે હા તે સમજી ગયો છે. ત્યારબાદ સલમાને કરન કુંદ્રા સહિત ઘરના તમામ સભ્યોના નામ લીધા હતા. જોકે, કરન કહ્યા બાદ તેણે તરત જ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનું પણ નામ લીધું હતું. સલમાને કહ્યું હતું, 'રાજ કુંદ્રા પણ સમજી ગયો.'

શમિતા શેટ્ટી જોતી જ રહી ગઈ
રાજ કુંદ્રાની સાળી શમિતા શેટ્ટી 'બિગ બોસ'ના ઘરમાં જ છે. સલમાને જ્યારે રાજ કુંદ્રા અંગે વાત કરી તો તે સાંભળીને નવાઈમાં મૂકાઈ ગઈ હતી. શમિતાના હાવભાવ ઝડપથી બદલાઈ ગયા હતા અને તે આશ્ચર્યથી જોઈ રહી હતી. જોકે, તેને તરત જ ખ્યાલ આવી ગયો કે સલમાન ખાન મજાક કરે છે અને તે પણ પછી હસવા લાગી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ મુંબઈ પોલીસે પોર્ન ફિલ્મ બનાવવાના આરોપસર અટકાયત બાદ ધરપકડ કરી હતી. રાજ કુંદ્રા બે મહિના જેલમાં રહ્યો હતો અને 19 સપ્ટેમ્બરના રોજ તેને જામીન મળ્યા હતા.

કેટલાંક યુઝર્સે સલમાનને ટ્રોલ કર્યો
ઉલ્લેખનીય છે કે શમિતા આ પહેલાં 'બિગ બોસ OTT'માં જોવા મળી હતી. સો.મીડિયામાં કેટલાંક યુઝર્સે સલમાનની આ હરકતનો વિરોધ કર્યો હતો. તેમનું માનવું છે કે સલમાને જાણી જોઈને શમિતા સાથે આ રીતની મજાક કરી હતી.