'બિગ બોસ 15'માં હિંસા:‘તું ઘટિયા છો... બહેનને આવી ગંદી ગાળો દે છે?’, સ્પર્ધક વિશાલ કોટિયન તથા જય ભાનુશાલી વચ્ચે બિગ બોસ હાઉસમાં છુટ્ટા હાથની મારામારી

મુંબઈ6 દિવસ પહેલા
  • ઘરની અંદર જય તથા વિશાલે એકબીજાને ધક્કો માર્યો
  • શૉમાં પત્રકારો પણ હાજર હતા અને તેની સામે જ આ મારામારીની ઘટના બની

વિવાદાસ્પદ શો 'બિગ બોસ 15' કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે. આ શોમાં હવે વિશાલ કોટિયન તથા જય ભાનુશાલી વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે શરૂઆતથી જ લવ-હેટનાસ સંબંધો છે. એ વાત તો જગજાહેર છે કે બંને એકબીજાને પસંદ કરતાં નથી તેમ છતાંય વિશાલ હંમેશાં જયની સામે મિત્ર હોવાનો દાવો કરે છે. આગામી એપિસોડમાં બંને વચ્ચેની દુશ્મની સામે આવશે.

જય તથા વિશાલ વચ્ચે ઝઘડો થયો
વિશાલ તથા જય આગામી એપિસોડમાં એકબીજા સાથે ઝઘડો કરતો જોવા મળશે. શોના એપિસોડમાં જ્યારે જયને પૂછવામાં આવ્યું હતું કે તે તેના ઓવર કોન્ફિડન્સને કારણે શોમાં દેખાતો નથી? જવાબમાં જય કહે છે કે તે એ વાતમાં વિશ્વાસ રાખે છે કે તે ગમે તેટલો મોટો કે નાનો હોય. જય હજી પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ વચ્ચે વિશાલ બોલે છે કે આવું વિચારવું બહુ જ સરળ છે કે તમે એકલા ગેમ રમી લેશો.

વિશાલને જડબાતોડ જવાબ આપ્યો
વિશાલની આ વાત પર જયે તેને બકવાસ કહ્યો હતો અને આગળ કહ્યું હતું કે જે વ્યક્તિ પોતાની બહેનનો સગો ના થયો તે બીજા કોઈને થઈ શકે નહીં. આ એપિસોડમાં જર્નલિસ્ટ આવ્યા હોય છે. જર્નલિસ્ટની સામે જ જય તથા વિશાલ વચ્ચે જબરજસ્ત લડાઈ થઈ હતી. ઉલ્લેખનીય છે કે શોમાં વિશાલ એક્ટ્રેસ શમિતા શેટ્ટીને પોતાની બહેન માને છે. એક એપિસોડમાં વિશાલે ઘરના સભ્યો આગળ એમ કહ્યું હતું કે શમિતા શેટ્ટી અંગે રાકેશે મોટો હાથ માર્યો છે. આ અંગે વિશાલે સ્પષ્ટતા પણ કરી હતી કે તેણે શિલ્પા તથા શમિતાના પરિવાર અંગે ક્યારેય વાત કરી નથી. મસ્તી ચાલતી હતી અને તેણે ઉમર રિયાઝને કહ્યું હતું કે રાકેશ બાપટને વાઇલ્ડ કાર્ડથી પરત લાવો. તેણે ક્યારેય શિલ્પા સાથે કંઈ જ ખોટું કર્યું નથી. શમિતા તેની બહેન છે અને જો તેની વાત ખોટી હોય તો તે હાથ જોડીને માફી માગે છે.

બંનેએ એકબીજાને ધક્કો માર્યો
થોડાં સમય બાદ ઘરની અંદર જય તથા વિશાલ વચ્ચે બીજીવાર ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને જયે વિશાલને ધક્કો માર્યો હતો. વિશાલે પણ જયને જોરથી ધક્કો માર્યો હતો. જોતજોતામાં બંને એકબીજા સાથે મારામારી કરવા લાગ્યા હતા. ઘરના સભ્યોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

'બિગ બોસ' સજા આપશે?
'બિગ બોસ'ના ઘરમાં હિંસા કરી શકાતી નથી. હવે વિશાલ તથા જયને 'બિગ બોસ' શું સજા આપે છે, તે તો એપિસોડ ટેલિકાસ્ટ થયા બાદ જ ખબર પડશે.