રિયાલિટી શોની ‘રિયાલિટી’:એક્ટ્રેસ નૈના સિંહે કહ્યું, ‘બિગ બોસ શોમાં ફેવરિટ એક્ટર્સ જ વધારે હાઈલાઈટ થાય છે, બાકીના કન્ટેસ્ટન્ટ તો બેકગ્રાઉન્ડ ડાન્સર બનીને રહી જાય છે’

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નૈનાએ કહ્યું, ‘ભલે કોઈને સારું લાગે કે ખરાબ હું તો સાચું જ બોલીશ’

રિયાલિટી શો બિગ બોસ 14નો ભાગ રહી ચૂકેલી એક્ટ્રેસ નૈના સિંહ હાલ એક સિંગલ રોમેન્ટિક સોન્ગ ‘વજહ’માં દેખાઈ રહી છે. આ સોન્ગના પ્રમોશન માટે નૈના રાયપુર ગઈ હતી. આ દરમિયાન તેણે બિગ બોસ શો અને પર્સનલ લાઈફની ઇન્ટરેસ્ટિંગ વાતો દિવ્ય ભાસ્કર સાથે શૅર કરી. જાણો, દેશના સૌથી ફેમસ રિયાલિટી શોમાં એક્ટ્રેસે શું ખુલાસા કર્યા?

‘મને ફોન પર કહ્યું હતું, તું કોઈને કઈ ના કહેતી’
નૈનાએ બિગબોસ શો વિશે કહ્યું કે, ‘એલિમિનેટ થયા પછી મને શોની ટીમમાંથી એક કોલ આવ્યો હતો. તેમણે મને કહ્યું કે, બહાર જઈને કોઈને પણ શો વિરુદ્ધ કઈ ના કહેતી. મેં ડાયરેક્ટ કહી દીધું, કેમ ના બોલું? હું ખોટું બોલું તેવી છોકરી નથી. ભલે કોઈને સારું લાગે કે ખરાબ હું તો સાચું જ બોલીશ અને ખોટું લાગે તો જય રામ જી કી.’

‘મારે તે શોમાં પાછું જવું નથી’
નૈનાએ બે હાથ જોડીને ના પાડતા કહ્યું કે, ‘મને માફ કરો પણ હું તે શોમાં ક્યારેય પાછી નહીં જઉં. શોમાં ફેવરિટ લોકોને જ વધારે હાઈલાઈટ કરવામાં આવે છે. બાકીના કલાકારો તો બેકગ્રાઉન્ડ ડાન્સર જ બની જાય છે. કદાચ આ બધી વાતોને લીધે મને બૅન કરી હોય, પરંતુ હું ફરીથી તે શોમાં નહીં જઉં.

‘સંજય દત્ત સાથે પ્રથમ ફિલ્મમાં દેખાત, પણ લોચા થઈ ગયા’
નૈનાએ કહ્યું, હું વર્ષ 2013માં મુંબઈ આવી હતી. ત્યારે એક ઓડિશનમાં સિલેક્ટ થતા મને લીડ રોલ મળ્યો હતો. સંજય દત્ત અને સુષ્મિતા સેન તે ફિલ્મમાં મારા પેરેન્ટ્સ હતા. પણ થોડી ગડબડ થઈ ગઈ, સંજય દત્તને જેલ જવું પડ્યું અને ફિલ્મ અટકી પડી. ત્યારે હું 17 વર્ષની હતી. આટલો મોટો પ્રોજેક્ટ બંધ થઈ જતા મારો આત્મવિશ્વાસ પણ ઓછો થઈ ગયો. મેં માતા સાથે વાત કરી અને મુરાદાબાદ પાછી ચાલી ગઈ.

‘વર્ષ 2016 મુંબઈ ગઈ’
નૈનાએ મુરાદાબાદમાં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ શરૂ કર્યો. બુક્સ જોઈ તો નૈનાને લાગ્યું કે, આ હું ક્યાં આવી ગઈ? આનાથી સારું તો મુંબઈ હતું. વર્ષ 2016માં નૈના મુંબઈ આવી. નૈનાએ કહ્યું, મેં કાસ્ટિંગ અસિસ્ટન્ટ તરીકે વેલકમ બેક અને રૉયના કાસ્ટિંગમાં સામેલ રહી. એ પછી સ્પ્લિટ્સવિલા, ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપર સ્ટાર, કુમકુમ ભાગ્ય સિરિયલમાં કામ કર્યું. કંટાળીને મેં તે કામ છોડી દીધું. અમુક સોન્ગ અને વેબ સિરીઝ કરી છે, ટૂંક સમયમાં મોટા પડદા પર દેખાઈશ. નૈના ઉત્તર પ્રદેશના મુરાદાબાદની રહેવાસી છે. વર્ષ 2013માં નૈનાએ ‘Femina’s Most Stylish Diva’ નો અવોર્ડ જીત્યો હતો. તે સ્પિલટ્સવિલા 10ની વિનર રહી ચૂકી છે.