બિગ બોસ 15:ફિનાલે પહેલાં બિગ ટ્વિસ્ટ, ઘરમાં 'તારક મહેતા..'ની બબીતા સહિત 4 સેલેબ્સની ધમાકેદાર એન્ટ્રી

મુંબઈ22 દિવસ પહેલા
  • સલમાન ખાનના આ શોની ગ્રાન્ડ ફિનાલે 16 જાન્યુઆરીના રોજ છે

રિયાલિટી શો 'બિગ બોસ 15' આ વખતે ઘણું જ અલગ રહ્યું છે. આ શો જંગલ થીમથી શરૂ થયો હતો અને હવે 16 જાન્યુઆરીએ શોની ગ્રાન્ડ ફિનાલે છે. આ શોમાં ચાર સેલેબ્સ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીથી ઘરમાં આવ્યા હતા. હવે ચાર ચેલેન્જર્સ ઘરમાં જોવા મળશે, જેમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ મુનમુન દત્તા પણ છે.

આજે રાતે ઘરમાં જોવા મળશે
'બિગ બોસ'એ હાલમાં જ રિલીઝ કરેલા પ્રોમો પ્રમાણે, આજે રાતે (2 જાન્યુઆરી) ઘરમાં ચાર ચેલેન્જર્સની એન્ટ્રી બતાવી છે. લિવિંગ એરિયામાં ઘરના અન્ય સભ્યો બેઠા હોય છે. આ સભ્યોને 'બિગ બોસ' કહે છે કે ઘરના લોકોને ટિકટ ટૂ ફિનાલે જીતવાની અનેક તક આપવામાં આવી, પરંતુ તમામે તક ગુમાવી દીધી. આ વાતને ધ્યાનમાં રાખીને આ ઘરના એક હિસ્સામાં મુનમુન દત્તા, વિશાલ સિંહ, સુરભિ ચંદના તથા આકાંક્ષા પુરી કાલથી ઘરમાં રહેશે. તેમણે ટિકટ ટૂ ફિનાલે પોતાના નામે કરી લીધી છે.

આ ચારેય ઘરના સભ્યોને ટાસ્ક આપશે
પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે ચાર ચેલેન્જર્સ ઘરના સભ્યોને ચેલેન્જ પણ આપે છે. નિશાંત, ઉમર, તેજસ્વી તથા કરન કુંદ્રા ટાસ્ક પર્ફોર્મ કરે છે. આ સમયે આકાંક્ષા પુરી એમ કહે છે કે હવે સમય આવી ગયો છે કે થોડું અમાનવીય થવું પડશે. તો સુરભિ એમ કહે છે કે તમે લોકોએ ટાસ્કમાં છટકબારી શોધીને કેન્સલ કરાવતા હતા, હવે તમે કેન્સલ કરીને બતાવો.

હાલમાં જ સલમાન ગુસ્સે થયો હતો
'વીકેન્ડ કા વાર' એપિસોડમાં ઘરના સભ્ય અભિજીતને બગાસું આવતા જ સલમાન ભડકી જાય છે અને કહે છે, 'ઊંઘ આવે છે તો બિચુકલે પથારમાં જઈને સૂઈ જા. આ બધું મારી સાથે નહીં ચાલે. જા સૂઈ જા.' ત્યારબાદ અભિજીત વારંવાર માફી માગે છે, પરંતુ સલમાન બૂમ પાડીને તેને ચૂપ કરાવી દે છે. શોમાં ટાસ્ક કેન્સલ થવાને કારણે પણ સલમાન ગુસ્સામાં હતો. તેણે ઘરના સભ્યોને કહ્યું હતું, 'ટાસ્ક રદ્દ કરાવવામાં તમે લોકોએ PhD (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કરી લીધી છે. જો સંચાલક જ ટાસ્ક રદ્દ કરાવે તે ઘણું જ ખોટું છે, સ્પર્ધકો ટાસ્ક કેન્સલ કરાવે તો હજી ચાલે.'

શમિતાને ખરું-ખોટું સંભળાવ્યું
સલમાને પછી શમિતાને કહ્યું હતું કે રાખી સાવંત સાથે તેનું વર્તન ઘણું જ ખોટું છે. આ સાંભળીને શમિતાએ ગુસ્સામાં કહ્યું હતું, 'હું સેમ એટિટ્યૂડ સાથે કોઈ બીજા પર ચઢનારી નથી. જો તમે મને એમ કહો કે મારો એટિટ્યૂડ ખોટો છે, તો મને ખબર નથી.' શમિતાની વાત પૂરી થતાં જ સલમાન ગુસ્સે થઈ જાય છે અને તે એક્ટ્રેસને ધમકાવે છે. ત્યારબાદ શમિતા શેટ્ટી રડવા લાગે છે.