દીકરાનો ચહેરો બતાવ્યો:કોમેડિયન ભારતી સિંહ-હર્ષ લીંબચિયાએ ચાર મહિના બાદ 'ગોલા'ની ઝલક બતાવી

મુંબઈ5 મહિનો પહેલા

કોમેડિયન ભારતી સિંહે અંતે પોતાના લાડલા દીકરા ગોલા એટલે કે લક્ષ્યનો ચહેરો ચાહકોને બતાવ્યો છે. ભારતી સિંહ તથા હર્ષ લીંબચિયા ટીવીના પોપ્યુલર કપલ્સમાંથી એક છે. ભારતીએ આ વર્ષે 3 એપ્રિલના રોજ દીકરાને જન્મ આપ્યો હતો.

ભારતીએ ગોલાનો ચહેરો બતાવ્યો
દીકરાના જન્મ બાદ ભારતી સિંહ તથા હર્ષે કહ્યું હતું કે તેઓ દીકરાને લાડથી ગોલા કહીને બોલાવે છે. જોકે તેમણે અત્યારસુધી લાડલાનો ચહેરો બતાવ્યો નહોતો. થોડા સમય પહેલાં જ ભારતીએ દીકરાનું નામ લક્ષ્ય રાખ્યું હોવાનું કહ્યું હતું. હવે બંનેએ સો.મીડિયામાં વીડિયો તથા ફોટો શૅર કરીને દીકરાનો ચહેરો બતાવ્યો છે.

વીડિયોમાં શું કહ્યું ભારતીએ?
વીડિયોમાં ભારતીએ કહ્યું હતું, 'યાર, આજે હું તમને ગોલા બતાવી જ દઈશ. મને બહુ જ મેસેજ મળ્યા હતા, લોકો બહુ કટાક્ષ મારતા હતા. આજે અંતે તમે લોકો ગોલાને જોઈ જ લેશો. આમ તો બર્થડેના વ્લોગ પર ગોલાનો ચહેરો બતાવી દેવાની જરૂર હતી, પરંતુ બહાર ગયા હતા અને સારી રીતે થઈ શકે એમ નહોતું. આમ પણ તે હર્ષ ને ભારતીનો ગોલા છે, આમ તો ચહેરો બતાવીશું નહીં. હું ઘણી જ એક્સાઇટેડ છું, હજી તે સૂતો છે, તૈયાર કરીને બતાવું છું, કારણ કે તમે પહેલીવાર જુઓ છો, તો હીરો લાગવો જોઈએ ને.'

દીકરાનો રૂમ બતાવ્યો
ભારતીએ સૌ પહેલા દીકરાનો રૂમ બતાવ્યો હતો. વીડિયોમાં ભારતીએ બતાવ્યું હતું કે તે દીકરાનું ડાયપર ક્યાં ચેન્જ કરે છે, તેનું ઘોડિયું ક્યાં છે, રમકડાં ક્યાં છે. ભારતીએ મજાકમાં કહ્યું હતું કે ઘણીવાર તેને એવું થાય છે કે તે દીકરાની પથારીમાં સૂઈ જાય.

કહ્યું, 'બાપ પર ગયો છે'
વીડિયોમાં ભારતી દીકરાને તૈયાર કરતી જોવા મળે છે, પરંતુ ત્યારે જ ગોલા પોટી કરી દે છે. આ જોઈને ભારતીએ કહ્યું હતું, 'જુઓ, આજે હું તમને મારા પ્રેમાળ દીકરાનો ચહેરો બતાવવાની હતી, પરંતુ તેણે પોટી કરી દીધી. એ પણ કપડાં પહેર્યા બાદ. બાપ પર ગયો છે.' પછી ભારતીએ દીકરાને કહ્યું હતું, 'અમારા ઘરમાં જન્મ્યો છે, એટલે માથે ચઢીશ?' અંતે હર્ષ અને ભારતી દીકરાનો ચહેરો બતાવે છે.

ડિલિવરીના 12 દિવસ પછી કામ શરૂ કર્યું
ભારતીએ ડિલિવરીના એક દિવસ પહેલાં સુધી કામ કર્યું હતું. સેટ પરનો વીડિયો વાઇરલ થયો હતો. ભારતી સિંહ પતિ સાથે જોવા મળી હતી. ડિલિવરીના 12મા દિવસથી જ ભારતી સિંહે કામ શરૂ કર્યું હતું. ભારતી સિંહ રિયાલિટી શો 'હુનરબાઝ'ના સેટ પર જોવા મળી હતી.

2017માં લગ્ન
ભારતીએ 2017માં રાઇટર હર્ષ લીંબચિયા સાથે લગ્ન કર્યા હતા. તે હર્ષ કરતાં 7 વર્ષ મોટી છે. બંનેએ સાત વર્ષના ડેટિંગ બાદ લગ્ન કર્યાં હતાં. હર્ષે 'PM નરેન્દ્ર મોદી બાયોપિક'ના સંવાદો લખ્યા હતા. આ ઉપરાંત તેણે 'મલંગ'નું ટાઇટલ ટ્રેક પણ લખ્યું હતું.