કોમેડિયને શિખોની મજાક ઉડાવી:દાઢી-મૂછ પરની કમેન્ટ ભારે પડી, ભારતી સિંહે હાથ જોડીને માફી માગી છતાં FIR થઈ શકે છે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતી સિંહે જાસ્મીન સાથે દાઢી મૂછ પર કોમેડી કરી હતી

કોમેડિયન ભારતી સિંહ હાલમાં એક વાઇરલ વીડિયોને કારણે મુશ્કેલીમાં મૂકાઈ છે. પહેલાં લોકોએ વિરોધ કર્યો હતો અને હવે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. ભારતીએ સો.મીડિયામાં હાથ જોડીને માફી પણ માગી છે અને કહ્યું હતું કે તે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવા માગતી નહોતી. તેણે વીડિયોમાં કોઈ પણ ધર્મ કે જાતિનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ જો કોઈની લાગણી દુભાઈ હોય તો તે માફી માગે છે.

અમૃતસરમાં ભારતી વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો હતો.
અમૃતસરમાં ભારતી વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યો હતો.

વાઇરલ વીડિયોમાં શું છે?
ભારતી સિંહ તથા જાસ્મીન ભસીનનો એક વીડિયો સો.મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં ભારતી સિંહ દાઢી તથા મૂછો પર કોમેડી કરી હતી. ભારતીએ કહ્યું હતું, 'દાઢી-મૂછ કેમ જોઈએ? અરે દાઢી-મૂછના ઘણાં જ ફાયદા હોય છે. દૂધ પીઓ અને સૈવયાનો ટેસ્ટ આવે છે. મારા ઘણાં ફ્રેન્ડ્સના લગ્ન થયા છે અને તેમને લાંબી દાઢી છે. તેઓ આખો દિવસ દાઢીમાંથી જૂ કાઢતા હોય છે.' ભારતીની આ કોમેડીને કેટલાંક લોકોએ સીરિયસ લીધી હતી અને વિરોધ કર્યો હતો. પંજાબી સિંગર બબ્બુ માને પણ રિએક્ટ કર્યું હતું. બબ્બુએ કહ્યું હતું, 'એક છોકરીએ આપણા ચીફના દાઢી મૂછ પર કમેન્ટ કરી છે. મારે આનો જવાબ જોઈએ. કપિલ શર્મા શો તથા તેની ટીમ પાસે પણ જવાબ જોઈએ. પછી હું કહીશ કે ચીફ કોણ છે. હું જાતે કહું છું કે હું શિખ છું, પરંતુ શિખ બનવું ઘણું જ મુશ્કેલ છે.'

ભારતીએ માફી માગી
ભારતીએ કહ્યું હતું, 'હેલ્લોજી, નમસ્કાર, સતશ્રી અકાલ. છેલ્લાં કેટલાંક દિવસોથી એક વીડિયો વાઇરલ થયો છે. લોકો મને આ વીડિયો મોકલી રહ્યા છે. મેસેજ પણ આવ્યો કે તમે દાઢી મૂછની મજાક ઉડાવી છે. હું બે દિવસથી તે વીડિયો વારંવાર જોઈ રહી છું. વીડિયો તમે પણ જુઓ, મેં પંજાબી અંગે વાત કરી નથી. હું એમ બોલી જ નથી કે પંજાબી લોકો દાઢી રાખે છે કે પછી દાઢી મૂછ રાખવામાં મુશ્કેલી પડે છે. હું માત્ર ને માત્ર મારી મિત્ર સાથે નોર્મલ વાત કરતી હતી. કોમેડી કરતી હતી. દાઢી મૂછ તો આજકાલ બધા રાખે છે, પરંતુ મારી આ લાઇનને કારણે કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાઈ હોય તો હું હાથ જોડીને માફી માગું છું. હું પોતે પંજાબી છું. અમૃતસરમાં જન્મી છું. હું પંજાબનું સન્માન કરીશ. મને ગર્વ છે કે હું પંજાબી છું.'

ભારતીએ હાથ જોડ્યા
આ વીડિયો શૅર કરીને ભારતીએ કેપ્શનમાં કહ્યું હતું, 'હું કોમેડી કરું છું, લોકોને ખુશ કરવા માટે, નહીં કે કોઈનું દિલ દુભાવવા માટે. જો મારી કોઈ વાતથી કોઈ હર્ટ થયું છે તો બહેન સમજીને માફ કરજો.' આ સાથે જ ભારતીએ બે હાથ જોડતી ઇમોજી પોસ્ટ કરી હતી.