લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' કોઈને કોઈ વાત ચર્ચામાં રહે છે. હાલમાં જ આ સિરિયલમાં આત્મરામ ભિડેનું પાત્ર ભજવતા મંદાર ચાંદવાડકરને કારણે સિરિયલ ચર્ચામાં આવી છે. થોડાં સમય પહેલાં મંદારના મોતના સમાચાર સો.મીડિયામાં વાઇરલ થયા હતા. હવે મંદારે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને આ અંગે વાત કરી હતી.
મંદારે વીડિયો શૅર કર્યો
મંદારે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને કહ્યું હતું, 'નમસ્તે, તમે બધા કેમ છો? આશા છે કે તમામનું કામ સારું ચાલતું હશે. હું પણ કામ કરી રહ્યો છું. મને થોડાં સમય પહેલાં એક વ્યક્તિએ ન્યૂઝ ફોરવર્ડ કર્યા હતા. તો મેં વિચાર્યું કે હું લાઇવ આવીને તમામની ગેરસમજણ દૂર કરી દઉં, કારણ કે મારા ચાહકો ચિંતા કરતા હતા. સો.મીડિયામાં અફવાઓ આગ કરતાં પણ ઝડપથી ફેલાય છે. હું બસ એ જ કન્ફર્મ કરવા ઈચ્છું છું કે હું શૂટિંગ કરી રહ્યો છું અને એન્જોય કરું છું.'
વધુમાં મંદારે કહ્યું હતું, 'જે પણ આ અફવા ફેલાવે છે, તેમને અપીલ કરું છું કે તે આ બધું બંધ કરે. ભગવાન તેને સદબુદ્ધિ આપે. 'તારક મહેતા..'ના તમામ કલાકારો હેલ્ધી તથા ખુશ છે. તમામ ભવિષ્યમાં વધુ સારું કામ કરવાની ઈચ્છા રાખે છે અને ચાહકોનું આ જ રીતે મનોરંજન કરવા ઈચ્છે છે.'
પહેલાં આ સ્ટાર્સની અફવા ઉઠી હતી
માત્ર મંદાર જ નહીં, પરંતુ આ પહેલાં દિવ્યાંકા ત્રિપાઠી, શ્વેતા તિવારી, મુકેશ ખન્ના, શિવાજી સાતમના મોતના સમાચાર સો.મીડિયામાં વાઇરલ થયા હતા. આ સમાચાર વાઇરલ થતાં સેલેબ્સે ઇન્ટરવ્યૂ આપીને આ વાત ખોટી હોવાનું કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.