ઈમોશનલ:‘રામાયણ’માં રાવણ બનેલા અરવિંદ ત્રિવેદી સીતા અપહરણનો સીન જોઈ ભાવુક બન્યા

મુંબઈ2 વર્ષ પહેલા

લૉકડાઉનને કારણે દૂરદર્શન પર ફરી એકવાર રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલ શરૂ કરવામાં આવી છે. 82 વર્ષીય એક્ટર અરવિંદ ત્રિવેદીનો એક વીડિયો વાયરલ બન્યો છે. આ વીડિયોમાં અરવિંદ ત્રિવેદી ‘રામાયણ’ સિરિયલ જુએ છે અને સીતા અપહરણનો સીન આવતા તે ભાવુક બની જાય છે.

સિરિયલ જોતા સમયે બે હાથ જોડ્યા
વાયરલ થયેલા વીડિયોમાં અરવિંદ ત્રિવેદી ટીવી પર ‘રામાયણ’ સિરિયલ જોતા હોય છે અને તેમાં સીતા અપહરણનો સીન આવે છે. સીતા બનેલી દીપિકા ચિખલિયા મદદ માટે લક્ષ્મણના નામની બૂમો પાડે છે. રાવણ બનેલા અરવિંદ ત્રિવેદી જોર જોરથી હસે છે અને સીતાને ઉપાડીને પુષ્પક વિમાનમાં બેસાડી દે છે. આ સીન જોઈને અરવિંદ ત્રિવેદી એકદમ ભાવુક બની જાય છે અને પોતાના બંને હાથ જોડે છે. 

આ પહેલાં દીપિકાએ સિરિયલની તસવીર શૅર કરી હતી
દીપિકા ચિખલિયાએ આ પહેલાં સિરિયલની કાસ્ટ તથા ક્રૂની એક તસવીર શૅર કરી હતી, જેમાં રામ (અરૂણ ગોવિલ), હનુમાન (દારા સિંહ), લક્ષ્મણ (સુનીલ લહેરી), સુમિત્રા, કૌશલ્યા, કૈકઈ, ઉર્મિલા, જામવંત, કેમેરા ટીમ, ડિરેક્શન ટીમ તથા રામાનંદ સાગર જોવા મળે છે. 

1987માં પહેલીવાર ટેલિકાસ્ટ થઈ હતી
વાલ્મિકી રામાયણ તથા તુલસીદાસ રામચરિતમાનસ પર આધારિત ‘રામાયણ’ સિરિયલ 1987માં પહેલીવાર ટેલિકાસ્ટ થઈ હતી. આ સિરિયલ ચાહકોને ઘણી જ પસંદ આવી હતી. 

પાંચ વર્ષમાં સૌથી વધુ જોવાઈ
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC, બાર્ક)ના રિપોર્ટ પ્રમાણે, ‘રામાયણ’ સિરિયિલ છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી વધુ જોવાતી સિરિયલ બની ગઈ છે. બાર્કના આ વર્ષના 13મા અઠવાડિયા પ્રમાણે, આ સિરિયલની વ્યૂઅરશિપ 55.6 કરોડ રહી, જે છેલ્લાં પાંચ વર્ષમાં કોઈ પણ શો માટે સૌથી વધુ છે. દૂરદર્શને માત્ર ‘રામાયણ’ તથા ‘મહાભારત’ જ નહીં પરંતુ 80-90ના દાયકાના જૂના શોનું પુનઃ પ્રસારણ કર્યું છે, જેમાં ‘ચાણક્ય’, ‘શ્રીમાન શ્રીમતી’, ‘ઉપનિષદ ગંગા’, ‘અલિફ લૈલા’, ‘બુનિયાદ’, ‘શક્તિમાન’, ‘સર્કસ’ વગેરે જેવા લોકપ્રિય શો સામેલ છે. 

અન્ય સમાચારો પણ છે...