તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:સિરિયલમાં બોસ રાકેશ બેદીની સેક્રેટરીના રોલમાં અર્શી ભારતી, કહ્યું- ઓડિશન આપ્યા બાદ હું તો ભૂલી પણ ગઈ હતી

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અર્શી ભારતી આ પહેલાં ક્રિતિ સેનન સાથે ફિલ્મ 'પાનીપત'માં જોવા મળી હતી.

લોકપ્રિય કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં છેલ્લાં થોડાં સમયથી નવા નવા પાત્રો જોવા મળે છે. સિરિયલમાં આ પહેલાં મિશન કાલા કૌઆ દરમિયાન આરાધના શર્મા તથા અન્ય કેટલાંક પાત્રો જોવા મળ્યા હતા. હાલમાં સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા) ઓફિસમાં લેટ આવે છે અને તે જ કારણે તેનો બોસ (રાકેશ બેદી) ગુસ્સે થઈ જાય છે. હાલમાં સિરિયલના ટ્રેક તારક મહેતા તથા તેના બોસ પર આધારિત છે. સિરિયલમાં બોસની સેક્રેટરી પણ બતાવવામાં આવી છે. આ સેક્રેટરીનું પાત્ર અર્શી ભારતીએ ભજવ્યું છે.

ઓડિશન આપ્યા બાદ ભૂલી ગઈ હતી
અર્શીએ કહ્યું હતું કે તેણે અન્ય કલાકારોની જેમ જ સિરિયલ માટે ઓડિશન આપ્યું હતું. જોકે, અઠવાડિયા બાદ તેને કાસ્ટિંગ ડિરેક્ટરનો ફોન આવ્યો હતો અને તેને કહેવામાં આવ્યું હતું કે તે રોલ માટે શોર્ટલિસ્ટ થઈ છે. તેને પહેલી વાર તો યાદ ના આવ્યું કે તે કયા રોલ માટે સિલેક્ટ થઈ છે. ત્યારબાદ કાસ્ટિંગ ડિરેક્ટરે તેને કહ્યું હતું કે તેની પસંદગી સિરિયલ 'તારક મહેતા..' માટે થઈ છે. તે એકદમ ખુશ થઈ ગઈ હતી. તેને ખ્યાલ જ નહોતો કે આવું કંઈ તેની સાથે થશે. તેણે જ્યારે ઓડિશન આપ્યું ત્યારે તેને એ વાતનો સહેજ પણ અંદાજો નહોતો કે તે સિલેક્ટ થશે. તેને રાતના ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કાલથી તમારું શૂટિંગ શરૂ થાય છે. તે જ્યાં સુધી સિરિયલના સેટ પર ના આવી ત્યાં સુધી તે આ વાત સ્વીકાર જ શકતી નહોતી.

સપનું સાચું પડ્યું
અર્શીએ કહ્યું હતું કે તેને વિશ્વાસ જ થતો નથી, પરંતુ તે ઘણી જ ખુશ છે. તે સો.મીડિયામાં તેના સેક્રેટરીના રોલ અંગેની કમેન્ટ્સ વાંચે છે અને ચાહકોએ તેના વખાણ કર્યા છે. તે સિરિયલમાં સીનિયર્સ એક્ટર્સ સાથે કામ કરે છે અને આ વાત તેના માટે ઘણી જ મહત્ત્વની છે. આ સિરિયલ ઘણી જ પોપ્યુલર છે અને ભારતભરમાં તે જોવાય છે. તેનું સપનું સાચું પડ્યું હોય તેમ તેને લાગે છે.

ક્રિતિ સેનન સાથે પણ જોવા મળી છે
અર્શી આ પહેલાં ફિલ્મ 'પાનીપત'માં ક્રિતિ સેનન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તે ક્રિતિની ફ્રેન્ડના રોલમાં જોવા મળી હતી.

મૂળ જમશેદપુરની છે
અર્શી મૂળ ઝારખંડના જમશેદપુરની છે. અંધેરી, મુંબઈમાં અર્શી માતા સુનીતા ભારતી સાથે રહે છે. અર્શીના પિતા રાજેશ ભારતી જ્યોતિષ છે. તે જમશેદપુરમાં સાકચીમાં રહે છે. અર્શીએ જમશેદપુરની સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો હતો. પછી અર્શી મીડિયા એન્ડ કમ્યુનિકેશનના અભ્યાસ માટે મુંબઈ આવી હતી. અહીંયા તેણે વ્હિસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલમાં એડમિશન લીધું હતું. જોકે, અહીંયા તેને ભણવાનું મન ના થયું. અર્શીએ જિદ કરીને પિતાને બોલિવૂડમાં કામ કરવાની મંજૂરી માટે મનાવી લીધા હતા.

પિતાની શરત માની
અર્શીના પિતાએ દીકરીને એક્ટિંગ સ્કૂલમાં એડમિશન લેવાનું કહ્યું હતું. ત્યારબાદ અર્શીએ મુંબઈમાં આવેલી કિશોર નમિત કપૂર એક્ટિંગ સ્કૂલમાં નવ મહિનાનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. અહીંયા તેણે એક્ટિંગની બારીકાઈ શીખી હતી. ત્યારબાદ અર્શીએ બોલિવૂડમાં ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. અનેક ઓડિશન આપ્યા બાદ અર્શીને ફિલ્મ 'પાનીપત'માં રોલ મળ્યો હતો.