'અનુપમા'ના પ્રોડ્યુસર સાથે વાતચીત:કિસિંગ સીન અંગે બોલ્યા, 'પહેલે જ ધડાકે સીન ઓકે થઈ ગયો, એમાં અશ્લીલ લાગે એવું કંઈ નથી’

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ

લોકપ્રિય ટીવી સિરિયલ 'અનુપમા'માં તાજેતરના એપિસોડમાં લીડ કલાકારો રૂપાલી ગાંગુલી (અનુપમા) તથા ગૌરવ ખન્ના (અનુજ કાપડિયા) વચ્ચે રોમેન્ટિક સીન બતાવવામાં આવ્યા હતા. સિરિયલમાં અનુજે અનુપમાને કિસ કરી હતી અને આ કિસિંગ સીનની તસવીરો ને વીડિયો સો.મીડિયા વાઇરલ થયાં હતાં. ચાહકોને બંને વચ્ચેની કેમિસ્ટ્રી ઘણી જ પસંદ આવી હતી. સામાન્ય રીતે ફેમિલી ડ્રામા સિરિયલમાં આ પ્રકારના સીન આવે તો વિરોધ થતો હોય છે, પરંતુ અહીં એકદમ ઊલટું જ જોવા મળ્યું હતું અને દર્શકોએ બંનેનાં વખાણ કર્યા હતા. 'અનુપમા'ના વાઇરલ કિસિંગ સીન અંગે ‘દિવ્ય ભાસ્કર’એ સિરિયલના પ્રોડ્યુસર રાજન શાહી સાથે વાત કરી હતી.

વાઇરલ કિસિંગ સીન અંગે પ્રોડ્યુસર રાજન શાહી સાથે થયેલી વાતચીતના મુખ્ય અંશો...

સવાલઃ સિરિયલમાં કેમ અચાનક કિસિંગ સીન બતાવવામાં આવ્યો?
જવાબઃ
સિરિયલમાં અનુપમા તથા અનુજનો ઘણો જ પ્રેમાળ સંબંધ બતાવવામાં આવ્યો છે. તેમના પ્રેમમાં ઊંડાણ અને એક પવિત્રતા છે. અનુપમા અને અનુજ વચ્ચેના પ્રેમને આખા ભારતે પસંદ કર્યો છે. એક મિડલ એજ સ્ત્રીએ ડિવોર્સ લીધા છે અને ત્રણ બાળકની માતા છે. તેના રોમાન્સને ભારતના દર્શકોએ વખાણ્યો છે. આજે આ જ પ્રકારની રિલેશનશિપને એક્સપ્લોર કરતા અનેક ટીવી શો છે. તેમના પ્રેમમાં ઉત્કટતા જોવા મળે છે. આ સિરિયલમાં આટલી સારી રીતે પ્રેમને લખવામાં આવ્યો અને દર્શાવવામાં આવ્યો છે. આ વાત દર્શકોને ઘણી જ ગમી છે. તેમના પ્રેમમાં ઘણી જ માસૂમિયત છે. ફેમિલી ઓડિયન્સ પણ સહજતાથી આ જોઈ શકે છે.

'અનુપમા'ના તાજેતરના એપિસોડની આ સિક્વન્સ સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.
'અનુપમા'ના તાજેતરના એપિસોડની આ સિક્વન્સ સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે.

વાતને આગળ વધારતાં પ્રોડ્યુસરે કહ્યું હતું, ‘સિરિયલમાં અનુજ પોતાની પત્ની અનુપમાને કપાળ પર કિસ કરે છે. છેલ્લા કેટલાક સમયથી સિરિયલમાં અનુપમા-અનુજના જીવનમાં ઘણી ચડતી-પડતી આવી હતી. બંને એકબીજાને પ્રેમ કરે છે અને તેથી જ તેમના પ્રેમમાં સહેજ પણ ચીપનેસ કે નેગેટિવિટી જોવા મળી નહોતી. સામાન્ય રીતે કપલની જે મૂવમેન્ટ હોય એને જ ઘણી સુંદરતાથી આ સીનમાં લેવામાં આવી હતી.’

સવાલઃ આ સીન અંગે કોઈ પ્લાનિંગ કરવામાં આવ્યું હતું?
જવાબઃ
આ સીન ઘણો જ નેચરલી આવ્યો હતો. કંઈ વિચારીને અમે ક્યારેય કોઈ સીન સિરિયલમાં ઉમેર્યા નથી. ભૂતકાળમાં પણ અનુજ-અનુપમા એકબીજાને ફોરહેડ પર કિસ કરતા હોય એવાં દૃશ્યો આવ્યાં જ છે. અમે કોઈ ચોક્કસ પ્લાનિંગ કરીને કે ચોક્કસ વિચારો સાથે આ સીન શૂટ કર્યો નહોતો. આ સીન ઘણો જ નેચરલી આવ્યો અને શૂટ કરવામાં આવ્યો હતો. દર્શકોને બંનેનો પ્રેમ ઘણો જ ગમે છે.

સવાલઃ તમને લાગે છે કે પારિવારિક ડ્રામામાં આ રીતના સીન બતાવવા જોઈએ?
જવાબઃ
અમે સિરિયલમાં અશ્લીલ લાગે એવું કંઈ બતાવ્યું નથી. બહુ જ નેચરલ રીતે આ બતાવવામાં આવ્યું છે. કોઈના મનમાં આ અશ્લીલ હોવાનો વિચાર પણ આવ્યો નહીં હોય અથવા તો આ સીન ખરાબ એવું પણ કોઈએ વિચાર્યું નહીં હોય. હું ફેમિલી શો બનાવું છું. હું મારી દીકરી ને માતા સાથે જોવામાં કમ્ફર્ટેબલ હોઉં એ જ રીતના સીન્સ સિરિયલમાં બતાવું છું. મને ખ્યાલ છે કે ટીવી એક પારિવારિક માધ્યમ છે. મારી અત્યારસુધીની જર્નીમાં મેં તમામ ટીવી શો ફેમિલી ડ્રામા જ બનાવ્યા છે. ઘરનાં વડીલો, બાળકો જોવામાં સહજ હોઈ, આ વાતને ધ્યાનમાં રાખીને જ શો બનાવતો હોઉં છું. એક પરિવારને કેવી રીતે જોડીને રખાય એ મારા શોની USP હોય છે. પૂરા પરિવાર સાથે બેસીને જોઈ શકે એ રીતની જ સિરિયલ બનાવવી એક ટીવી મેકર્સની જવાબદારી છે અને હું આ જવાબદારી પૂરી રીતે નિભાવું છું.’

સવાલઃ સીનના શૂટિંગ દરમિયાન રીટેક લેવામાં આવ્યા હતા?
જવાબઃ આ કિસિંગ સીન એવો સેન્સેશનલ હતો જ નહીં, આ ઘણો જ નેચરલી આવ્યો હતો અને તેમને (લીડ કલાકારો રૂપાલી ગાંગુલી-ગૌરવ ખન્નાને) એવું કહેવું પણ પડ્યું નહોતું. આ ઘણી જ નેચરલ મોમેન્ટ હતી. આ કોઈ અશ્લીલવાળો કિસિંગ સીન નહોતો. ભૂતકાળમાં પણ અનુજ-અનુપમા વચ્ચે આવી ઘણી મોમેન્ટ્સ આવી હતી. આ સીન ઘણો જ નોર્મલી શૂટ થયો હતો અને કોઈ રીટેક લેવામાં આવ્યા નહોતા.

​​​​સવાલઃ આ સીન આટલો પોપ્યુલર થશે એવો અંદાજ હતો?
(નવાઈની વાત એ છે કે પ્રોડ્યુસરને એ વાતનો સહેજ પણ અંદાજ નહોતો કે અનુજ-અનુપમાની આ મોમેન્ટ્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી અને ટ્રેન્ડ થવા લાગી હતી. જ્યારે તેમને આ અંગે કહેવામાં આવ્યું તો તેમને ઘણી જ નવાઈ લાગી હતી.)

જવાબઃ અનુજ-અનુપમાની રોમેન્ટિક મોમેન્ટ ભૂતકાળમાં પણ આવી છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે લડાઈ-ઝઘડો થતો હતો, એટલે આ વખતે દર્શકોને બંનેનો પ્રેમ ઘણો જ પસંદ આવ્યો હોય એમ મારું માનવું છે. અમને તો ખ્યાલ પણ નથી કે આ સીન આટલો વાઇરલ થયો છે. અમે તો આવું કંઈ વિચાર્યું પણ નહોતું. સાચું કહું તો હું ટ્વિટર પર છું નહીં અને તેથી જ મને બહુ આઇડિયા નથી. હું મહિને એકાદ-બેવાર ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક યુઝ કરતો હોઉં છું. હું સો.મીડિયામાં એટલો એક્ટિવ છું જ નહીં.

ચાહકોને અનુપમા તથા અનુજની લવ કેમિસ્ટ્રી ઘણી જ પસંદ આવે છે.
ચાહકોને અનુપમા તથા અનુજની લવ કેમિસ્ટ્રી ઘણી જ પસંદ આવે છે.

સવાલઃ સિરિયલ અંગે કેવા રિસ્પોન્સ મળે છે?
જવાબઃ
આ સિરિયલ માટે રોજ સારી જ કમેન્ટ્સ મળતી હોય છે. થોડા સમય પહેલાં હું અમેરિકામાં હતો ત્યારે ઘણા લોકોએ મારો સંપર્ક કર્યો હતો. અહીં એક જગ્યાએ ‘અનુપમા ક્લબ’ ચાલે છે અને એમાં મહિલાઓ ચર્ચા કરતી હોય છે. હું જ્યારે પણ ટ્રાવેલ કરું ત્યારે ચાહકો મને એમ કહેતા હોય છે કે આ સિરિયલમાં અમારા ઘરની વાત હોય એમ લાગે છે, આ શો પરિવારને જોડે છે. આ એક પારિવારિક સિરિયલ છે.

'અનુપમા' સિરિયલ ક્યારથી શરૂ થઈ?
'અનુપમા' સિરિયલ 13, જુલાઈ 2020થી ટીવી પર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલનો ગઈકાલે (11 જાન્યુઆરી) 795મો એપિસોડ ટેલિકાસ્ટ થયો હતો. આ સિરિયલ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી મોટા ભાગે TRP લિસ્ટમાં નંબર વન પર જ રહી છે. આ સિરિયલ ભાગ્યે જ નંબર 2 કે નંબર 3 પર આવી છે. વાત જો છેલ્લા ત્રણ મહિનાની TRPની કરવામાં આવે તો માત્ર ત્રણવાર આ સિરિયલ નંબર 2 પર રહી છે, બાકી આ સિરિયલ નંબર વનના સ્થાને જ જોવા મળે છે. આ સિરિયલમાં ગુજરાતી પરિવાર વનરાજ શાહ ને અનુપમાની વાત કરવામાં આવી છે. મિડલ ક્લાસ પરિવારની અનુપમા ત્રણ બાળક ને પતિને જ પોતાની દુનિયા સમજતી હતી. સમય જતાં તે પતિને ડિવોર્સ આપીને અનુજ કાપડિયા સાથે લગ્ન કરે છે અને તેના જીવનમાં કઈ કઈ મુશ્કેલીઓ આવે છે એ વાત આ સિરિયલમાં કરવામાં આવી છે. વનરાજ શાહનો રોલ સુધાંશુ પાંડેએ ભજવ્યો છે.

સિરિયલ ટેલિકાસ્ટ થઈ એ સાથે જ ચાહકોના દિલમાં વસી ગઈ છે.
સિરિયલ ટેલિકાસ્ટ થઈ એ સાથે જ ચાહકોના દિલમાં વસી ગઈ છે.

કોણ છે રાજન શાહી?
દિલ્હીમાં જન્મેલા રાજન શાહીએ સેન્ટ કોલંબસમાંથી સ્કૂલિંગ કર્યું છે અને હિંદુ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ મુંબઈ આવ્યા અને 1993માં તેમણે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. તેમણે 1999માં ‘દિલ હૈ કિ માનતા નહીં’ સિરીઝથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ‘જસ્સી જૈસી કોઈ નહીં’, ‘હમારે તુમ્હારે’, ‘રિશ્તે’, ‘કરીના કરીના’, ‘રેથ’, ‘મમતા’, ‘મિલી’, ‘વિરાસત’ તથા ‘સાથી રે’ જેવા શો ડિરેક્ટ કર્યા હતા. તેમણે ‘સાત ફેરેઃ સલોની કા સફર’, ‘ઘર કી લક્ષ્મી બેટિયાં’ તથા ‘માયકા’ જેવી સિરિયલ પણ ડિરેક્ટ કરી છે. 2007માં તેમણે પોતાની પ્રોડક્શન કંપની ‘ડિરેક્ટર્સ કટ પ્રોડક્શન’ શરૂ કર્યું હતું. આ પ્રોડક્શન હાઉસ હેઠળ પહેલી સિરિયલ ‘સપના બાબુલ કા..બિદાઈ’ બનાવી હતી. ત્યાર બાદ તેમણે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘ચાંદ છુપા બાદલ મેં’, ‘તેરે શહેર મેં’ જેવી વિવિધ સિરિયલ પ્રોડ્યુસ કરી છે.

પ્રોડ્યુસર રાજન શાહી માતા દીપા શાહી તથા દીકરી ઈશિકા સાથે.
પ્રોડ્યુસર રાજન શાહી માતા દીપા શાહી તથા દીકરી ઈશિકા સાથે.

નોંધનીય છે કે રાજન શાહીના નાના લોકપ્રિય સ્ટાર પી. જયરાજ હતા. તેમણે હિંદી, મરાઠી, ગુજરાતી, તેલુગુ ફિલ્મમાં કામ કર્યું હતું. 1980માં પી. જયરાજને દાદા સાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પી. જયરાજે 'ડૉન, 'શોલે', 'બેતાજ બાદશાહ', 'ક્રાંતિ', 'ખૂન ભરી માંગ' (આ ફિલ્મમાં રેખાને બચાવનાર બાબાનો રોલ ભજવ્યો હતો) સહિતની વિવિધ ફિલ્મમાં કામ કર્યું હતું. ​​​પી. જયરાજને દીકરાઓ દિલીપ રાજ, જય તિલક તથા દીકરીઓ દીપા તથા ગીતા હતી. જયરાજના પરિવારમાંથી માત્ર રાજન શાહી જ સિનેમા ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. દીકરો જય તિલક એન્જિનિયર છે અને તે પરિવાર સાથે શિકાગોમાં સ્થાયી છે, જ્યારે દિલીપ રાજે કેટલીક ફિલ્મમાં કામ કર્યું હતું.

90 વર્ષની ઉંમરે પી. જયરાજનું અવસાન વર્ષ 2000માં થયું હતું.
90 વર્ષની ઉંમરે પી. જયરાજનું અવસાન વર્ષ 2000માં થયું હતું.

'અનુપમા'એ બંગાળી સિરિયલનું અડેપ્ટેશન છે
‘અનુપમા’ સિરિયલ લોકપ્રિય બંગાળી સિરિયલ ‘શ્રીમોઇ’નું હિંદી અડેપ્ટેશન છે. બંગાળમાં ‘શ્રીમોઇ’ સિરિયલ ઘણી જ હિટ રહી હતી. આ સિરિયલમાં બંગાળી એક્ટ્રેસ ઈન્દ્રાણી હલ્દરે શ્રીમોઇ બોઝ સેનનો રોલ ભજવ્યો હતો. આ સિરિયલ જૂન, 2019થી ડિસેમ્બર 2021 સુધી આવી હતી. હિંદી ઉપરાંત આ સિરિયલને કન્નડ, મરાઠી, મલયાલમ, તેલુગુ, તમિળ તથા ઉડિયા ભાષામાં બનાવવામાં આવી છે.

બંગાળી સિરિયલ પણ ચાહકોમાં ઘણી જ પોપ્યુલર રહી હતી.
બંગાળી સિરિયલ પણ ચાહકોમાં ઘણી જ પોપ્યુલર રહી હતી.

'અનુપમા' સિરિયલના આ કલાકારો ગુજરાતી છે
સિરિયલમાં અનુપમાનાં સાસુ-સસરા બનતાં હસમુખ શાહ અને લીલા શાહ બંને ગુજરાતી છે. હસમુખ શાહનો રોલ જાણીતા ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે ભજવ્યો છે, જ્યારે લીલા શાહનું પાત્ર અલ્પા બૂચે પ્લે કર્યું છે. સિરિયલમાં અનુપમાની મોટી વહુ બનતી કિંજલ પણ ગુજરાતી છે અને તેનું નામ નિધિ શાહ છે.

સિરિયલમાં અરવિંદ વૈદ્ય અને અલ્પા બૂચ પતિ-પત્નીના રોલમાં જોવા મળે છે.
સિરિયલમાં અરવિંદ વૈદ્ય અને અલ્પા બૂચ પતિ-પત્નીના રોલમાં જોવા મળે છે.

આ ઉપરાંત સિરિયલમાં અનુજ કાપડિયા જેને મમ્મી કહીને બોલાવે છે તે GKનો રોલ ગુજરાતી સ્ટાર દીપક ઘીવાલાએ ભજવ્યો છે. લીલા શાહના જમાઈ પરેશ ભટ્ટનો રોલ ગુજરાતી કલાકાર સંજય ધામેચાએ ભજવ્યો છે. અનુપમાનો ભાઈ ભાવેશ જોષી પણ ગુજરાતી મેહુલ નિસાર છે અને તેણે ઘણી હિંદી સિરિયલમાં કામ કર્યું છે.

આ બે પાત્રો થોડો સમય જ સિરિયલમાં જોવા મળ્યા
અનુજ કાપડિયાની બહેન મુક્કુ (માલવિકા)નો રોલ જાણીતી એક્ટ્રેસ અનેરી વિજાનીએ પ્લે કર્યો હતો. અનેરી પણ ગુજરાતી છે અને તેણે અનેક હિંદી સિરિયલમાં કામ કર્યું છે. 2020ના એક એપિસોડમાં લીલા શાહની ભાણી કામિનીના રોલમાં એક્ટ્રેસ તુલિકા પટેલ જોવા મળી હતી. તુલિકા પણ ગુજરાતી હતી.

ડાબેથી અનેરી વિજાની, તુલિકા પટેલ.
ડાબેથી અનેરી વિજાની, તુલિકા પટેલ.

ભૂતકાળમાં પણ ટીવી સિરિયલ્સમાં કિસિંગ સીન બતાવવામાં આવ્યા હતા
ટીવી સિરિયલના કિસિંગ સીનની વાત આવે ત્યારે મોટા ભાગના દર્શકોના મોઢે ‘બડે અચ્છે લગતે હો’માં રામ કપૂર ને સાક્ષી તન્વરના કિસિંગ સીન યાદ આવી જાય. રામ કપૂર તથા સાક્ષી તન્વરના કિસિંગ સીને ભારે વિવાદ ઊભો કર્યો હતો. આ સિવાય પણ ઘણી સિરિયલમાં કલાકારોએ એકબીજાને કિસ કરી છે. રિયાલિટી શો જેવા કે ‘બિગ બોસ’, ‘સ્પ્લિટ્સવિલા’, ‘રોડીઝ’માં તો અવાર-નવાર બોલ્ડ ને ઇન્ટિમેટ સીન્સ બતાવવામાં આવે છે, પરંતુ એનું ફોર્મેટ તદ્દન અલગ રિયાલિટી શૉ પ્રકારનું છે.

અન્ય સમાચારો પણ છે...