'અનુપમા'ના કલાકારને કાઢી મૂકાયો:પ્રોડક્શન હાઉસે સમરનું પાત્ર ભજવતા પારસનો કોન્ટ્રાક્ટ અધવચ્ચે પૂરો કર્યો, એક્ટર હવે 'ઝલક દિખલા જા'માં જોવા મળશે

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી સિરિયલ 'અનુપમા' ચાહકોમાં લોકપ્રિય થઈ છે. આ સિરિયલમાં અનુપમાના નાના દીકરા સમરનો રોલ પારસ કલનાવત ભજવે છે. જોકે, પ્રોડક્શન હાઉસે પારસને હાંકી કાઢ્યો હતો. પ્રોડક્શન હાઉસે પારસનો કોન્ટ્રાક્ટ પૂરો કરી દીધો છે, કારણ કે પારસે પ્રોડક્શન હાઉસને જાણ કર્યા વગર અન્ય ચેનલનો રિયાલિટી ડાન્સ શો 'ઝલક દિખલા જા'માં ભાગ લેવાનું નક્કી કર્યું છે.

પ્રોડક્શન હાઉસે શું કહ્યું?
પ્રોડ્યૂસર રજન શાહીએ એક નિવેદનમાં કહ્યું હતું, 'પ્રોડક્શન હાઉસ તરીકે અમે ક્યારેય કોન્ટ્રાક્ટ તોડે તેના પ્રત્યે નરમાશ ભર્યું વર્તન દાખવી શકે નહીં. અમે તાત્કાલિક એક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો કરી નાખ્યો છે. ભવિષ્ય માટે તેને શુભેચ્છા.'

પારસે આ અંગે શું કહ્યું?
પારસે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'હું 'ઝલક..' સાથે મારી નવી સફર શરૂ કરવા જઈ રહ્યો છું, પરંતુ જ્યારે આ વાત મીડિયામાં આવી ત્યારે મેં શો 'ઝલક..' સાઇન જ કર્યો નહોતો, પરંતુ મેકર્સને એવું લાગે છે કે મેં તેમને જાણ કર્યા વગર જ ડાન્સ રિયાલિટી શો માટે હા પાડી દીધી. હું તેમની વાત સમજું છું અને મારે 'ઝલક..'ની ઑફર સ્વીકારતા પહેલાં તેમની પરવાનગી લેવાની જરૂર હતી અથવા તેમને જાણ કરવી જોઈતી હતી.'

વધુમાં પારસે કહ્યું હતું, 'મારું પાત્ર સમર છેલ્લાં એક વર્ષથી કંઈ જ કરતું નહોતું. નંદિની (અનાઘા ભોસલે)નું પાત્ર ગયું પછી મારા પાત્રને ભાગે ભાગ્યે જ કંઈક કરવાનું હતું. સિરિયલમાં નવા નવા પાત્રો ઉમેરતા ગયા અને હવે ફોકસ અન્ય પરિવાર પર જતું રહ્યું છે. હું માત્ર પરિવારનો સભ્ય બનીને બેકગ્રાઉન્ડમાં ઊભો રહેવા માગતો નથી. મને ખ્યાલ છે કે સિરિયલમાં તમારો ટ્રેક થોડાં મહિના સુધી જ હોય અને પછી અન્ય પાત્ર પર ફોકસ જતું રહે, પરંતુ મારું પાત્ર આગળ વધતું જ નહોતું. આથી જ જ્યારે 'ઝલક..'નો શો ઑફર થયો તો હું ઘણો જ ઉત્સાહી થયો. મેં મેકર્સને પણ મારા રોલ તથા કરિયર ગ્રાફ અંગે વાત કરી હતી, પરંતુ તેમને પણ ખ્યાલ નહોતો કે શોમાં મારો ટ્રેક ક્યારે પાછો આવશે.'

પારસે ઉમેર્યું હતું, 'આ શોને કારણે મને ચાહકોનો ઘણો જ પ્રેમ મળ્યો છે અને હું આખી ટીમનો આદર કરું છું. મને વિશ્વાસ છે કે ચાહકો મને પ્રેમ કરશે અને મારી નવી સફર માટે ઉત્સાહી છું.'

કોણ છે પારસ?
9 નવેમ્બર, 1996માં નાગપુરમાં જન્મેલા પારસના પિતા ભૂષણ બિઝનેસમેન હતા. ગયા વર્ષે માર્ચમાં તેમનું અવસાન થયું હતું. માતા અનિતા હાઉસમેકર છે. પારસે નાગપુરમાં જ કોમર્સમાં બેચલર ડિગ્રી લીધી છે. ત્યારબાદ તે મુંબઈ એક્ટર બનવા આવ્યો હતો. અહીંયા તેણે ટેરેન્સની ડાન્સ એકેડમી જોઈન કરી હતી. ત્યારબાદ તેણે બેરી જ્હોન એક્ટિંગ સ્કૂલમાંથી એક્ટિંગ શીખી હતી. પારસે 2016માં મોડલિંગમાં કરયિર બનાવી હતી. તેણે અનેક જાણીતા ફેશન ડિઝાઈનર સાથે કામ કર્યું હતું. તેણે 2017માં ટીવી સિરિયલ 'મેરી દુર્ગા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પારસે વેબ સિરીઝ તથા મ્યૂઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

'અનુપમા' ચાહકોમાં લોકપ્રિય છે
પ્રોડ્યૂસર રાજન સાહી તથા ડિરેક્ટર રોમેશ કાર્લાની સિરિયલ 'અનુપમા' જુલાઈ, 2020માં શરૂ થઈ હતી. આ સિરિયલ શરૂઆતથી જ દર્શકોને ઘણી જ પસંદ આવી છે. આ સિરિયલ છેલ્લાં ઘણાં સમયથી TRP ચાર્ટમાં ટોચ પર છે. એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ આ સિરિયલથી કમબેક કર્યું છે. રૂપાલી ગાંગુલી 'અનુપમા'નો રોલ પ્લે કરે છે. આ ઉપરાંત સિરિયલમાં અનુજ કાપડિયા (ગૌરવ ખન્ના), સુધાંશુ પાંડે (વનરાજ શાહ), મદાલસા શર્મા (કાવ્યા ગાંધી), અરવિંદ વૈદ્ય (હસમુખ શાહ) જેવા કલાકારો છે.

ડાબે, જિયા માણેક, દેવોલિના.
ડાબે, જિયા માણેક, દેવોલિના.

જિયા માણેકે પણ આમ જ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે ખાસ્સા સમય પહેલાં ટીવી એક્ટ્રેસ જિયા માણેકે પણ સિરિયલ 'સાથ નિભાના સાથિયા' રિયાલિટી શો 'ઝલક દિખલા જા'ને કારણે છોડી દીધી હતી. તેણે પણ રિયાલિટી શોને હા પાડતા પહેલાં પ્રોડક્શન હાઉસને જાણ કરી નહોતી. આ સિરિયલના પ્રોડ્યૂસર પણ રાજન શાહી જ હતા. તે સમયે રાજન શાહીએ રાતોરાત ગોપીવહુના પાત્ર માટે દેવોલિના ભટ્ટાચાર્જીને લાવ્યા હતા.