વિવાદમાં 'ઇન્ડિયન આઇડલ':'આશિકી' ફૅમ અનુ અગ્રવાલને પહેલાં શોમાં બોલાવી ને પછી સીન્સ કાપી નાખ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ' કોઈને કોઈ વાત વિવાદમાં રહે છે. આ વખતે 'આશિકી' ફૅમ એક્ટ્રેસ અનુ અગ્રવાલ શોમાં આવી હતી. જોકે, અનુ શોના મેકર્સથી નારાજ છે. અનુનો આક્ષેપ છે કે મેકર્સે તેના સીન્સ કાપી નાખ્યા છે.

'આશિકી'ની સ્ટાર-કાસ્ટ આવી હતી
90ના દાયકાની હિટ ફિલ્મ 'આશિકી'માં અનુ અગ્રવાલ, રાહુલ રોય, દીપિક તિજોરીએ કામ કર્યું હતું. આ ત્રણેય કલાકારો શોમાં આવ્યા હતા. આ ઉપરાંત સિંગર કુમાર સાનુ પણ હતા. શોમાં અનુ એક્ટર રાહુલ રોય તથા દીપક તિજોરીની બાજુમાં બેઠી હતી, પરંતુ શોમાં તે બહુ જોવા મળી નહોતી. એક મીડિયા પોર્ટલ સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે તેના સીન કપાઈ જવાને કારણે તે અપસેટ છે, પરંતુ તે આ વાતને મુદ્દો બનાવશે નહીં. તેણે શોમાં સ્પર્ધકોને મોટિવેટ કર્યા અને તેમના સંઘર્ષની વાત સાંભળી હતી.

અનુ અગ્રવાલે શું ફરિયાદ કરી?
અનુ અગ્રવાલે મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'સાચું કહું તો હું ઘણી જ દુઃખી છું. મેં શોમાં જે પણ કહ્યું તે પ્રેરણાદાયી હતું, પરંતુ લોકો સુધી આ મેસેજ પહોંચ્યો જ નહીં. મને મારી ચિંતા નથી, પરંતુ મારા શબ્દો બતાવવામાં ના આવ્યા તે વાતની પરવા છે. અમે લોકો પાસેથી પ્રેરણા લઈએ છીએ, આપણે તમામ હીરો છીએ. હું આ માટે કોઈને જવાબદાર ઠેરવવા માગતી નથી. મારા મનમાં શો સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે પ્રેમ છે.'

દર્શકોએ ઊભા થઈને સ્વાગત કર્યું
અનુએ વધુમાં કહ્યું હતું કે તે જ્યારે સ્ટેજ પર આવી તો લોકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું હતું. તે દર્શકોના પ્રેમથી ખુશ થઈ ગઈ હતી. તે આ સમયે ભગવાન અંગે વિચારતી હતી. કુમાર સાનુએ પણ તાળી પાડી અને તમામ લોકો ઊભા થઈ ગયા હતા. આ બધા જ સીન્સ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. તે ડિફેન્સિવ ઝોનમાં જવા માગતી નથી. ચેનલને બ્લેમ કરવાની તેની ઈચ્છા નથી. તે સેલ્ફ મેડ તથા સેલ્ફ હીલ ગર્લ છે. તેના માટે યુવતીઓને મોટિવેટ કરવી જરૂરી છે.

કોણ છે અનુ અગ્રવાલ?
11 જાન્યુઆરી 1969માં દિલ્હીમાં જન્મેલી અનુ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન જ અનુને મહેશ ભટ્ટે પોતાની અપકમિંગ ફિલ્મ 'આશિકી'માં પહેલો બ્રેક મળ્યો હતો. માત્ર 21 વર્ષની વયે તેણે 'આશિકી' ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરીને પોતાના શાનદાર અભિનય અને માસૂમિયત ભરેલા ચહેરાને કારણે ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. ત્યાર બાદ તેણે 'ગજબ તમાશા', 'ખલનાયિકા', 'કિંગ અંકલ' અને 'કન્યાદાન', 'બીપીએલ ઓયે' અને 'રિટર્ન ટૂ જ્વેલ થીફ' જેવી ફિલ્મ્સ કરી પરંતુ આ ફિલ્મ નિષ્ફળ રહી હતી. નોંધનીય છે કે અનુ તમિલ ફિલ્મ 'થિરૂદા થિરૂદા' અને શોર્ટ ફિલ્મ 'ધ ક્લાઉડ ડોર'માં પણ કામ કર્યું હતું. આ સાથે જ તે VJ (વીડિયો જોકી) પણ રહી છે. 1999માં થયેલા એક રોડ અકસ્માતે અનુની જિંદગી બદલી હતી. આ અકસ્માતથી તેની યાદદાસ્ત પણ જતી રહી હતી અને તે પેરાલાઇઝ્ડ થઇ હતી. તેના શરીરના 29 હાડકાઓ તૂટી ગયા અને 29 દિવસ સુધી કોમામાં રહી હતી.અનુને સાજા થવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. અનુએ પોતાની સ્ટોરીને આત્મકથા 'અનયુઝ્વલઃ મેમોઇર ઑફ અ ગર્લ હૂ કેમ બેક ફ્રોમ ડેડ'માં જણાવી છે.

અમિત કુમારને કારણે શો વિવાદમાં આવ્યો હતો
ગયા વર્ષે અમિત કુમાર 'કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ'માં ગેસ્ટ બનીને આવ્યો હતો. શો ઓનએર થયા બાદ અનેક યુઝર્સે સ્પર્ધકોની ગાયિકી પર સવાલ કર્યા હતા. યુઝર્સે એમ પણ કહ્યું હતું કે સ્પર્ધકોએ કિશોર કુમારના આઇકોનિક સોંગ્સને બહુ જ ખરાબ રીતે ગાયા હતા. અમિત કુમારે મીડિયા સાથેની વાતચીતમાં એવું કહ્યું હતું કે મેકર્સે તેની પાસે સ્પર્ધકોના જબરજસ્તી વખાણ કરાવ્યા હતા. તેને આ ગીતો સહેજ પણ ગમ્યા નહોતા. પૈસાને કારણે જ તેણે આ શો કર્યો હતો. આટલું કહેવા છતાંય ફરી આ વર્ષે અમિત કુમારને શોમાં બોલાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...