ચર્ચા / દયાભાભી બાદ હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલીભાભી પણ જોવા નહીં મળે?

X

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 08:04 PM IST

મુંબઈ. 28 જુલાઈના રોજ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 12 વર્ષ પૂરા કર્યા હતા. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે સિરિયલમાં અંજલીભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહા છેલ્લાં 12 વર્ષથી આ શોમાં કામ કરે છે. નોંધનીય છે કે દિશા વાકાણી અઢી વર્ષથી શોમાં જોવા મળી નથી.

નવા એપિસોડનું શૂટિંગ કર્યું નથી
સૂત્રોના મતે, નેહાએ નવા એપિસોડનું શૂટિંગ શરૂ થાય તે પહેલાં જ પ્રોડ્યૂસર્સને પોતે આ શોમાં હવે કામ નહીં કરે તે વાત જણાવી દીધી હતી. લૉકડાઉન પછી બીજીવાર શૂટિંગ શરૂ કરવામાં આવ્યું ત્યારથી નેહા મહેતા સેટ પર પરત ફરી નથી. નેહા આ સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા)ની પત્ની અંજલી મહેતાના રોલમાં હતી. શોમાં અંજલી મહેતા ડાયટ અંગે સજાગ હોવાનું બતાવવામાં આવ્યું હતું. સિરિયલનું શૂટિંગ 10 જુલાઈથી શરૂ કરવામાં આવ્યું હતું. નવા એપિસોડ 22 જુલાઈથી પ્રસારિત કરવામાં આવી રહ્યા છે.

હાલમાં જ સેટ પર કેક કટિંગ સેરેમની કરી હતી
સિરિયલને 12 વર્ષ પૂરા થતા સેટ પર કેક કટિંગ સેરેમની રાખવામાં આવી હતી.

ગુરુચરણ સિંહે પણ શો છોડ્યાની ચર્ચા હતી
થોડા સમય પહેલાં એવી ચર્ચા હતી કે ગુરુચરણ સિંહ એટલે કે રોશન સિંહ સોઢી શો છોડવાનો છે. જોકે, પ્રોડ્યૂસર અસિત મોદીએ આ વાતને માત્ર અફવા ગણાવી હતી.

દિશા વાકાણી છેલ્લાં અઢી વર્ષથી શોમાં જોવા મળતી નથી
સિરિયલમાં દયાભાભીનો રોલ પ્લે કરનાર દિશા વાકાણીએ સપ્ટેમ્બર, 2017માં મેટરનિટી લીવ લીધી હતી. જોકે, તે સમયે કહેવામાં આવતું હતું કે દિશા પાંચ મહિના બાદ શોમાં પરત ફરશે. જોકે, દિશા વાકાણી હજી સુધી શોમાં આવી નથી.

દયાભાભી વગર પણ શો ચાલુ રહેશે
હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘દયાબેનના પાત્રને લઈ હાલમાં કોઈ ચર્ચા થતી નથી. સાચું કહું તો આ પાત્ર વગર પણ શો અઢી વર્ષ સારો ચાલ્યો છે. દયાભાભી વગર પણ શોની લોકપ્રિયતામાં સહેજ પણ ફેર પડ્યો નથી. દર્શકો મને તથા મારી ટીમને સમજ્યા છે. દર્શક સમજે છે કે અમે દિશા વાકાણીને પરત લાવવા માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા છીએ. જોકે, તે નહીં આવે તો શો બંધ થશે નહીં. દર્શકોએ દયાભાભી વગર પણ શોને પ્રેમ આપ્યો છે. સાચું કહું તો દિશા શોમાં આવે કે ના આવે હવે તે ચર્ચાનો વિષય જ નથી. તે પરત આવે છે તો સારી વાત છે અને નથી આવતી તો show must go on. અમે બીજી દયાભાભી લાવીને અમારું કામ ચાલુ રાખીશું. લૉકડાઉન પીરિયડમાં તેમની સાથે વાત થઈ હતી અને દરેકની પોત-પોતાની સમસ્યા હોય છે. કોઈની પર દબાણ લાવીને કામ કરાવી શકાય નહીં. જોઈએ હવે આગામી દિવસોમાં શું થાય છે.’

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી