'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ચંપકચાચાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ તાજેતરમાં સેટ પર ઘાયલ થયા હતા અને ડૉક્ટર્સે તેમને સંપૂર્ણપણે બેડ રેસ્ટની સલાહ આપી છે. આ જ કારણે હાલમાં તેઓ સિરિયલનું શૂટિંગ પણ કરતા નથી.
સેટ પર ઈજા થઈ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 'તારક મહેતા..'ના શૂટિંગ દરમિયાન એક સીનમાં અમિત ભટ્ટે દોડવાનું હતું અને આ દરમિયાન તેમણે બેલેન્સ ગુમાવ્યું અને તેઓ પડી ગયા હતા. આ કારણે તેમને ગંભીર ઈજા થઈ અને ડૉક્ટર્સે સંપૂર્ણપણે બેડ રેસ્ટની સલાહ આપી હતી. હાલમાં અમિત ભટ્ટ ઘરે જ આરામ કરે છે અને સિરિયલના મેકર્સ પણ તેમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે. સિરિયલની ટીમ પણ ઈચ્છે છે કે અમિત ભટ્ટ એકદમ સાજા થઈ જાય પછી જ સેટ પર આવે.
જેઠાલાલ કરતાં ઉંમરમાં નાના
સિરિયલમાં અમિત ભટ્ટે દિલીપ જોષી (જેઠાલાલ)ના પિતાનો રોલ કર્યો છે, પરંતુ રિયલ લાઇફમાં તેઓ જેઠાલાલ કરતાં 5 વર્ષ નાના છે. અમિત ભટ્ટની ઉંમર 50 વર્ષ છે, જ્યારે દિલીપ જોષી 54ના છે.
200થી વધુ વાર માથું મુંડાવ્યું
સિરિયલમાં શરૂઆતમાં અમિત ભટ્ટ બાલ્ડ લુકમાં જોવા મળતા હતા. અમિત ભટ્ટે સિરિયલમાં નેચરલ લુક લાગે તે માટે રિયલ લાઇફમાં મુંડન કરાવવાનું નક્કી કર્યું હતું. અમિત ભટ્ટ દર બીજા-ત્રીજા દિવસે મુંડન કરાવતા હતા. અમિત ભટ્ટના મતે આ રીતે તેમણે 283 વાર મુંડન કરાવ્યું હતું. દર બીજા-ત્રીજા દિવસે મુંડન કરાવવાને કરાણે તેમને સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું. ડૉક્ટર્સે પણ તેમને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે હવે તેઓ મુંડન કરાવે નહીં. ત્યારબાદ મેકર્સે આ સમસ્યાનો તોડ કાઢવા માટે અમિત ભટ્ટને સિરિયલમાં ગાંધી ટોપી પહેરાવવાની શરૂ કરી દીધી હતી.
કઈ કઈ સિરિયલમાં કામ કર્યું છે?
19 ઓક્ટોબર, 1972ના રોજ જન્મેલા અમિત ભટ્ટ પત્ની કૃતિ તથા બે જોડિયા દીકરા દેવ-દીપ સાથે મુંબઈમાં રહે છે. અમિત ભટ્ટ વર્ષ 2008થી 'તારક મહેતા...'માં ચંપકચાચાનો રોલ પ્લે કરે છે. આ પહેલાં અમિત ભટ્ટે 'ખિચડી', 'યસ બોસ', 'ચુપકે ચુપકે', 'ફન્ની ફેમિલી.કોમ', 'ગપશપ કૉફી શોપ', 'FIR' જેવી સિરિયલમાં કામ કર્યું છે. સલમાન ખાનની ફિલ્મ 'લવયાત્રી'માં અમિત ભટ્ટે બંને દીકરા સાથે કેમિયો કર્યો હતો.
ગયા વર્ષે નવી કાર ખરીદી
અમિત ભટ્ટને કારનો ઘણો જ શોખ છે. તેમણે 1995માં સૌ પહેલાં ફિઆટ કાર ખરીદી હતી. ત્યારબાદ તે કાર અપડેટ કરતાં રહે છે. ગયા વર્ષે અમિત ભટ્ટે MG હેક્ટર કાર ખરીદી હતી. આ કારની કિંમત 13-19 લાખની વચ્ચે હોય છે. MG હેક્ટર પહેલાં તેમની પાસે ઇનોવા હતી. અમિત ભટ્ટ મોટા ભાગે કાર જાતે જ ડ્રાઇવ કરતાં હોય છે.
ઇમર્જન્સીમાં ટૂ વ્હીલરનો ઉપયોગ કરે છે
મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા સામાન્ય છે. આ જ કારણે અમિત ભટ્ટ ઇમર્જન્સી હોય ત્યારે ટૂ વ્હીલરનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.
સિરિયલને જુલાઈમાં 14 વર્ષ પૂરા થયા
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને જુલાઈમાં 14 વર્ષ પૂરા થયા હતા. સિરિયલને 14 વર્ષ પૂરા થતાં સેટ પર કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું. થોડાં સમય પહેલાં જ સિરિયલમાં તારક મહેતાનું પાત્ર ભજવતા શૈલેષ લોઢાના સ્થાને એક્ટર સચિન શ્રોફ આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.