ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજાએ હાલમાં જ ઘટસ્ફોટ કર્યો હતો કે તે પણ રેમસે હંટ સિન્ડ્રોમનો ભોગ બની ચૂકી છે. ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના મુશ્કેલ દિવસોને યાદ કરીને કહ્યું હતું કે આ ફિઝિકલ કરતાં મેન્ટલી તમને ઘણી જ અસર કરે છે. ઇન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબરે હાલમાં જ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તેનો અડધો ચહેરો પેરાલાઇઝ થઈ ગયો છે.
2014માં ઐશ્વર્યાને ફેશિયલ પેરાલિસિસ થયો હતો
ઐશ્વર્યાએ કહ્યું હતું, 'હું 2014માં શો 'મૈં ના ભૂલૂંગી'નું શૂટિંગ કરતી હતી. આ દરમિયાન રોહિતે મને સવાલ કર્યો હતો કે હું તેની તરફ જોઈને કેમ આંખ મારું છું. મને લાગ્યું કે તે મજાક કરે છે. બીજા દિવસે જ્યારે મેં બ્રશ કરીને કોગળા કર્યા તો હું કોગળા કરી શકતી નહોતી. ત્યારે જ મને થયું કે કંઈક થયું છે.'
MRI બાદ બીમારીની જાણ થઈ
ઐશ્વર્યાએ આગળ કહ્યું હતું, 'હું તૈયાર થઈને ઘરની બહાર નીકળી તો મારી પડોશી પૂજાએ નોટિસ કર્યું કે મારો ચહેરો કંઈક અલગ છે. તેણે મને પૂછ્યું પણ ખરાં કે હું નોર્મલ છું કે નહીં? પૂજાએ મને ડૉક્ટર પાસે જવાની સલાહ આપી હતી. તે દિવસે તો મેં શૂટિંગ કર્યું, પરંતુ બીજા દિવસે હું MRI માટે ગઈ હતી. રિપોર્ટમાં ખ્યાલ આવ્યો કે મને રેમસે હંટ સિન્ડ્રોમ છે. થોડાં દિવસ મેં સ્ટેરોઇડ લીધા હતા.'
રજા લઈ શકી નહોતી
ઐશ્વર્યા ટાઇટ શૂટિંગ શિડ્યૂઅલને કારણે રજા લઈ શકી નહોતી. તેણે આ હાલતમાં પણ શૂટિંગ ચાલુ રાખ્યું હતું. તેણે કહ્યું હતું, 'કાસ્ટ તથા ક્રૂ મેમ્બર્સ ઘણાં જ સપોર્ટિવ હતા. તેમણે શૂટિંગ દરમિયાન મારો અડધો ચહેરો ના દેખાય તેનો પૂરતો પ્રયાસ કર્યો હતો.'
એક મહિનામાં સાજી થઈ
ઐશ્વર્યાએ આગળ કહ્યું હતું કે મેડિકેશનને કારણે તે એક મહિનાની અંદર સાજી થઈ હતી. તેની લાઇફ પહેલાં જેવી થઈ ગઈ છે. યોગ્ય સારવારથી જસ્ટિન બીબર પણ ટૂંક સમયમાં જ સાજો થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.