ડાન્સર તથા કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાનની સાથે બેંગુલુરુ એરેપોર્ટ પર ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. સલમાને સો.મીડિયામાં આ અંગે વીડિયો શૅર કર્યો હતો. સલમાને કહ્યું હતું કે જ્યારે દુબઈ જવા માટે એરપોર્ટ પર આવ્યો ત્યારે સ્થાનિક સ્ટાફે ચેકિંગ દરમિયાન કન્નડમાં વાત કરવાનું દબાણ કર્યું હતું. સલમાને કહ્યું હતું કે તેણે ભાંગી તૂટી કન્નડ ભાષામાં વાત કરી તો એરપોર્ટ સ્ટાફે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને કહ્યું હતું કે તુ અને તારા પિતા બેંગલુરુમાં જન્મ્યા હોવા છતાં કન્નડ ભાષા નથી આવડતી?
સ્કૂલિંગ સાઉદમાં થયું છેઃ સલમાન
સલમાનને આ આખી ઘટનાનો એક વીડિયો શૅર કર્યો હતો. તેણે કહ્યું હતું, 'મેં અધિકારીઓને કહ્યું હતું કે હું બેંગલુરુમાં જન્મ્યો છું, પરંતુ એનો અર્થ એ નથી કે મને આ ભાષા (કન્નડ) આવડે. હું ક્યારેય કન્નડમાં ભણ્યો નથી. મારું સ્કૂલિંગ સાઉદીમાં થયું છે. મને મારા મિત્રોને કારણે થોડી ઘણી કન્નડ ભાષા આવડતી હતી.
'અધિકારીએ મારા પર શંકા વ્યક્ત કરી'
સલમાને આગળ કહ્યું, 'અધિકારીએ મને કહ્યું કે તુ કન્નડ બોલી શકતો નથી, એટલે તારી પર શંકા છે. મેં જવાબ આપ્યો કે મને મારા દેશની ઑફિશિયલ લેંગ્વેજ હિંદી આવડે છે. જો મને મારી માતૃભાષાની જાણકારી ના હોય તો હું કન્નડ કેવી રીતે બોલું? મેં સામે સવાલ કર્યો કે તમને મારા પર કઈ વાત પર શંકા છે તો અધિકારીએ કહ્યું હતું કે અમે ગમે તે વાત પર તમારી શંકા કરી શકીએ છીએ. પછી હું થોડો ગુસ્સે થયો હતો.'
'આ અભણોથી ભારતનું ભલું થઈ શકે નહીં'
'મેં તેમને કહ્યું કે જ્યાં સુધી આ દેશમાં તમારા જેવા અભણ હશે ત્યાં સુધી આ દેશ પ્રગતિ કરશે નહીં. આ વાત સાંભળીને તેઓ માથું નીચે કરીને કંઈક બોલવા લાગ્યા હતા. આ આખી ઘટનાની જાણ મેં એરપોર્ટના અન્ય અધિકારીને કરી, પરંતુ કોઈએ મને ગાઇડ કર્યો નહીં. નવાઈની વાત એ છે કે મેં મારા શહેરનું નામ રોશન કર્યું છે, નેશનલ લેવલ પર અવૉર્ડ્સ જીત્યા છે, પરંતુ આજે આ અભણો સામે મારે મારી જાતને સાબિત કરવી પડી.'
'આજે જે સહન કર્યું, તે સ્વીકાર્ય નથી..'
'હું ગર્વથી કહું છું કે હું એક બેંગલોરિયન છું, પરંતુ આજે મેં જે સહન કર્યું તે કોઈ પણ કિંમતે સહન કરી શકાય નહીં. તમારે કોઈને પણ સ્થાનિક ભાષા શીખવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ, દબાણ નાખવું જોઈએ નહીં અને તેના મા-બાપ સુધી પણ જવું જોઈએ નહીં.
'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' જીતીને સલમાન લોકપ્રિય થયો હતો
સલમાન યુસૂફ ખાન દેશનો જાણીતો કોરિયોગ્રાફર છે. 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' જીતને તે લોકપ્રિય થયો હતો. તેણે રેમો ડિસોઝાની ફિલ્મ 'ABCD'માં પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તે 'સ્ટ્રીટ ડાન્સર 3D'માં જોવા મળ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.