ટીવી પર છેલ્લાં 14 વર્ષથી ચાલતી કોમેડી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' હાલમાં ચર્ચામાં છે. આ શોના કલાકારો એક પછી એક સિરિયલ છોડી રહ્યા છે. પહેલાં શૈલેષ લોઢાએ સિરિયલ છોડી, પછી દિશા વાકાણી આ શોમાં પરત નહીં ફરે તે વાત સામે આવી હતી. હવે એવી ચર્ચા છે કે સિરિયલમાં ટપુનો રોલ પ્લે કરતો રાજ અનડકટે પણ સિરિયલ છોડી દીધી છે. આ દરમિયાન એવી પણ વાતો વહેતી થઈ હતી કે મુનમુન દત્તા પણ આ શો છોડી શકે છે.
છેલ્લાં ઘણાં સમયથી રાજ સિરિયલમાં જોવા મળતો નથી
એ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે કે હવે રાજ આ શોમાં જોવા મળશે નહીં. આમ પણ રાજ છેલ્લાં કેટલાંક દિવસોથી સિરિયલમાં જોવા મળતો નથી. જોકે, આ અંગે ચેનલ કે રાજ તરફથી કોઈ જાતની વાત કરવામાં આવતી નથી. સિરિયલના સૂત્રો આ વાત અફવા હોવાનું કહી રહ્યા છે. જોકે, આ વાત કેટલી સાચી તે તો આવનારો સમય જ કહેશે.
ગયા વર્ષે જ રાજ આ સિરિયલ છોડવાનો હતો
પ્રોડડક્શન હાઉસ સાથેના મતભેદને કારણે હવે રાજ ગયા વર્ષે 20 ડિસેમ્બર પછી શૂટિંગ પણ કરવાનો નહોતો. જોકે પ્રોડક્શન હાઉસે રાજ સાથેના મતભેદનો ઉકેલ લાવી દીધો હતો અને તેણે શોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
રાજ 2017થી શોમાં જોડાયેલો છે
રાજ અનડકટ 2017થી ટપુડાનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલાં ભવ્ય ગાંધી આ પાત્ર ભજવતો હતો. મુનમુન દત્તાના અફેરની વાત સામે આવી ત્યારે રાજે સો.મીડિયામાં લાંબી પોસ્ટ શૅર કરીને આ વાતને ખોટી ગણાવી હતી.
અત્યાર સુધીમાં આ કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે
આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.