તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:નટુકાકાને યાદ કરીને ભાવુક થયા જેઠાલાલ, શૈલેષ લોઢાના શોમાં પરત ફરવાને લઈને કહી આ વાત

17 દિવસ પહેલા

છેલ્લા એક મહિનાથી ચર્ચા ચાલી રહી છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મુખ્ય ભૂમિકા ભજવતા 'તારક મહેતા' એટલે કે એક્ટર શૈલેષ લોઢાએ શોને અલવિદા કહી દીધું છે. આ બાબતે સિરિયલમાં તારક મહેતાના ‘પરમ મિત્ર’ બનતા ‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશીનું રિએક્શન સામે આવ્યું છે. જેઠાલાલની વાત માનવામાં આવે તો શૈલેષ લોઢા શોમાં પરત ફરી શકે છે.

દિલીપ જોશીએ મીડિયા ઈન્ટરએક્શન દરમિયાન કહ્યું હતું કે 'મેં કહ્યું એમ પરિવર્તન જરૂરી છે. જ્યારે તમે શો છોડી દો છો ત્યારે સમસ્યા થાય છે. દેખીતી રીતે તમારા કો-એક્ટર સાથે એક લય સેટ હોય છે, પણ કશું કહી શકતા નથી. શૈલેષભાઈ પાછા આવી શકે છે.’

નટુકાકાને કર્યા યાદ
આ જ મીડિયા ઇન્ટરએક્શનમાંથી વાઇરલ થયેલા અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીએ ગડા ઇલેક્ટ્રોનિક્સની નવી દુકાનના ઉદઘાટન પ્રસંગે 'નટુકાકા' એટલે કે ઘનશ્યામ નાયકને યાદ કર્યા હતા. જેઠાલાલે કહ્યું હતું કે ‘ઘનશ્યામભાઈ... નટુકાકા અમારી સાથે નથી, પણ અમે તેમને બહુ જ યાદ કરીએ છીએ, આજે અમે દુકાનમાં આવીને... પરંતુ અમને ખબર છે કે તેઓ જ્યાં પણ હશે અમને આશીર્વાદ આપતા હશે. આ બધું જોઈને...’

દિશા વાકાણી માટે છલકાયું દર્દ
સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલા અન્ય એક વીડિયોમાં એક્ટર દિલીપ જોશીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણીની ગેરહાજરી વિશે પણ વાત કરી હતી. દિલીપ જોશીએ કહ્યું હતું કે ‘દયા આવવાની હતી, ફરીથી તેણે અમને ઉલ્લુ બનાવી દીધા. ખબર નહીં અસિતભાઈ શું કરવા માગે છે. આશા રાખીએ કે જેઠાલાલના અચ્છે દિન બહુ ઝડપથી આવે.’

નવાં દયાભાભી માટે પણ ચાલી રહ્યું છે ઓડિશન
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લાં 5 વર્ષથી ગાયબ છે. સિરિયલમાં તેમની ગેરહાજરીને એવું કહીને જસ્ટિફાય કરવામાં આવી છે કે દયા પોતાના પિયર અમદાવાદમાં છે. દર થોડા સમયાંતરે ફરી ફરીને એવી ચર્ચાઓ વહેતી થાય છે કે જલદી જ દયાભાભી પરત ફરશે, પરંતુ તે ખાલી સમાચાર પૂરતું જ સીમિત રહે છે, પરંતુ હાલમાં જ અસિત મોદીએ સ્પષ્ટ કહી દીધું હતું કે દિશા વાકાણી હવે ક્યારેય પણ શોમાં પરત નહીં ફરે. દયાબેનના રોલ માટેનાં ઓડિશન પણ શરૂ થઇ ચૂક્યાં છે.
અસિત મોદીએ બતાવી દુકાન
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીએ ફેન્સને ગડા ઇલેક્ટ્રોનિકની ઝલક પહેલેથી જ આપી દીધી છે. આ વીડિયોમાં શોના નિર્માતાએ સિરિયલમાં જોવા મળે એ પહેલાં જ મીડિયાને દુકાન બતાવી દીધી છે. એ બાદ હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.