Fat to Fit:કોરોના થયા બાદ આદિત્ય નારાયણનું વધ્યું વજન, બે જ મહિનામાં વર્કઆઉટ કરી વધેલું પેટ ઘટાડ્યું

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિત્ય નારાયણે સો.મીડિયામાં બે તસવીર શૅર કરી છે
  • બંને તસવીરમાં તેનું ટ્રાન્સફોર્મેશન જોઈ શકાય છે

સિંગર તથા ટીવી હોસ્ટ આદિત્ય નારાયણ હાલમાં ટીવી શો 'ઇન્ડિયન આઇડલ 12'ને હોસ્ટ કરતો જોવા મળે છે. તાજેતરમાં આદિત્ય નારાયણે સો.મીડિયામાં પોતાની બે તસવીરો શૅર કરી હતી. એક તસવીર કોવિડ 19નો રિપોર્ટ નેગેટિવ આવ્યો ત્યારની છે અને બીજી તસવીરમાં તેનું બૉડી ટ્રાન્સફોર્મેશન જોવા મળે છે. બંને તસવીરમાં આદિત્ય નારાયણ શર્ટલેસ જોવા મળે છે.

પહેલી તસવીર શૅર કરીને આ વાત કહી

આદિત્યે પોતાની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'જો તમે મને પ્રેમ ના કરી શક્યા (15 એપ્રિલ, 2021 આ દિવસે મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો)' આ તસવીરમાં આદિત્ય બેડ પર સૂતો છે અને તેને વધેલું વજન જોવા મળે છે.

બીજી તસવીરમાં એકદમ ફિટ જોવા મળ્યો

આદિત્ય પછી તરત જ બીજી તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તે એકદમ ફિટ જોવા મળે છે. તેણે કહ્યું હતું, 'તો તમે મને 15 જૂન, 2021માં ડિઝર્વ કરતાં નથી.'

બીજી તસવીર પર સેલેબ્સે કમેન્ટ્સ કરી
આદિત્યની બીજી તસવીર એટલે કે તે એકદમ ફિટ જોવા મળે છે, તેમાં અનેક સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી. વિક્રાંત મેસીએ કહ્યું હતું, 'વાહ....નાનુ હલવાઈમાંથી નાનુ જલવાઈ.' કોમેડિયન ઝાકિર ખાને મજાકમાં કહ્યું હતું, 'આ કોઈ રીત નથી. પેલી તસવીરમાં કનેક્ટ હતો, પોતાપણું હતું.' સિંગર શામલીએ કહ્યું હતું, 'બહુ જ પ્રેમ.'

3 એપ્રિલે આદિત્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો

'ઈન્ડિયન આઈડલ'નો હોસ્ટ તથા સિંગર આદિત્ય નારાયણે 3 એપ્રિલના રોજ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેલ્લો, કમનસીબે મારો તથા મારી પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં અમે આઈસોલેશનમાં છીએ. મહેરબાની કરીને સલામત રહો અને પ્રોટોકોલનું પાલન કરો. આ સમય પણ પસાર થઈ જશે.' ઉલ્લેખનીય છે કે આદિત્યની ગેરહાજરમાં શોને જય ભાનુશાલીએ હોસ્ટ કર્યો હતો.

હાલમાં જ અલીબાગ પરની કમેન્ટને કારણે ચર્ચામાં આવ્યો હતો
શો દરમિયાન એક વાતચીતમાં આદિત્ય નારાયણે સ્પર્ધક સવાઈ ભાટને કહ્યું હતું કે શું તેને લાગે છે કે તે અલીબાગથી આવ્યો છે? મનસેને આ જ કમેન્ટ અપમાનજનક લાગી હતી. ખોપકરે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું, 'મેં સોની ચેનલ, શોના મેકર્સ તથા આદિત્ય નારાયણના પિતા દિગ્ગજ સિંગર ઉદિત નારાયણને આ અંગે જાણ કરી દીધી છે અને તેને અલીબાગના લોકોની માફી માગવાનું કહ્યું છે.'

માફી માગી હતી

આદિત્યે સો.મીડિયામાં કહ્યું હતું, 'વિનમ્ર હૃદયની સાથે હાથ જોડીને હું અલીબાગના લોકો તથા તે તમામની માફી માગું છું, જેઓ 'ઇન્ડિયન આઇડોલ'ના હાલના એપિસોડમાં મારી કમેન્ટથી દુઃખી થયા છે. મારો ઈરાદો કોઈને પણ ઠેસ પહોંચાડવાનો નહોતો. અલીબાગ પ્રત્યે મારો અપાર પ્રેમ તથા સન્માન છે. તે જગ્યા, ત્યાંના લોકો તથા તેની માટી સાથે મારી ભાવના જોડાયેલી છે.'