'ઇન્ડિયન આઇડલ' નવા વિવાદમાં:અલીબાગ પરની અપમાનજનક કમેન્ટ પર અંતે આદિત્ય નારાયણે માફી માગી, મનસેએ કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી

મુંબઈ5 મહિનો પહેલા
  • આદિત્યે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને માફી માગી
  • પિતા ઉદિત નારાયણે કહ્યું, આદિત્ય હજી બાલિશ છે

'ઇન્ડિયન આઇડલ 12' જેટલું લોકપ્રિય થઈ રહ્યું છે, તેનાથી વધુ વિવાદ થઈ રહ્યાં છે. હાલમાં જ શોના હોસ્ટ આદિત્ય નારાયણે એક વિવાદ ઊભો કર્યો હતો. તેના પર આક્ષેપ છે કે તેણે હાલના એપિસોડમાં અલીબાગ અંગે અપમાનજનક કમેન્ટ કરી હતી. આ અંગે પૉલિટકલ પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ શો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. જોકે, વિવાદ વધતા આદિત્યે અલીબાગના લોકોની માફી માગી હતી.

આદિત્યે સો.મીડિયામાં કહ્યું હતું, 'વિનમ્ર હૃદયની સાથે હાથ જોડીને હું અલીબાગના લોકો તથા તે તમામની માફી માગું છું, જેઓ 'ઇન્ડિયન આઇડોલ'ના હાલના એપિસોડમાં મારી કમેન્ટથી દુઃખી થયા છે. મારો ઈરાદો કોઈને પણ ઠેસ પહોંચાડવાનો નહોતો. અલીબાગ પ્રત્યે મારો અપાર પ્રેમ તથા સન્માન છે. તે જગ્યા, ત્યાંના લોકો તથા તેની માટી સાથે મારી ભાવના જોડાયેલી છે.'

મનસેએ શું ચેતવણી આપી હતી
મનસે ચિત્રપટ સેનાના ચીફ અમેય ખોપકરે મરાઠીમાં આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક હિંદી ચેનલનો રિયાલિટી શો છે. હું તેનું નામ લેવા માગીશ નહીં. જોકે, આદિત્ય નારાયણ તેને હોસ્ટ કરે છે. અહીંયા તેણે આપણા મહારાષ્ટ્રના અલીબાગ અંગે અપમાનજનક ટિપ્પણી કરી છે. મેં તે શો જોયો નથી, પરંતુ મારી પાસે મહારાષ્ટ્રના અનેક લોકોની ફરિયાદ આવી છે. આ હિંદી ચેનલ પર હાજર રહેલા લોકો સરળતાથી કહે છે કે 'આપમે અલીબાગથી આવ્યા છીએ?' મને લાગે છે કે તેઓ અલીબાગના તે સમૃદ્ધ વારસા અંગે જાણતા નથી. જો અલીબાગના લોકો નારાજ થઈ ગયા તો તેમને ખ્યાલ નથી કે અમે શું કરી શકીએ છીએ. અમે શો ચાલવા દઈશું નહીં. આ કમેન્ટે અમારું અપમાન કર્યું છે.'

આદિત્ય નારાયણે શું કહ્યું હતું?
શો દરમિયાન એક વાતચીતમાં આદિત્ય નારાયણે સ્પર્ધક સવાઈ ભાટને કહ્યું હતું કે શું તેને લાગે છે કે તે અલીબાગથી આવ્યો છે? મનસેને આ જ કમેન્ટ અપમાનજનક લાગી હતી. ખોપકરે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું, 'મેં સોની ચેનલ, શોના મેકર્સ તથા આદિત્ય નારાયણના પિતા દિગ્ગજ સિંગર ઉદિત નારાયણને આ અંગે જાણ કરી દીધી છે અને તેને અલીબાગના લોકોની માફી માગવાનું કહ્યું છે.'

પિતા ઉદિત નારાયણે કહ્યું હતું, આદિત્યમાં હજી બાલિશતા છે
ઉદિત નારાયણે હાલમાં જ દીકરાના વિવાદ પર કહ્યું હતું, 'આદિત્યમાં હજી બાલિશતા છે, તે પરિપક્વ નથી. શોના અન્ય લોકોની જેમ તે ચૂપ ના બેઠો. આ જ કારણે તે તમામ વિવાદોનું મૂળ બની ગયો છે. આ યોગ્ય નથી. એક શોમાં ભાગ લેવા માટે અનેક રાજ્યોના બાળકો આવે છે. શોથી તેમને ઓળખ મળતી હોય છે, પરંતુ આ પ્રકારનો વિવાદ થવાથી તેમના ટેલેન્ટ પર અસર થાય છે. તે ઘણો જ ઇમોશનલ છે. આથી તેને આ શો પ્રત્યે ઘણો જ લગાવ છે. જોકે, તમે એક વાત જોશો કે આ મુદ્દે આદિત્ય સિવાય કોઈએ કંઈ જ કહ્યું નથી. તે એક હોસ્ટ છે. આથી તેને જવાબદાર ઠેરવવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી.'

અમિત કુમારે આ વાત કહેવા જેવી નહોતી
અમિત કુમારે શો અંગે કહ્યું હતું કે તેમને શોમાં તમામ સ્પર્ધકોના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ મુદ્દે ઉદિત નારાયણે કહ્યું હતું, 'આદિત્યે મારી સાથે આ મુદ્દે વાત કરી હતી. મેં તેને કોઈ જવાબ આપ્યો નહોતો., કારણ કે મારું માનવું છે કે શોમાં અન્ય ઘણાં મોટા લોકો છે, તેમણે આ મુદ્દે વાત કરવાની જરૂર હતી. મેં અમિત કુમારવાળો એપિસોડ જોયો હતો. મને તો એવું લાગ્યું કે તેણે ઘણું જ એન્જોય કર્યું છે. જ્યારે તમે શોમાં આવવા તૈયાર થયા પછી, તમારે આવી વાત કરવી જોઈએ નહીં. જો મેં આ વાત કહી તો મને પણ આદિત્યની જેમ જ આ વિવાદમાં લઈ લેવામાં આવશે.'

અમિત કુમારે વિવાદનો મધપૂડો છંછેડ્યો હતો
થોડાં દિવસ પહેલાં શોમાં કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડમાં તેમનો દીકરો અમિત કુમાર આવ્યો હતો. આ શોમાં કિશોર કુમારના ગીતો ગાવામાં આવ્યા હતા અને અમિત કુમારે સ્પર્ધકોના વખાણ કર્યા હતા. જોકે, શોમાંથી બહાર આવ્યા બાદ અમિત કુમારે એવું કહ્યું હતું, 'મને ખ્યાલ છે કે લોકો એપિસોડ અંગે ઘણાં ગુસ્સામાં છે. સાચી વાત એ છે કે કોઈ પણ કિશોર કુમારની જેમ ગાઈ શકે નહીં. મને કહેવામાં આવ્યું હતું કે શોમાં તમામના વખાણ કરવાના છે. પછી તે ભલે ગમે તેવું ગીત ગાય, કારણ કે આ કિશોરદાને ટ્રિબ્યૂટ છે.'