લાચારી:બિલ ભરવાના પૈસા ના હોવાથી એક્ટર આશિષ રૉયે હોસ્પિટલમાંથી રજા લીધી, હજી સુધી સલમાને પણ મદદ નથી કરી

મુંબઈએક વર્ષ પહેલા

ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’માં કામ કરી ચૂકેલા એક્ટર આશિષ રૉય લાંબા સમયથી બીમાર છે. તેમને કિડનીની બીમારી છે અને તેઓ છેલ્લાં કેટલાંક મહિનાથી મુંબઈની કૃતિકેર હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં હતાં. જોકે, પૈસા ના હોવાથી તબિયત સારી ના હોવા છતાંય તેઓ ડિસ્ચાર્જ લઈને ઘરે આવી ગયા છે. 

પૈસાની તંગી
સ્પોટબોય સાથેની વાતચીતમાં આશિષે કહ્યું હતું, ‘24 મેના રોજ હું ડિસ્ચાર્જ લઈને ઘરે આવી ગયો હતો, કારણ કે મારી પાસે બિલ ભરવાના પૈસા નથી. બિલ બે લાખ રૂપિયા જેટલું થઈ ગયું હતું. એ તો મેં માંડ માંડ ભર્યું છે પરંતુ હવે હોસ્પિટલમાં રહીને સારવાર કરાવી શકાય તેટલા પૈસા મારી પાસે નથી.’

બે મહિના સુધી ડાયલિસિસ થશે
વધુમાં આશિષે કહ્યું હતું, ‘મારું ડાયલિસિસ હજી પણ ચાલુ છે. દર બીજા દિવસે મારે હોસ્પિટલ જવું પડે છે. મારે આ રીતે બે મહિના સુધી જવું પડશે. ત્રણ કલાક ડાયલિસિસના બે હજાર રૂપિયા થાય છે. હું ઘરે છું પરંતુ નબળાઈ બહુ જ છે. એક નોકર મારી દેખરેખ રાખે છે.’

સલમાન પાસે મદદ માગી હતી
આશિષની બંને કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું છે. થોડાં દિવસ પહેલાં આશિષે પોતાના મિત્ર સૂરજ થાપરની મદદથી સલમાન તથા તેની સંસ્થા બિઈંગ હ્યુમન પાસે મદદની અપીલ કરી હતી. આના પર આશિષે કહ્યું હતું, ‘મેં મદદ માગી હતી પરંતુ હજી સુધી મદદ મળી નથી. મને ખ્યાલ નથી કે મારી વાત તેમના સુધી પહોંચી પણ છે કે નહીં.’

આશિષ પાસે કામ નથી
આશિષને 2019ની શરૂઆતમાં પેરાલિસિસનો અટેક આવ્યો હતો. તે સમયે આશિષે કહ્યું હતું, ‘પેરાલિસિસ અટેક બાદ હું ઠીક થઇ ગયો હતો પણ મને કામ ના મળ્યું. હાલ હું મારી બચત પર મારી જિંદગી કાઢી રહ્યો છું પરંતુ તે પણ પૂરી થવા આવી છે. હું મારી બહેન પાસે કોલકાતા શિફ્ટ થઇ જઈશ પરંતુ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ મને કામ આપવું પડશે બાકી તમને ખબર જ છે કે શું થશે.’ આશિષ એક વોઇસ ઓવર આર્ટિસ્ટ પણ છે અને તેમણે હોલિવૂડ ફિલ્મ ‘જોકર’ના હિન્દી વર્ઝનમાં તેમનો અવાજ આપ્યો હતો. આશિષે ‘સસુરાલ સિમર કા’, ‘કુછ રંગ પ્યાર કે એસે ભી’ સહિત વિવિધ સિરિયલ્સમાં કામ કર્યું છે. 

અન્ય સમાચારો પણ છે...