'અનુપમા' સામે આક્રોશ:એક્ટર પારસ કલનાવત એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ને ગૌરવ ખન્ના પર રોષે ભરાયો

મુંબઈ9 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોકપ્રિય ટીવી સિરિયલ 'અનુપમા' હાલમાં વિવાદમાં આવી છે. આ સિરિયલમાં અનુપમા (રૂપાલી ગાંગુલી)ના નાના દીકરા સમર શાહનો રોલ પ્લે કરતો એક્ટર પારસ કલનાવતનો કોન્ટ્રાક્ટ અધવચ્ચે પૂરો કરવામાં આવ્યો હતો. પારસ અંગે સિરિયલના પ્રોડ્યૂસર રાજન શાહીએ એમ કહ્યું હતું કે તેણે કોઈને કહ્યા વગર જ અન્ય ચેનલનો ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા' સાઇન કરી લીધો. આ જ કારણે તેને ટર્મિનેટ કરવામાં આવ્યો છે. હવે પારસે આ સિરિયલમાં ચાલતા ગંદા રાજકારણ અંગે વાત કરી હતી.

શું કહ્યું પારસે?
પારસે સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને 'અનુપમા' સિરિયલમાં કામ કરવાના અનુભવ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'દરેક સફરનો અંત હોય છે. મારી ટીમના લોકોને યાદ કરું છું. મારો પક્ષ પણ જરૂરથી રજૂ કરીશ. આ શોનો હિસ્સો બનવા માટે મેં શું-શું સહન કર્યું છે. આ કોઈ ખરાબ સપનાથી ઓછું નથી. શોમાં જે લોકો મારા નિકટ હતા, તેમને હું ઉદાસ છું તે વાત ખબર હતી, પરંતુ તેમણે કંઈ જ ના કર્યું. આ ઘણી જ મિક્સ ફીલિંગ છે.'

વધુમાં પારસે કહ્યું હતું, 'આંસુના ટીપાં સાથે રાહતનો શ્વાસ. રાજન સર, રોમેશ સર, વિવેકજી, આરિફજી, ગુલશનજી, સુનંદ સર તથા પૂરી ટીમનો હંમેશાં આભારી રહીશ કે તેમણે મને આ તક આપી અને આટલા સારો શોનો હિસ્સો બનાવ્યો. તમામના પ્રેમ માટે આભાર. મેં બેસ્ટ પ્રોડ્યૂસર્સમાંથી એક, બેસ્ટ ડિરેક્શન ટીમ તથા બેસ્ટ DOP ટીમ સાથે કામ કર્યું છે. શો ચાલતો રહેવો જોઈએ. હું જ્યાં પણ જઈશ, મારું બેસ્ટ આપીશ. મારું કામ બોલે તેવું કરીશ. તમારો પ્રેમ આપતા રહેજો, કારણ કે પિક્ચર અભી બાકી હૈ. સમર શાહ તરીકે સાઇન ઑફ કરું છું. શોમાં નવા સમર શાહને એટલો જ પ્રેમ આપજો.'

શોમાં ગંદું રાજકારણ રમાય છે
એક મીડિયા ઇન્ટરવ્યૂમાં પારસે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં ઘણું જ પોલિટિક્સ થાય છે. આ સાથે જ તેમાં સર્વાઇવ કરવું મુશ્કેલ છે. પારસે કહ્યું હતું, 'બહુ બધી બાબતો તમારી સામે હોય છે અને તમે તેને જોઈ શકો છો, પરંતુ ઘણી બાબતો તમારી જાણ બહાર થતી હોય છે. હું આ અંગે વધુ વાત કરવા માગતો નથી, પરંતુ હું પણ મારી કો-સ્ટાર અનઘા ભોસલેએ કહ્યું હતું કે તેમ એટલું કહીશ કે અહીંયા બહુ જ પોલિટિક્સ રમાય છે અને તમે આ પોલિટિક્સનો ભાગ નથી તો તમે પાછળ રહી ગયા હોવાનું અનુભવો છે. જો તમે શાંત વ્યક્તિ છો તો તમે આ પોલિટિક્સમાં સર્વાઇવ કરી શકશો નહીં. આ પોલિટિક્સ દરેક જગ્યાએ હોય છે અને હું પણ તેનો ભોગ બની ચૂક્યો છું.'

મારી સાથે રમત રમવામાં આવી
વધુમાં પારસે કહ્યું હતું, 'મને શોમાંથી હાંકી કાઢવાની વાત ખબર જ નહોતી, કારણ કે મારી સાથે કોઈ મિટિંગ થઈ નહોતી. કોઈએ મને આ અંગે માહિતી આપી નહોતી. આ બધું જ રાતોરાત થયું હતું. મને રાત્રે આઠ વાગે ટર્મિનેશન લેટરનો મેલ આવ્યો હતો. મને પ્રોડક્શન હાઉસ તરફથી મેસેજ આવ્યો હતો કે મારો ટર્મિનેશનલ લેટર મેલ કરવામાં આવ્યો છે. આની ચાર-પાંચ મિનિટમાં તો આર્ટિકલ આવવાના શરૂ થઈ ગયા હતા. આ બધું જ PR (પબ્લિક રિલેશન)નો જ એક ભાગ હોવાનું લાગે છે. એક બાજુ મને ટર્મિનેશન લેટર મોકલવામાં આવે છે, તો બીજી બાજુ મીડિયાને સમાચાર મોકલી દેવામાં આવ્યા હતા.

રૂપાલી ગાંગુલી-ગૌરવ ખન્નાએ એક મેસેજ-ફોન ના કર્યો
26 વર્ષીય પારસે કહ્યું હતું, 'જો અમે (હું અને પ્રોડ્યૂસર રાજન શાહી) સાથે બેસીને વાત કરી હોત અથવા તો રાજનસર મને મળવા બોલાવત તો પરિસ્થિતિ સુધરી શકે તેમ હતી. તેમને મને મેસેજમાં આવું કહ્યું કે તે મને મળવા જ માગતા નથી.'

વધુમાં પારસે કહ્યું હતું, 'મને એ વાતની નવાઈ લાગી છે કે કેટલાંક લોકોએ જ મારો સંપર્ક કર્યો હતો. મને લાગે છે કે બાકીના લોકો મેકર્સની નજરમાં સારા બનીને રહેવા માગે છે. નિધિ શાહ (કિંજલ), મુસ્કાન (પાખી) તથા સુધાંશુ પાંડે (વનરાજ શાહ)એ મને ફોન કર્યો હતો. મદાલસા શર્મા (કાવ્યા), અલ્પા બુચ (બા)એ મને મેસેજ કર્યો હતો. આ સિવાય કોઈએ મને મેસેજ કરવાની પણ દરકાર લીધી નહોતી. મેં સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી તો મારા એક પણ કો-એક્ટરે તેને લાઇક પણ કરી નહોતી.' નોંધનીય છે કે પારસને રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્નાએ મેસેજ કે ફોન કર્યો નહોતો અને તેણે આડકતરી રીતે આ બંને પર જ નિશાન સાધ્યું હતું.