મામા-ભાણિયાનો વિવાદ:ગોવિંદાની પત્ની સુનીતાએ ભાણિયા કૃષ્ણા અભિષેકને ખરું-ખોટું સંભળાવ્યું, 'હવે તેનો ચહેરો પણ જોવા માગતી નથી'

મુંબઈએક મહિનો પહેલા
  • ગોવિંદા પત્ની સુનીતા સાથે 'ધ કપિલ શર્મા' શોમાં જોવા મળશે

કોમેડિયન કૃષ્ણા અભિષેક તથા ગોવિંદા વચ્ચેનો ઝઘડો પૂરું થવાનું નામ લેતો નથી. હાલમાં જ ગોવિંદા પત્ની સુનીતા સાથે શો 'ધ કપિલ શર્મા'માં આવ્યો હતો. આ એપિસોડમાં કૃષ્ણા આવ્યો નહોતો અને તેણે શોમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી. ગયા વર્ષે પણ જ્યારે ગોવિંદા શોમાં આવ્યો હતો ત્યારે પણ કૃષ્ણા શોમાં આવ્યો નહોતો. હાલમાં જ જ્યારે કૃષ્ણાને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેણે એમ કહ્યું હતું કે બંને પાર્ટીઓ એકસાથે સ્ટેજ શૅર કરવા તૈયાર નથી. કૃષ્ણાએ એમ પણ કહ્યું હતું કે તેના તથા મામા વચ્ચેના મતભેદ હજી સુધી દૂર થયા નથી. હવે ગોવિંદની પત્ની સુનીતાએ આ અંગે વાત કરી હતી.

શું કહ્યું સુનીતાએ?
આ બાબતમાં ગોવિંદાએ હજી સુધી કોઈ જ રિએક્શન આપ્યું નથી. જોકે તેની પત્ની સુનીતાએ રિએક્શન આપ્યું છે. તેણે કૃષ્ણા અભિષેકને ખરુંખોટું સંભળાવ્યું છે. સુનીતાએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તે હવે કૃષ્ણા અભિષેકનો ચહેરો પણ જોવા માગતી નથી.

'ઇટાઇમ્સ'ની સાથેની વાતચીતમાં સુનીતાએ કહ્યું હતું, 'હું તમને કહી શકું એમ નથી કે કૃષ્ણા અભિષેકે તે એપિસોડમાં ભાગ લેવા માટે મારા પરિવાર અંગે જે પણ વાતો કરી એનાથી હું કેટલી દુઃખી છું. ગોવિંદાએ ગયા વર્ષે નવેમ્બરમાં જ કહ્યું હતું કે તે ક્યારેય પબ્લિકમાં ઘરના પ્રશ્નો લઈને આવશે નહીં. ગોવિંદા પોતાની વાત પર કાયમ છે. હું ફરી એકવાર કહેવા માગીશ કે અમે એકબીજાથી દૂર રહેવા માગીએ છીએ, પરંતુ વાત એ હદે વણસી જાય છે કે મને લાગે છે કે મારે આ મુદ્દે વાત કરવી જોઈએ.'

સુનીતા આહુજાએ વધુમાં કહ્યું હતું, 'જ્યારે પણ અમે કપિલના શોમાં આવીએ છીએ ત્યારે તે (કૃષ્ણા અભિષેક) પબ્લિસિટી માટે મીડિયામાં અમારા વિશે કંઈ ને કંઈ કહે છે. શું ફાયદો છે આ બધું બોલીને? ઘરની વાતોને પબ્લિકમાં લાવવાનો કોઈ અર્થ નથી. ગોવિંદા ભલે આ મુદ્દે કંઈ ના બોલે, કંઈ રિએક્ટ ના કરે, પરંતુ મને બહુ જ ગુસ્સો આવે છે. તેના વગર પણ અમારો શો હિટ થાય જ છે અને આ પણ થશે.'

સુનીતા અહીં નહોતી અટકી, તેણે કૃષ્ણા અભિષેક પર ગુસ્સો વ્યક્ત કરતાં આગળ કહ્યું હતું, 'તેની કોમિક ટેલન્ટ માત્ર તેના મામા ગોવિંદાના નામ સુધી જ સીમિત છે. તે હંમેશાં કહે છે કે મારા મામા આ ને મારા મામા આ. શું તે એટલો ટેલન્ટેડ નથી કે મામાના નામનો ઉપયોગ કર્યા વગર શો હિટ કરાવી શકે?

શું છે વિવાદ?
2018માં કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે સો.મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે કેટલાક લોકો પૈસા માટે નાચે છે. આ પોસ્ટ પર સુનીતાએ કહ્યું હતું કે આ પોસ્ટ તેના પતિ ગોવિંદા વિરુદ્ધ કરવામાં આવી છે. ત્યાર બાદ ગોવિંદા-સુનીતાએ કૃષ્ણા-કાશ્મીરા સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. સુનીતાએ કહ્યું હતું કે છેલ્લાં 3 વર્ષમાં ટેન્શન એ હદે વધી ગયું કે સમાધાનનો કોઈ સવાલ જ નથી. તમે પરિવારના નામ પર અપમાન ના કરી શકો અને ખોટો ફાયદો ઉઠાવી ના શકો. તેમણે કૃષ્ણા અભિષેકનું લાલન-પાલન કરીને મોટો કર્યો છે. જો તેણે સાસુના અવસાન બાદ કૃષ્ણાને ઘરમાંથી હાંકી કાઢ્યો હોત? જેણે મોટા કર્યા તેની સામે જ તે બોલવા લાગ્યો. તે બસ એટલું જ કહે છે કે આ વિવાદ ક્યારેય પૂરો નહીં થાય. હવે તે કૃષ્ણાનું મોં જોવા માગતી નથી.