ચુસ્ત-દુરસ્ત એક્ટર મોડલનું જિમમાં મોત:46 વર્ષીય સિદ્ધાંત સૂર્યવંશીને જિમમાં વર્કઆઉટ કરતા સમયે હાર્ટ-અટેક આવ્યો, 'કસૌટી જિંદગી કી' સિરિયલથી ફેમસ થયો હતો

મુંબઈ20 દિવસ પહેલા

ટીવી એક્ટર સિદ્ધાંતનું આજે એટલે કે 11 નવેમ્બરના રોજ સવારે જિમમાં વર્કઆઉટ કરતા સમયે મોત થયું હતું. સિદ્ધાંતને પહેલા જિમ વન અબોવમાં ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો. ત્યાર બાદ ટ્રેનર્સ તથા અન્ય સભ્યોએ તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે ભાનમાં ના આવતાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલાં રાજુ શ્રીવાસ્તવ, દીપેશ ભાનનું પણ જિમમાં વર્કઆઉટ કર્યા બાદ અવસાન થયું હતું. નોંધનીય છે કે સિદ્ધાંત ઇન્ડસ્ટ્રીમાં પોતાની ફિટનેસ અંગે જાણીતો હતો. સિદ્ધાંતના આકસ્મિક અવસાન બાદ ઇન્ડસ્ટ્રીના સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

કોકિલાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
ત્યાર બાદ સિદ્ધાંતને તાત્કાલિક કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટર્સે એક કલાક સુધી સિદ્ધાંતની સારવાર કરી હતી, પરંતુ 12.31 વાગે ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાંતના મોત બાદ ટીવી એક્ટર જય ભાનુશાલીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. ટીવી એક્ટર જય ભાનુશાલીએ સો.મીડિયામાં સિદ્ધાંતની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'બહુ જ જલદી જતો રહ્યો....'

મિત્રો અને પરિવાર હોસ્પિટલમાં
હોસ્પિટલમાં સિદ્ધાંત સૂર્યવંશીનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ હોસ્પિટલે ઓશીવારા પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરી હતી. ઓશીવારા પોલીસ હોસ્પિટલમાં ફોર્માલિટી પૂરી કરીને બૉડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જશે. હોસ્પિટલમાં ટીવી એક્ટર અક્ષય ડોગરા, વિશ્વપ્રીત કૌર, આરતી સિંહ, ફેશન ડિઝાઇનર રોહિત વર્મા તથા પરિવાર હોસ્પિટલમાં છે.

આવતીકાલે અંતિમ સંસ્કાર થાય તેવી શક્યતા
માનવામાં આવે છે કે સિદ્ધાંતના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે 12 નવેમ્બરના રોજ પવનહંસ હિંદુ સ્મશાનમાં થશે.

જય ભાનુશાલીની સો.મીડિયા પોસ્ટ
જય ભાનુશાલીની સો.મીડિયા પોસ્ટ

સિદ્ધાંતે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તે આનંદ સૂર્યવંશીના નામથી પણ જાણીતો હતો. સિરિયલ 'કુસુમ'થી તેણે ટીવી ડેબ્યુ કર્યું હતું. સિદ્ધાંતે વિવિધ ટીવી શોમાં કામ કર્યું છે, 'કસૌટી જિંદગી કી', 'કૃષ્ણા અર્જુન', 'ક્યા દિલ મેં હૈ' સામેલ છે. સિદ્ધાંતના છેલ્લા ટીવી શો 'ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી' તથા 'જિદ્દી દિલ' હતા.

લગ્નજીવનનાં 15 વર્ષ બાદ ડિવોર્સ થયા ને બીજા લગ્ન કર્યાં
1975માં જન્મેલા સિદ્ધાંતે વર્ષ 2000માં ઈરા સાથે લગ્ન કર્યા હતા. જોકે 2015માં બંને અલગ થઈ ગયાં હતાં. સિદ્ધાંત તથા ઈરાને એક દીકરી ડીઝા છે. 2017માં સિદ્ધાંતે એલિસા રાઉત સાથે લગ્ન કર્યા હતા. એલિસાના પણ આ બીજા લગ્ન છે. એલિસાને પહેલાં લગ્નથી એક દીકરો છે.

બીજી પત્ની સાથે સિદ્ધાંત. એલિસા સુપરમોડલ છે.
બીજી પત્ની સાથે સિદ્ધાંત. એલિસા સુપરમોડલ છે.

કોણ છે સિદ્ધાંતની બીજી પત્ની?
સિદ્ધાંતે 2017માં સુપરમોડલ એલિસા સાથે બીજા લગ્ન કર્યા હતા. એલિસાનો જન્મ મોસ્કોમાં થયો છે. તેના પિતા ભારતીય તથા માતા રશિયન છે. એલિસા જન્મી ભલે રશિયામાં હોય, પરંતુ તે મોટી મુંબઈમાં થઈ છે. તેણે મીઠીબાઈ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. એલિસાની બહેન અંજલિ પણ મોડલ છે. એલિસાએ રશિયન ઇકોનોમિસ્ટ એલેક્ઝાન્ડર યાનોવસ્કી સાથે લગ્ન કર્યા હતા. તે લગ્ન બાદ મોસ્કો જતી રહી હતી. આ લગ્નથી તેને એક દીકરો માર્ક છે. કમનસીબે આ લગ્ન બહુ લાંબુ ટક્યા નહોતા. એલેક્ઝાન્ડર તથા એલિસાના ડિવોર્સ થઈ ગયા અને એલિસા દીકરા સાથે ભારત પરત ફરી હતી.

દીકરી તથા દીકરા (બીજી પત્નીના) સાથે સિદ્ધાંત. એક્ટરને દીકરી પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. તેણે પોતાના ડાબા હાથ પર દીકરીના નામનું ટેટુ બનાવ્યું હતું.
દીકરી તથા દીકરા (બીજી પત્નીના) સાથે સિદ્ધાંત. એક્ટરને દીકરી પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. તેણે પોતાના ડાબા હાથ પર દીકરીના નામનું ટેટુ બનાવ્યું હતું.

સપ્ટેમ્બરમાં સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી
સિદ્ધાંતે સપ્ટેમ્બર મહિનામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સ્લો મોશન વીડિયો હતો. ત્યારબાદ સિદ્ધાંતે એક પોસ્ટ શૅર કરી હતી અને તેમાં તેણે ફૂડ સપ્લિમેન્ટ્સની જાહેરાત કરી હતી. સિદ્ધાંતે 10 સપ્ટેમ્બરે દીકરી ડિઝાનો 18મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.

કો-સ્ટાર્સે સિદ્ધાંતને શ્રદ્ધાંજલિ પાઠવી ​​​​​
સિરિયલ 'જિદ્દી દિલ માને ના'માં સિદ્ધાંત તથા અંગત હસીજાએ સાથે કામ કર્યું હતું. અંગદે સિદ્ધાંતના મોત બાદ કહ્યું હતું, 'સિદ્ધાંતની વાત જાણ્યા બાદ સૌથી પહેલાં મનમાં એ વિચાર આવ્યો કે તમે ગમે તેટલા ફિટ હો, જે થવાનું છે તે થઈને જ રહે છે. સિદ્ધાંત પોતાની ફિટનેસનું બહુ જ ધ્યાન રાખતો હતો. તે પોતાના ડાયટ અંગે ચોક્કસ હતો. મેં તેના અંગે જેટલું પણ જાણ્યું છે, સાંભળ્યું છે તેમાં એક જ વાત સામે આવી હતી કે તે પોતાની ફિટનેસ પર બહુ જ કામ કરતો હતો. આજે આમ અચાનક હાર્ટ અટેકને કારણે તેનું મોત થયું તે સાંભળીને મને આંચકો લાગ્યો છે.'

કુનાલ કરન કપૂરે પણ 'જિદ્દી દિલ માને ના'માં સિદ્ધાંત સાથે કામ કર્યું હતું. કુનાલે કહ્યું હતું, 'સિદ્ધાંત સારો વ્યક્તિ હતો. હજી સુધી વિશ્વાસ નથી થતો કે તે આ રીતે જતો રહ્યો છે. સેટ પર ફિટનેસની વાત આવે તો તે અમારા માટે પ્રેરણારૂપ હતો. અમે બધા તેનાથી મોટિવેટ થતા હતા. તે ક્યારેય જિમમાં જવાનું ભૂલતો નહતો. તે ગમે તેટલો થાકેલો કેમ ના હોય, પરંતુ તે જિમમાં અચૂક જતો. આ વાત માન્યામાં આવે એવી નથી.'

થોડાં સમય પહેલાં રાજુ શ્રીવાસ્તવનું અવસાન થયું હતું
21 સપ્ટેમ્બરના રોજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે નવી દિલ્હીની AIIMS હોસ્પટિલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ 10 ઓગસ્ટથી વેન્ટિલેટર પર હતા. આ 42 દિવસમાં તેમની તબિયતમાં ઉતાર-ચઢાવ આવ્યો હતો. નોંધનીય છે કે રાજુ શ્રીવાસ્તવ દિલ્હીની હોટલના જિમમાં ટ્રેડ મિલ પર ચાલતા હતા અને એ સમયે હાર્ટ-એટેક આવ્યો હતો.

આ વર્ષે જુલાઈમાં 'ભાભી જી ઘર પર હૈ'માં મલખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા, બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ફરજ પરના ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા. દીપેશ ભાન જિમમાંથી વર્કઆઉટ કર્યા બાદ ફ્લેટની નીચે ક્રિકેટ રમતા હતા. સિરિયલમાં છોકરીઓને ફ્લર્ટ કરનાર દીપેશ ભાન અસલ જિંદગીમાં પરિણીત હતા. તેમનાં લગ્ન 2019માં દિલ્હીમાં થયા હતા. જાન્યુઆરી 2021માં દીપેશ એક બાળકના પિતા બન્યા હતા. દીપેશે 'ભાભી જી ઘર પર હૈ' પહેલાં 'કોમેડી કિંગ કૌન', 'કોમેડી ક્લબ', ' ભૂતવાલા સિરિયલ', 'FIR' સહિત અનેક શોમાં કામ કર્યું હતું. 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફાલતુ ઉટપટાંગ ચટપટી કહાની'માં પણ દીપેશે કામ કર્યું હતું. આ સાથે જ એક્ટર આમિર ખાન સાથે T-20 વર્લ્ડ કપની જાહેરાતમાં પણ કામ કર્યું હતું.

આ એક્ટર્સનું પણ હાર્ટ-એટેકને કારણે મોત થયું
સિદ્ધાંત સૂર્યવંશી, દીપેશ ભાન તથા રાજુ શ્રીવાસ્તવ પહેલાં ઘણા સેલેબ્સ હાર્ટ-એટેકને કારણે મોતને ભેટ્યા છે. સિદ્ધાર્થ શુક્લા, સિંગર કેકે, કન્નડ સ્ટાર પુનિત રાજકુમાર, રાજ કૌશલ, અમિત મિસ્ત્રી, રાજીવ કપૂર, તમિળ એક્ટર વિવેકનું પણ હાર્ટ-એટેકને કારણે મોત થયું હતું.

યુવાનોમાં હાર્ટ અટેક કેટલો કોમન?
હૃદયરોગથી વિશ્વભરમાં દર વર્ષે 1.7 કરોડ લોકો મૃત્યુ પામે છે. ભારતમાં લગભગ 30 લાખ લોકો દર વર્ષે કાર્ડિયો વાસ્ક્યુલર બીમારીઓનો ભોગ બને છે. તેમાં સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દેશમાં હાર્ટ એટેકના કુલ કેસોમાં 50% કેસ 50 વર્ષથી ઓછી ઉંમરના અને 25% લોકો 40 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે. 2000થી 2016ની વચ્ચે દર વર્ષે આ યુવા વય જૂથમાં હાર્ટ એટેકના દરમાં 2%નો વધારો થયો છે.

પ્રીમેચ્યોર હાર્ટ અટેકના લક્ષણો શું છે?
ઘણા કિસ્સાઓમાં, એવું જોવામાં આવ્યું છે કે કોઈ પણ લક્ષણ વગર અચાનક હાર્ટ અટેક આવી જાય છે અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ થઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં, હાર્ટ અટેક પહેલા લક્ષણો દેખાય છે. જેમ કે છાતીમાં દુખાવો, ભારેપણું, એસિડિટી જેવું મહેસૂસ થવું, ડાબા ખભા અથવા ડાબા હાથમાં દુખાવો થવો, શ્વાસ લેવામાં તકલીફ.

યુવાનોમાં હાર્ટ અટેકના કયા ફેક્ટર્સ છે?
તમાકુનો ઉપયોગ હાર્ટની બીમારી થવા માટેના સૌથી મોટા જોખમી પરિબળોમાંનું એક છે. 30થી 44 વર્ષની વયના લોકોમાં 26% હાર્ટની બીમારી તમાકુના ઉપયોગના કારણે થાય છે. સાથે જ ખરાબ ઊંઘની પેટર્ન અને તણાવથી આ સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. ભારતમાં 7 કરોડથી વધુ લોકોને ડાયાબિટીસ છે. તેમાં ઘણા યુવાનોનો પણ સમાવેશ થાય છે. તેનાથી ભારતીય વસ્તીમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

હાર્ટ અટેકથી કેવી રીતે બચવું?
લાઈફસ્ટાઈલમાં ફેરફારથી પ્રીમેચ્યોર હાર્ટ અટેકના જોખમને અમુક હદ સુધી ઘટાડી શકાય છે. વોકિંગ, સાઈકિલિંગ, જોગિંગ અને સ્વિમિંગ કરવાથી હાર્ટ અટેકનું જોખમ 30% સુધી ઘટાડી શકાય છે. દરરોજ ઓછામાં ઓછા 10 હજાર સ્ટેપ્સ ચાલવા જોઈએ. જંક ફૂડની જગ્યાએ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ, જેમાં શાકભાજી, ફળ, ડ્રાયફ્રૂટ્સ, સોયા અને લો ફેટ ડેરી પ્રોડક્ટ્સ સામેલ હોય. ફાસ્ટ ફૂડ, ચિપ્સ, બિસ્કિટ વગેરેમાં ટ્રાન્સફેટી એસિડનો ઉપયોગ થાય છે, તેથી તેનાથી બચવું જોઈએ.

તમાકુ અને દારૂનું સેવન કરવાનું ટાળવું. ટાઈમ મેનેજમેન્ટ શીખવું જોઈએ. અત્યારે લોકો લેપટોપ અને ડેસ્ક પર વધારે સમય પસાર કરે છે તેથી યોગ અને એક્સર્સાઈઝ હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે ઉપરાંત સાવચેતી ખૂબ જ જરૂરી છે. યુવાનોએ નિયમિત રીતે પોતાના હૃદયની તપાસ કરાવવી જોઈએ, જેથી સમયસર બ્લોકેજ વિશે જાણી શકાય.

વધુ પડતી એક્સરસાઇઝ પણ હાર્ટ-અટેકનું કારણ
ગુજરાતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ તરીકે આગવી ઓળખ ધરાવનારા ડૉ. ધીરેન શાહે ફિલ્મ સ્ટાર્સને એક્સરસાઇઝ સમયે કેમ હાર્ટ-એટેક આવે છે, તે વાત સમજાવતા કહ્યું હતું, ‘અહીંયાં એક સૌથી મહત્ત્વની બાબત સ્ટ્રેસ ફેક્ટર છે. બોલિવૂડ સેલેબ્સ જે-તે લેવલે પહોંચવા માટે ઘણી જ મહેનત કરે છે અને ત્યાં ટકી રહેવા માટે તેમણે ઘણી મહેનત કરવી પડતી હોય છે. આ બધામાં તેમને પુષ્કળ સ્ટ્રેસ થાય છે. દેખાદેખીમાં તેઓ એક્સરસાઇઝ પોઇન્ટ ઓફ વ્યૂથી ઓવર સ્ટ્રેચ કરી નાખે છે. દરેક બૉડીની એક લિમિટેશન હોય છે. બૉડી પાસે વધુ એક્સરસાઇઝ કરાવો તો સ્ટ્રેસ વધે છે અને હાર્ટ-એટેકનું પ્રમાણ વધે છે. બધું જ માપસર કરવામાં આવે તો તે યોગ્ય છે.’

અન્ય સમાચારો પણ છે...