ખાસ વાતચીત:'KBC 12'ની 4 કરોડપતિ મહિલાઓએ ભાસ્કર સાથે પોતાના અનુભવ શૅર કર્યા, 22 જાન્યુઆરીએ લાસ્ટ એપિસોડ ટેલિકાસ્ટ થશે

મુંબઈ9 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો ક્વિઝ બેઝ્ડ શો 'કૌન બનેગા કરોડપતિ' (KBC 12)નો લાસ્ટ એપિસોડ 22 જાન્યુઆરીના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે. લાસ્ટ એપિસોડ 12 જાન્યુઆરીના રોજ પરમવીર ચક્ર વિજેતા સૂબેદાર મેજર યોગેન્દ્ર સિંહ યાદવ તથા સૂબેદાર સંજય કુમાર સાથે શૂટ કરવામાં આવ્યો છે. 4 મહિલા કરોડપતિ તથા તેની પ્રેરણાદાયક વાતોએ KBCની આ સિઝનમાં સેટબેકનો જવાબ કમબેકથી આપ્યો. ફાઈનલ એપિસોડના ખાસ પ્રસંગે આ ચાર મહિલાઓએ દિવ્ય ભાસ્કર સાથે KBC 12ના પોતાના અનુભવ શૅર કર્યા હતા.

રાંચીની નાઝિયા નસીમઃ પહેલી કરોડપતિ

'કૌન બનેગા કરોડપતિ' અનેક લોકો માટે એક સપનું છે. 20 વર્ષની લાંબી રાહ જોયા બાદ મારું આ સપનું સાચું પડ્યું. આ સપનું સાચું પડ્યું અને સિઝનની પહેલી કરોડપતિ બનવું મારા માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. તે ક્ષણને ક્યારેય ભૂલી શકીશ નહીં અને તેનાથી વધારે અમિતાભ બચ્ચનને મળવાનો અનુભવ ખાસ રહ્યો. આટલા મોટા વ્યક્તિ હોવા છતાંય જે પ્રેમ અને સ્નેહ તેમના તરફથી મળ્યો તે કોઈ સપનાથી ઓછું નથી. ઘણાં લોકો કહે છે કે 2020નું વર્ષ ખરાબ છે, પરંતુ હું ભાગ્યશાળી છું કે 2020નું વર્ષ મારા જીવનમાં સૌથી સ્પેશ્યિલ રહ્યું.'

નાઝિયા નસીમને એક કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલો સવાલ
સવાલઃ આમાંથી કઈ અભિનેત્રીએ ક્યારેક બેસ્ટ પ્લેબેક સિંગરનો નેશનલ ફિલ્મ અવોર્ડ જીત્યો હતો?
ઓપ્શનઃ
A. દીપિકા ચિખલિયા B. રૂપા ગાંગુલી C. નીના ગુપ્તા D. કિરણ ખેર
સાચો જવાબઃ B. રૂપા ગાંગુલી

હિમાચલ પ્રદેશની મોહિતા શર્માઃ બીજી કરોડપતિ

'ચાર વર્ષ પહેલાં જ્યારે સિવિલ સર્વિસની પરીક્ષા આપવા ગઈ હતી, ત્યારે ઘણી જ ભાવુક હતી. KBCની હોટ સીટ પર બેસીને એ જ લાગણી થઈ હતી. આજે જ્યારે શો સાથે જોડાયેલી યાદોને યાદ કરું છું તો ઈમોશનલ થઈ જાઉં છું. અમિતાભ બચ્ચનની સાથે બેસવાની તક મળી તે ઘણી જ ખાસ હતી. આ શોએ મારું જીવન બદલી નાખ્યું. આજે પૂરો પોલીસ વિભાગ મને ઓળખે છે, એક અલગ જ સન્માન મળે છે. મારી કરિયરના શરૂઆતના દિવસમાં આટલું સન્માન મળે તે મારા માટે બહુ જ મોટી વાત છે.'

મોહિત શર્માને એક કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલો સવાલ
સવાલઃ આમાંથી કયા વિસ્ફોટક પદાર્થની પેટન્ટ પહેલી વાર 1898માં જર્મન રસાયણશાસ્ત્રી જ્યોર્જ ફ્રેડરિક હેનિંગે કરાવી હતી અને તેનો પહેલી વાર ઉપયોગ બીજા વિશ્વ યુદ્ધમાં કરવામાં આવ્યો હતો?
ઓપ્શનઃ
A. HMX B. RDX C. TNT D. PETN
સાચો જવાબઃ ‌B. RDX

છત્તીસગઢની અનુપા દાસઃ ત્રીજી કરોડપતિ

'છેલ્લા બે મહિનામાં મારું જીવન પૂરી રીતે બદલાઈ ગયું. જીવનમાં જે ક્યારેય વિચાર્યું નહોતું તે KBCમાં આવ્યા પછી થયું. એક નાનકડા શહેરની સામાન્ય યુવતીને હવે દરેક લોકો ઓળખવા લાગ્યા છે. લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. હવે લોકો મારા વિશે જાણવા માગે છે. પહેલા મારી અવગણના કરતા પરંતુ હવે મારા નામની ચર્ચા થાય છે. જીવનમાં આટલો મોટો ફેરફાર આવશે તેની કલ્પના નહોતી. આ સુખદ અનુભવનો અહેસાસ ઘણો જ સુંદર છે.'

અનુપા દાસને એક કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલો સવાલ
સવાલઃ 18 નવેમ્બર, 1962ના રોજ લદ્દાખના રેઝાંગ લામાં બહાદુરી માટે કોને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા?
ઓપ્શનઃ
A. મેજર ધન સિંહ થાપા B. લેફ્ટનન્ટ કર્નલ અર્દેશિર તારાપોર C. સૂબેદાર જોગિન્દર સિંહ D. મેજર શૈતાન સિંહ
સાચો જવાબઃ D. મેજર શૈતાન સિંહ

મુંબઈની નેહા શાહઃ ચોથી કરોડપતિ

'20 વર્ષથી સપનું જોતી હતી કે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવું છે અને આ વર્ષે સપનું પૂરું થયું. હું પહેલી સ્પર્ધક હતી કે જે ઓડિયન્સમાં બેસીને હોટ સીટ પર બેસવાનું સપનું પૂરી કરી શકી. આટલી મોટી રકમથી જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીશ. અમિતાભ બચ્ચનને મળવાનું સપનું પૂરું થયું. તેમની સાથે જોડાયેલી દરેક યાદો યાદ રહેશે.'

નેહા શાહને એક કરોડ રૂપિયા માટે પૂછવામાં આવેલો સવાલ
સવાલઃ શેનઝોઉ સ્પેસક્રાફટની સ્પેસમાં પહોંચનારા પહેલા ચાઈનીઝ વ્યક્તિ કોણ હતી?
ઓપ્શનઃ
A. નેઈ હેશર્ગ B. યાંગ લિવેઈ C. ફેઈ જુનલોંગ D. જિંગ હાઈપેંગ
સાચો જવાબઃ B. યાંગ લિવેઈ