ટીવી એક્ટ્રેસનું મોત:21 વર્ષીય ચેતના રાજે પાતળી દેખાવા માટે સર્જરી કરાવી, ઓપરેશન બાદ ફેફસાંમાં પાણી ભરાતાં મોત

બેંગલુરુએક મહિનો પહેલા
  • ચેતના રાજે સર્જરી અંગે પેરેન્ટ્સને કોઈ વાત કરી નહોતી

21 વર્ષીય કન્નડ ટીવી એક્ટ્રેસ ચેતના રાજનું પ્લાસ્ટિક સર્જરી બાદ મોત થયું હતું. ચેતના બેંગલુરુની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતી. ચેતના રાજ 16 મેના રોજ સવારે હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. તેણે એ જ દિવસે 'ફેટ ફ્રી' સર્જરી કરાવી હતી. સર્જરી બાદ ચેતનાની તબિયત લથડી હતી. ચેતનાના ફેફસાંમાં પાણી ભરાઈ ગયું હતું.

ચેતનાએ સર્જરી વિશે પેરેન્ટ્સને વાત કરી નહોતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચેતનાએ 16 મેના રોજ સવારે સર્જરી કરાવી હતી. જોકે ચેતનાએ પોતાનાં માતા-પિતાને આ અંગે કોઈ જ વાત કરી નહોતી. તે ફ્રેન્ડ્સ સાથે હોસ્પિટલમાં ગઈ હતી. સાંજે પોસ્ટ સર્જરી કોમ્પ્લિકેશન થયાં હતાં. ચેતનાનાં ફેફસાંમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હતી. ડૉક્ટર્સ ચેતનાને બચાવી શક્યા નહોતા અને ગણતરીની મિનિટમાં ચેતનાનું મોત થયું હતું.

પેરેન્ટ્સનો આક્ષેપ, ડૉક્ટર્સની બેદરકારીએ જીવ લીધો
21 વર્ષીય ચેતનાના પેરેન્ટ્સનો આક્ષેપ છે કે ડૉક્ટર્સની બેદરકારીને કારણે તેમની દીકરીએ જીવ ગુમાવ્યો છે. ચેતનાના પેરેન્ટ્સે નજીકના પોલીસ સ્ટેશનમાં હોસ્પિટલ સામે ફરિયાદ કરી છે. ચેતનાની બૉડી હાલમાં હોસ્પિટલમાં જ છે. પોસ્ટમોર્ટમ માટે રમૈયા હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ચેતના ટીવી સિરિયલ 'ગીતા' તથા 'ડોરેસાની'માં જોવા મળી હતી.

એક્ટ્રેસ યમુના.
એક્ટ્રેસ યમુના.

એક્ટ્રેસ યમુનાએ શ્રદ્ધાંજલિ પાઠવી
એક્ટ્રેસ યમુનાએ ચેતના રાજને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેણે કહ્યું હતું કે આ ઘણા જ આઘાતજનક સમાચાર છે. પ્લાસ્ટિક કે કોઈપણ સર્જરી હંમેશાં આર્ટિફિશિયલ, ફૅક અને કુદરતની વિરુદ્ધમાં હોય છે. તે એટલું જ કહેવા માગશે કે તમે જેવા છો તેવાનો સ્વીકાર કરો. તમે અન્ય કુદરતી ઉપાયોની મદદથી વધુ સારા દેખાઈ શકો છો. વધુમાં 47 વર્ષીય યમુનાએ કહ્યું હતું કે તે આજ સુધી બ્યૂટિપાર્લર ગઈ નથી. તે ઘરે જ ઘરેલુ ઉપચારોથી સ્કીન તથા હેરને સારા બનાવે છે. તે યોગ તથા ભરતનાટ્યમ કરે છે. હેલ્ધી તથા ડિસિપ્લિન્ડ લાઇફસ્ટાઇલને કારણે તમારો દેખાવ ચોક્કસથી બદલાય છે.

મિષ્ટિ મુખર્જી.
મિષ્ટિ મુખર્જી.

સર્જરી કે ડાયટને કારણે આ સેલેબ્સ મોતને ભેટ્યા
આ પહેલાં 2020માં 2 ઓક્ટોબરના રોજ એક્ટ્રેસ મિષ્ટિ મુખર્જીનું કિડની ફેલ થવાને કારણે મોત થયું હતું. 27 વર્ષીય મિષ્ટિ મુખર્જી કિટો ડાયટ પર હતી. આ કારણે તેની કિડની ફેલ થઈ હોવાનું માનવામાં આવે છે.

આરતી અગ્રવાલ.
આરતી અગ્રવાલ.

31 વર્ષીય તેલુગુ ફિલ્મ એક્ટ્રેસ આરતી અગ્રવાલનું નિધન 6 જૂન, 2015ના ન્યૂ જર્સીમાં થયું હતું. આરતી મેદસ્વિતાની સાથે ફેફસાંની બીમારીથી પણ પીડિત હતી. ચરબી ઘટાડવા માટે તેણે મૃત્યુના એક મહિના પહેલાં જ લિપોસક્શન સર્જરી કરાવી હતી. આ સર્જરીથી તેની બોડીમાંથી વધારાની ચરબી હટાવવામાં આવી હતી. જોકે હૈદરાબાદના એક ડૉકટરે તેને સર્જરી ના કરાવવાની સલાહ આપી હતી, પરંતુ તેણે ડૉક્ટરની વાત ન માની. આ સર્જરી બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તે ન્યૂ જર્સીની હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. અહીં વધુ એક ઓપરેશન થવાનું હતું પણ તે અચાનક મોતને ભેટી હતી. આરતીના મૃત્યુ બાદ તેના મેનેજરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે તે મેદસ્વિતા અને ફેફસાંની બીમારી સામે લડી રહી હતી. આ દરમિયાન તેને હાર્ટ-અટેક આવ્યો અને ડૉક્ટર્સ તેને બચાવી શક્યા નહીં.

રાકેશ દીવાના.
રાકેશ દીવાના.

રાકેશ દીવાનાએ એપ્રિલ 2014માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી. ત્યાર બાદ તેનું મૃત્યુ થયું હતું. રાકેશે 'મહાદેવ', 'રામાયણ' જેવી ટીવી સિરિયલ અને 'રાઉડી રાઠોડ', 'ડબલ ધમાલ' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. 48 વર્ષની ઉંમરે સર્જરી કરાવી હતી. શરૂઆતમાં સર્જરી સફળ થઈ હોય તેમ લાગ્યું હતું, પરંતુ 4 દિવસ પછી બ્લડપ્રેશર વધવાને કારણે મોત થયું હતું.