'તારક મહેતા...'ની જૂની સોનુની રોડ ટ્રિપ:20 વર્ષીય નિધિ ભાનુશાલી દેશભ્રમણ માટે નીકળી, કહ્યું- આ સહેલું નથી, રોજ નવા નવા પડકારોનો સામનો કરવો પડે છે, રોજ જાતે રસોઈ બનાવું છું

મુંબઈ4 મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • નિધિ ભાનુશાલી મિત્ર સાથે રોડ ટ્રિપ પર નીકળી છે
  • નિધિએ રોડ ટ્રિપ માટે નવી કાર પણ ખરીદી

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફૅમ નિધિ ભાનુશાલી મુંબઈથી લેહ લદ્દાખ રોડ ટ્રિપ માટે નીકળી છે. માત્ર 20 વર્ષની ઉંમરમાં નિધિએ દેશ ભ્રમણ કરવાનું વિચાર્યું છે. નિધિએ લૉકડાઉનમાં મેન્ટલ હેલ્થ ખરાબ થતાં તેણે આ નિર્ણય લીધો હતો.ઉલ્લેખનીય છે કે તેની સાથે ટ્રિપ પર તેનો ખાસ મિત્ર તથા તેનો ડૉગી છે.

દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં નિધિએ કહ્યું હતું, 'હું હંમેશાંથી વિચારતી હતી કે આપણાં દેશના ખૂણે-ખૂણામાં અનેક ખૂબીઓ છે. મારા આ બધું એક્સપ્લોર કરવું હતું. લૉકડાઉન દરમિયાન આપણે તમામ ઘરે બેઠાં હતાં. ક્યાંક ને ક્યાંક ઘરના ખૂણામાં બેસી રહેવાને કારણે મારી મેન્ટલ હેલ્થ પર અસર થઈ હતી. સાચું માનો તો મેં આ ટ્રિપ અંગે વધુ વિચાર્યું નહોતું. મને એડવેન્ચર પસંદ છે. આથી જ મેં બહુ વિચાર્યું નહીં અને દેશભ્રમણ પર નીકળી પડી. શરૂઆતમાં હું માત્ર મુંબઈ શહેરથી દૂર જવા માગતી હતી. આ માહોલમાંથી મારે કોઈ પણ રીતે બહાર નીકળવું હતું.'

નિધિની આ ટ્રિપ બેથી ત્રણ મહિના ચાલશે
નિધિની આ ટ્રિપ બેથી ત્રણ મહિના ચાલશે

કુકિંગ પણ કરે છે
નિધિએ પોતાની ટ્રિપ અંગે કહ્યું હતું, 'મેં કેમ્પિંગ સાથે જોડાયેલો દરેક સામાન મારી પાસે રાખ્યો છે. ભોજનથી લઈ કપડાં સુધી, બેઝિક જરૂરિયાતની દરેક વસ્તુ હું સાથે લઈને નીકળી છું. આ રીતે રોડ ટ્રિપ કરવી સહેલી નથી. રોજ કોઈને કોઈ નવા પડકારનો સામનો કરવો પડે છે. ક્યારેક વાતાવરણ બદલાઈ જાય છે તો ક્યારેક રહેવા માટે યોગ્ય જગ્યા મળતી નથી. રોજ કેમ્પ લગાવવો સરળ નથી. મેં મારા જીવનમાં ક્યારેય રસોઈ બનાવી નહોતી, પરંતુ આ ટ્રિપ દરમિયાન મારે રોજ મારું ભોજન જાતે બનાવવું પડે છે. પડકારોથી ભરપૂર એડવેન્ચરને એન્જોય કરી રહી છું.'

ડૉગીનું ખાસ ધ્યાન રાખે છે
ઉલ્લેખનીય છે કે નિધિ પોતાની સાથે ડૉગીને પણ લઈ ગઈ છે. આ અંગે તેણે કહ્યું હતું, 'હું મારા ડૉગીને ઘણો જ પ્રેમ કરું છું. સાચું કહું તો હું શબ્દોમાં આ લાગણીને વ્યક્ત કરી શકતી નથી કે તે આ ટ્રિપ દરમિયાન કેટલી ખુશ છે. મેં અને મારા મિત્રે ડૉગીની જવાબદારી વહેંચી લીધી છે. સામાન્ય રીતે અમે દિવસમાં એક કે બેવાર તેને ઘરની આસપાસ ચક્કર મરાવવા લઈ જતા હતા. જોકે, મારી ઈચ્છા હતી કે હું મારા ડૉગીને અનેક જગ્યાએ લઈને જઈશ. મને લાગે છે કે તે પોતાનું પૂરું જીવન અત્યારે જીવી રહી છે.

ટ્રિપ દરમિયાન તે ગુજરાત પણ આવી હતી
ટ્રિપ દરમિયાન તે ગુજરાત પણ આવી હતી

ટ્રાવેલિંગમાં કરિયર બનાવવાની ઈચ્છા
વાતચીતમાં નિધિએ એમ કહ્યું હતું, 'મને ટ્રાવેલિંગ ઘણું જ પસંદ છે અને હું આમાં મારી કરિયર બનાવવા ઈચ્છું છું. ટૂંક સમયમાં હું મારી પોતાની યુ ટ્યૂબ ચેનલ શરૂ કરીશ. અહીંયા હું મારા ટ્રાવેલિંગ અનુભવો શૅર કરીશ. હાલમાં હું મારી આ રોડ ટ્રિપની ડોક્યુમેન્ટ્રી બનાવીશ. મને આશા છે કે મારું કામ લોકોને ટ્રાવેલ કરવા માટે પ્રેરણા આપશે.

મમ્મી પુષ્પા સાથે નિધિ
મમ્મી પુષ્પા સાથે નિધિ

રોડ ટ્રિપ માટે ખાસ નવી કાર ખરીદી
નિધિની મમ્મી પુષ્પા ભાનુશાલીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'ટ્રિપ પર નિધિ પોતાની જૂની કાર લઈ જવા માગતી નહોતી. આથી જ તેણે હોન્ડા WRV કાર ખરીદી હતી. કારને પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવી હતી. સાચું કહું તો શરૂઆતમાં જ્યારે નિધિએ મને આ ટ્રિપ અંગે જણાવ્યું તો મને ઘણું જ ટેન્શન થઈ ગયું હતું, પરંતુ મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. 'તારક મહેતા..' છોડ્યા બાદ 5-6 એડવેન્ચર ટ્રિપ કરી છે. જોકે, આ ટ્રિપ અત્યાર સુધીની સૌથી લાંબી ટ્રિપ છે. હું રોજ તેની સાથે વાત કરું છું.' ઉલ્લેખનીય છે કે નિધિએ ખરીદેલી હોન્ડા WRV કાર સામાન્ય રીતે 8થી 11 લાખની આવે છે અને કસ્ટમાઈઝ કરાવવાનો અલગ ખર્ચ થાય છે.

છ વર્ષ સુધી સિરિયલમાં કામ કર્યું
નિધિ 12 વર્ષની હતી ત્યારે તેણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુનું પાત્ર ભજવવાની શરૂઆત કરી હતી. નિધિ પહેલાં સોનુનું પાત્ર ઝીલ મહેતા પ્લે કરતી હતી. ઝીલે વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો. નિધિ 18 વર્ષની થઈ ત્યારે તેણે આ શો છોડી દીધો હતો. તેણે પણ અભ્યાસ માટે જ આ શો છોડવાનો નિર્ણય કર્યો હતો. નિધિએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં અભ્યાસ કર્યો છે.

નિધિને ડિરેક્શનનો ઘણો જ શોખ છે
નિધિને ડિરેક્શનનો ઘણો જ શોખ છે

સિરિયલ છોડ્યા બાદ એક પણ એપિસોડ જોયા નથી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નિધિએ જ્યારથી 'તારક મહેતા..' સિરિયલ છોડી છે ત્યારબાદથી તેણે એક પણ એપિસોડ જોયો નથી. નિધિના સ્થાને હાલમાં પલક સિધવાણી સિરિયલમાં સોનુનું પાત્ર ભજવી રહી છે. નિધિએ કહ્યું હતું કે પલક ઘણી જ સારી છોકરી છે અને તેઓ ઘણીવાર બહાર સાથે ગયા છે. જોકે, તેણે હવે સિરિયલનો એક પણ એપિસોડ જોયો નથી. નિધિ ભાનુશાલી ફિલ્મમેકર બનવા માગે છે. જોકે, તે ટીવી કે બોલિવૂડમાં એક્ટ્રેસ તરીકે કામ કરવા તૈયાર છે.