હજુ થોડાં અઠવાડિયાંઓ પહેલાં જ વરુણ ધવનને ચમકાવતી ‘લક્સ કોઝી’ બ્રાન્ડના અન્ડરવેરની ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટ વિશે એવો વિવાદ થયેલો કે કંપનીઓએ છેક કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે જે કંપની લક્સ કોઝીને કોર્ટમાં ઢસડી ગઈ હતી તે ‘અમુલ માચો’ બ્રાન્ડનેમથી પુરુષોનાં અન્ડરગારમેન્ટ્સ વેચતી જે.જી. હોઝિયરી પ્રા.લિ. કંપનીની નવી ટીવી એડથી તાજો વિવાદ પેદા થયો છે. આ નવી એડમાં બોલિવૂડના સુપરસ્ટાર વિકી કૌશલ અને તેલુગુ ઇન્ડસ્ટ્રીની હાર્ટથ્રોબ અભિનેત્રી રશ્મિકા મંદાના દેખાય છે. આ એડ રિલીઝ થતાંવેંત ચારેકોરથી ‘શરમ કરો... શરમ કરો’ના પોકારો થવા માંડ્યા છે.
એવું તે શું છે આ એડમાં?
‘યે તો બડા ટોઇંગ હૈ’ કેચલાઇનથી રિલીઝ થયેલી ‘માચો સ્પોર્ટો’ અન્ડરવેરની આ એડમાં રશ્મિકા મંદાના ફિટનેસ કોચ છે અને તે પોતાના ક્લાસમાં વિકી કૌશલ સહિતના લોકોને એક્સર્સાઇઝ કરાવી રહેલી દેખાય છે. તેમાં એને વિકી કૌશલના અન્ડરવેરનો બ્રાન્ડનેમવાળો ઉપરનો ભાગ દેખાય છે અને તે તરત જ મોહી પડે છે. 1, 2, 3 પછી 4 કાઉન્ટ કરવાને બદલે 3.1, 3.2, 3.3 ગણવા માંડે છે (જેથી અન્ડરવેર દેખાડતી પોઝિશનમાં વિકી કૌશલ ઊભો રહે અને એને અન્ડરવેર લાંબા સમય સુધી દેખાતો રહે). ઇવન એડના અંતે પણ તે યોગા મેટ સહિતનો સામાન કબાટમાં ઊંચે મૂકી દે છે, જેથી તેને ફરીથી વિકી કૌશલનું અન્ડરવેર દેખાય. વિકી કૌશલ પણ બંને વખતે તેની આ હરકત પાછળનો ઉદ્દેશ સમજી જાય છે અને તે ખુશી ખુશી પોતાના અન્ડરવેરનો ઉપરનો સ્ટ્રેપ દેખાય તે તેરી પોતાના હાથ ઊંચા કરે છે.
લોકો શું કહી રહ્યા છે?
સોશિયલ મીડિયા પર દરેક મુદ્દે કમેન્ટ કરવા ઉત્સુક રહેતા યુઝર્સ હવે આ એડ પર અને સરવાળે તેમાં દેખાતાં સ્ટાર્સ પર રોષ ઠાલવી રહ્યા છે. તેમનો સૂર એવો છે કે આ એડ અશ્લીલ છે, અશ્લીલતાને ગ્લોરિફાય કરે છે અને સ્ટાર્સ પૈસા માટે સાવ છેલ્લા પાટલે બેસી ગયા છે. ઘણી બધી કમેન્ટ્સ એવી પણ છે કે આ જ પ્રકારની એડમાં પાત્રોની જેન્ડર રિવર્સ કરી નાખો અને પુરુષ સ્ત્રીનું અન્ડરગારમેન્ટ જોવા માટે આ પ્રકારની હરકત કરે એવી એડ બનાવી હોય તો? વિચારો, એ સ્થિતિમાં કેવાં છાજિયાં લેવાતાં હોત? યુઝર્સના મતે આ એડ સ્પષ્ટપણે મેલ હેરેસમેન્ટ અને વલ્ગારિટીને ગ્લોરિફાય કરે છે.
એડ બનાવનારી કંપની શું કહે છે?
‘માચો સ્પોર્ટો’ની આ વિવાદાસ્પદ એડ લિયો બર્નેટ નામની જૂની ને જાણીતી એડ એજન્સીએ બનાવી છે. ત્રણ એડની સિરીઝ તરીકે રિલીઝ થયેલી આ એડ, તેમના કહેવા પ્રમાણે, બોલ્ડ છે, પ્રોગ્રેસિવ છે અને ફીમેલ ગેઝ એટલે કે સ્ત્રીઓની નજરે દુનિયા જોવાની વાતની હાકલ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.