• Gujarati News
  • Entertainment
  • Harish Patel's Wonderful Journey That Made Him World Famous In Marvel 'Eternals' Movie, Which Was Not Given To Him By Bollywood

બોલિવૂડ ટુ હોલિવૂડ:બોલિવૂડે જે હરીશ પટેલને ‘ઇબુ હટેલા’ જેવા ફાલતુ રોલ આપ્યા તેને હોલિવૂડે માર્વેલ ‘ઇટર્નલ્સ’ મૂવીમાં જગવિખ્યાત બનાવ્યા, હરીશની અદભુત સફર

6 મહિનો પહેલા
  • એક સમયે ગાર્મેન્ટનો બિઝનેસ કરનારા એક્ટર હરીશ પટેલ અત્યારે એન્જેલિના જોલી અને સલમા હાયેકની સાથે કામ કરીને દુનિયાભરમાંથી વાહવાહી મેળવી રહ્યા છે

પાંચેક મહિના પહેલાં હોલિવૂડના ‘માર્વેલ સ્ટુડિયોઝ’ દ્વારા પ્રોડ્યુસ થયેલી સુપરહીરો ફિલ્મ ‘ઇટર્નલ્સ’નું ટ્રેલર રિલીઝ થયું. MCU તરીકે ઓળખાતા ‘માર્વેલ સિનેમેટિક યુનિવર્સ’ની ‘અવેન્જર્સ’, ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’, ‘કેપ્ટન અમેરિકા’, ‘સ્પાઇડર મેન’, ‘ઇન્ક્રેડિબલ હલ્ક’ ટાઇપની ફિલ્મોની કરોડો ચાહકો સતત કાગડોળે રાહ જોતા હોય છે. આ ફિલ્મોના ક્રેઝથી અજાણ વાચકોની જાણ સારુ કે બે વર્ષ પહેલાં માર્વેલની ‘અવેન્જર્સ એન્ડગેમ’ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે એની એ હદે ઉત્કંઠા હતી કે મલ્ટિપ્લેક્સોમાં ચોવીસે કલાકના શૉઝ ચલાવવા પડેલા, જેમાં રાત્રે એક-બે વાગ્યાથી લઇને સવારે ચારથી છ વાગ્યાના શૉઝ સામેલ હતા! એ સિરીઝની ‘ઇટર્નલ્સ’ના ટ્રેલરમાં એન્જેલિના જોલી, સલમા હાયેક, કિટ હેરિંગ્ટન (‘ગેમ ઓફ થ્રોન્સ’નો ‘જોન સ્નો’), રિચર્ડ મેડન, કુમૈલ નન્જીયાની જેવા સુપરસ્ટાર્સ ચમકતા હતા. તેમ છતાં આ ટ્રેલરમાં માત્ર બે-ચાર સેકન્ડ માટે દેખાતા એક કલાકારને જોઇને ભારતના સોશિયલ મીડિયામાં હર્ષની ચિચિયારીઓ ઊઠવા માંડી. તેનું કારણ હતું કે તે ટ્રેલરમાં આ સુપરહીરોઝની સાથે આપણા હિન્દી ફિલ્મોના ચરિત્ર અભિનેતા હરીશ પટેલ પણ હતા!

માત્ર અને માત્ર પ્રતિભાના જોરે હરીશ પટેલ બ્રિટન અને હોલિવૂડના ધરખમ સર્જકો સાથે કામ કરતા રહ્યા અને ગ્લોબલ ઓડિયન્સની વાહવાહી મેળવતા રહ્યા.
માત્ર અને માત્ર પ્રતિભાના જોરે હરીશ પટેલ બ્રિટન અને હોલિવૂડના ધરખમ સર્જકો સાથે કામ કરતા રહ્યા અને ગ્લોબલ ઓડિયન્સની વાહવાહી મેળવતા રહ્યા.

હરીશ પટેલ મોટે ભાગે આપણે ત્યાં પરચૂરણ કોમિક અને ખલનાયકોના ટોળામાં દેખાતી ભૂમિકાઓ માટે જ જાણીતા છે. ‘મૈંને પ્યાર કિયા’, ‘મિસ્ટર ઇન્ડિયા’, ‘બોલ રાધા બોલ’, ‘આંખે’, ‘અંદાઝ અપના અપના’, ‘ઇઝ્ઝત’, ‘ઘાતક’ જેવી હિટ ફિલ્મોમાં જેને ‘બ્લિન્ક એન્ડ મિસ’ કહીએ તેવી નાનકડી ભૂમિકાઓ ભજવવા માટે જ યાદ કરવામાં આવે છે. એ સિવાય પણ તેમની હિન્દી ફિલ્મોની ફિલ્મોગ્રાફી ખાસ્સી લાંબી છે, પરંતુ એમાંનો એકેય રોલ એવો નથી કે જેના માટે હરીશ પટેલની ઓળખ આપી શકાય. હા, તેમણે શ્યામ બેનેગલની ‘મંડી’, ‘ભારત એક ખોજ’, ગોવિંદ નિહલાણીની ‘તમસ’, શંકર નાગની ‘માલગુડી ડેય્ઝ’, ‘વાગલે કી દુનિયા’, કેતન મહેતાની ‘મિર્ચ મસાલા’ જેવી ઉમદા કૃતિઓમાં કામ કર્યું છે ખરું.

1998માં આવેલી મિથુન ચક્રવર્તી સ્ટારર ‘બી ગ્રેડ’ ક્રાઇમ ફિલ્મ ‘ગુંડા’માં ‘ઇબુ હટેલા’ નામના મવાલી ડોનની ભૂમિકા ભજવવા માટે હરીશ પટેલ અત્યારની જનરેશનમાં જાણીતા છે. તેનું કારણ એ છે કે ડિરેક્ટર કાંતિ શાહની આ ફિલ્મ ‘ઇટ્સ સો બેડ ધેટ ઇટ્સ ગુડ’ યાને કે એ એટલી ખરાબ છે કે એ જોવાની લિજ્જત આવે તેવી કેટેગરીમાં ‘કલ્ટ’ સ્ટેટસ ભોગવે છે. ખાસ કરીને આ ફિલ્મના જોડકણા છાપ ડાયલોગ્સના વીડિયોઝ ઇન્ટરનેટ પર આજેય લાખો વ્યૂઝ મેળવે છે. અત્યારની જનરેશનની ભાષામાં કહીએ તો હરીશ પટેલનું પાત્ર ઇબુ હટેલા ‘મીમ મટીરિયલ’ બની ચૂક્યું છે.

બોલિવૂડમાંથી હરીશ પટેલ 2004થી ગાયબ હતા. અહીં સૌએ તેમને બેકાર અને ગુમનામીમાં સરી પડેલા એક્ટર માનીને ભુલાવી દીધેલા. એટલે જ અચાનક તેમને હોલિવૂડની સુપરડુપર હિટ સિરીઝમાં મહત્ત્વના રોલમાં જોઇને સૌ મોંમાં આંગળાં નાખી ગયા છે. ખાસ કરીને ત્રણેક દિવસ પહેલાં માર્વેલના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ‘ઇટર્નલ્સ’ ફિલ્મમાં હરીશ પટેલના પાત્ર ‘કરુણ’નું સ્પેશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું, ત્યારથી તેમના વિશે થઈ રહેલા ગણગણાટનું વોલ્યુમ અનેકગણું વધી ગયું છે. ઇવન અમેરિકા ભણતા તેમના પૌત્રએ પણ આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે, ‘દાદુ, તમે MCUની મૂવીમાં આવી ગયા, ગ્રેટ!’

મૂળ મુંબઈના અને મારવાડી હિન્દી સ્કૂલમાં ભણેલા 67 વર્ષના હરીશ પટેલ છેક 1974થી થિયેટરમાં સક્રિય છે. ઇન ફેક્ટ, તેમણે 1967માં આવેલી ‘બૂંદ જો બન ગઈ મોતી’ નામની ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પણ ભૂમિકા ભજવેલી.

કોલેજ કર્યા પછી 1974થી 1982 સુધી હરીશ પટેલ ગાર્મેન્ટ એક્સપોર્ટના બિઝનેસમાં એક્સપોર્ટ મેનેજર તરીકે સક્રિય હતા, પરંતુ તેમની અંદર કલાકારનો જીવ સળવળતો હતો, એટલે તેમણે સાંજના સમયે નાટકો કરવાનું ચાલુ રાખ્યું.

સિનેમામાં તેમની એન્ટ્રી બહુ ઉમદા ડિરેક્ટરે કરાવી. દિગ્ગજ ફિલ્મમેકર શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંડી’માં તેમને પોલીસવાળાની ભૂમિકા મળી અને ત્યાંથી તેમની ફિલ્મી કારકિર્દી શરૂ થઈ.

એક ઇન્ટરવ્યુમાં હરીશ પટેલ ઇમોશનલ થઈને એક રસપ્રદ પ્રસંગ કહે છે, ‘હું એ અરસામાં પૃથ્વી થિયેટરમાં ‘ધ કેરટેકર’ નામનું એક નાટક કરી રહ્યો હતો. નાટક પૂરું થયા પછી શશિ કપૂર મારી પાસે આવ્યા. નાટકમાં મારા અભિનયનાં વખાણ કર્યાં અને બે હાથ જોડીને કહ્યું કે હું એક ફિલ્મ બનાવી રહ્યો છું, તમે એમાં એક્ટિંગ કરશો?’ આટલું બોલતાં બોલતાં હરીશ પટેલની આંખો છલકાઈ ઊઠે છે. એ ફિલ્મ એટલે શશિ કપૂરના પ્રોડક્શનમાં બનેલી, ગિરીશ કર્નાડે ‘મૃચ્છકટિકમ’ નાટક પરથી ડિરેક્ટ કરેલી રેખા સ્ટારર ફિલ્મ ‘ઉત્સવ’. હરીશ પટેલે એમાં ચારુદત્ત (શેખર સુમન)ના મિત્ર ‘મૈત્રેય’ની ભૂમિકા ભજવેલી.

શ્યામ બેનેગલની વિખ્યાત ટેલિવિઝન સિરીઝ ‘ભારત એક ખોજ’ના અનેક એપિસોડ્સમાં હરીશ પટેલે એક્ટિંગ કરી હતી. હરીશ પટેલ બહુ પ્રામાણિકતાથી કબૂલે છે કે તેમણે ભારતના દિગ્ગજ અભિનેતાઓ પાસેથી ઘણું શીખ્યું છે, પરંતુ હિન્દી ફિલ્મોમાં તેમણે માત્ર પૈસા ખાતર જ કામ કરેલું.

પરંતુ ઉમદા એક્ટર હરીશ પટેલે પૈસા માટે પણ ‘ગુંડા’ જેવી તદ્દન ‘સી ગ્રેડ’ ફિલ્મમાં શા માટે કામ કરેલું? જવાબમાં તેઓ કહે છે, ‘એક તો પૈસા માટે. બીજું, એ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, શક્તિ કપૂર જેવા અભિનેતાઓ પણ હતા અને તે ડિરેક્ટર કાંતિ શાહ સાથે ધર્મેન્દ્ર, પરેશ રાવલ પણ કામ કરતા હતા. વળી, તે કાંતિ શાહ દરેક કલાકારને રોજ સાંજે શૂટિંગ પૂરું થયે રોકડમાં પેમેન્ટ કરી દેતા હતા.’

હરીશ પટેલા કરિયરમાં સૌથી મોટો વળાંક આવ્યો 1992માં. તેમને લંડનથી BBCમાંથી કૉલ આવ્યો. તેઓ લેખક હનીફ કુરેશીની ઓટોબાયોગ્રાફિકલ નોવેલ ‘ધ બુદ્ધા ઓફ સબર્બિયા’ પરથી બની રહેલી ટેલિવિઝન સિરીઝમાં ‘ચંગેઝ’ નામના પાત્ર માટે કહેણ આવ્યું. તે લોકોએ ભીષ્મ સહાનીની નોવેલ પરથી બનેલી ‘તમસ’માં હરીશ પટેલનું કામ જોયેલું. એનાથી પ્રભાવિત થઇને આ રોલ ઓફર થયેલો. હરીશ પટેલે તેમને સમજાવવાની કોશિશ કરી કે તેઓ હિન્દી માધ્યમના કલાકાર છે. તે હિન્દીમાં વિચારે છે અને પછી તેનું ઇંગ્લિશ કરીને બોલે છે, પરંતુ તેમણે હરીશને આ રોલ કરવા માટે મનાવી લીધા, જે ખાસ્સો વખણાયો. આ મિની સિરીઝના ડિરેક્ટર હતા જુલિયા રોબર્ટ્સ અને હ્યુ ગ્રાન્ટ સ્ટારર હિટ ફિલ્મ ‘નોટિંગ હિલ’ના ડિરેક્ટર રોજર મિચેલ. આ સિરીઝમાં ‘ભારત એક ખોજ’માં જવાહરલાલ નેહરુનું પાત્ર ભજવવા માટે જાણીતા થયેલા એક્ટર રોશન શેઠ પણ હતા. ત્યારે તેમને લાગ્યું કે કામ કરવાની ખરેખરી જગ્યા તો આ છે!

લંડનના ‘નેશનલ થિયેટર’ અને ‘શેક્સપિયર્સ ગ્લોબ’ બંને માટે એક્ટિંગ કરી ચૂકેલા હરીશ પટેલ એકમાત્ર ભારતીય એક્ટર છે.
લંડનના ‘નેશનલ થિયેટર’ અને ‘શેક્સપિયર્સ ગ્લોબ’ બંને માટે એક્ટિંગ કરી ચૂકેલા હરીશ પટેલ એકમાત્ર ભારતીય એક્ટર છે.

એ પછી તેમનું ફોરેન કરિયર તેજ ગતિએ ટેક-ઓફ થયું. તેમણે ‘માય સન ધ ફેનેટિક’, ‘ચિકન ટિક્કા મસાલા’, ‘ક્વાર્ટરલાઇફ ક્રાઇસિસ’ જેવી ફિલ્મો અને ‘નેવરમાઇન્ડ નિર્વાના’ જેવી ટેલિવિઝન સિરીઝમાં પણ કામ કર્યું. એ વખતે ‘ફ્રેન્ડ્સ’ સિરીઝમાં ‘રોસ’નું પાત્ર ભજવવા માટે જાણીતા એક્ટર ડેવિડ શ્વીમરની ડિરેક્ટોરિયર ડેબ્યુ ફિલ્મ ‘રન ફેટબોય રન’માં પણ એમને કામ કરવાની તક મળી.

કોઇપણ એક્ટરનું ડ્રીમ હોય એવા લંડનના ‘નેશનલ થિયેટર’ અને ચારસો વર્ષ પહેલાં નાટ્યકાર વિલિયમ શેક્સપિયર જેના માટે નાટકો લખતા તે ‘શેક્સપિયર્સ ગ્લોબ થિયેટર’ બંનેમાં એક્ટિંગ કરી ચૂક્યા હોય તેવા હરીશ પટેલ એકમાત્ર એક્ટર છે. નેશનલ થિયેટરમાં તેમણે ‘રફ્તા રફ્તા’ અને શેક્સપિયર્સ ગ્લોબમાં તેમણે ‘રોમિયો એન્ડ જુલિયેટ’ જેવાં નાટકોમાં કામ કરેલું છે.

હરીશ પટેલ NBC, ટ્વેન્ટિએથ સેન્ચુરી ફોક્સ, CBS, ABC, યુનિવર્સલ સ્ટુડિયોઝ, HBO, MGM સ્ટુડિયોઝ જેવાં ગંજાવર પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી ચૂક્યા છે
હરીશ પટેલ NBC, ટ્વેન્ટિએથ સેન્ચુરી ફોક્સ, CBS, ABC, યુનિવર્સલ સ્ટુડિયોઝ, HBO, MGM સ્ટુડિયોઝ જેવાં ગંજાવર પ્રોડક્શન હાઉસ સાથે કામ કરી ચૂક્યા છે

‘અમેઝોન પ્રાઇમ વીડિયો’ પર અત્યારે તેમની સિરીઝ ‘ધ નંબર વન લેડીઝ ડિટેક્ટિવ એજન્સી’, ‘હુલુ’ પર ‘કોરોનેશન સ્ટ્રીટ’ સ્ટ્રીમ થઈ રહી છે. આ ઉપરાંત NBC, ટ્વેન્ટીએથ સેન્ચુરી ફોક્સ, CBS, ABC, યુનિવર્સલ સ્ટુડિયોઝ, HBO, MGM સ્ટુડિયોઝ જેવાં ગંજાવર પ્રોડક્શન હાઉસ સાથે હરીશ પટેલ ‘માય ફ્રીકિન ફેમિલી’, ‘મિસ્ટર સ્ટિંક’, ‘જાદૂ’, ‘ગેંગ્સ્ટા ગ્રેની’, ‘ધ બોય ઇન ધ ડ્રેસ’, ‘મેપ એન્ડ લુસિયા’, ‘બિલ્યનેર બોય’, ‘લાઇસ વી ટેલ’, ‘રેટબર્ગર’, ‘ગ્રાન્ડપાસ ગ્રેટ એસ્કેપ’, ‘ફોર વેડિંગ્સ એન્ડ અ ફ્યુનરલ’ જેવી સિરીઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. આ લાંબીલચક યાદી આપવાનું કારણ એટલું જ કે જેથી હોલિવૂડ અને બ્રિટનની ફિલ્મ-ટીવી ઇન્ડસ્ટ્રી તથા થિયેટરમાં કેટલું બધું વૈવિધ્યસભર કામ કરી રહ્યા છે તેનો ખ્યાલ આવે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ તમામ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સમાં હરીશ પટેલની ભૂમિકા ‘બ્લિન્ક એન્ડ મિસ’ જેવી નહીં, પરંતુ બાકાયદા લખાયેલા મહત્ત્વપૂર્ણ કેરેક્ટરવાળી જ રહી છે.

‘રન ફેટબોય રન’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ‘ફ્રેન્ડ્સ’ ફેમ ડેવિડ શ્વીમર (ડાબેથી બીજા) સાથે હરીશ પટેલ (તસવીર સૌ. ગેટ્ટી ઇમેજિસ)
‘રન ફેટબોય રન’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં ‘ફ્રેન્ડ્સ’ ફેમ ડેવિડ શ્વીમર (ડાબેથી બીજા) સાથે હરીશ પટેલ (તસવીર સૌ. ગેટ્ટી ઇમેજિસ)

હરીશ પટેલ કબૂલે છે કે દર બે-ત્રણ મહિને તેમને લંડન અને અમેરિકા આવાં મોટાં એક્ટિંગ અસાઇનમેન્ટ્સ માટે જવાનું થાય છે, અને તેમને બોલિવૂડમાં કામ કરવાનો સમય કે રસ પણ નથી. હા, વચ્ચે વચ્ચે તેઓ શ્યામ બેનેગલ જેવા દિગ્ગજોની ‘સંવિધાન’ જેવી સિરીઝમાં કામ કરવાની ઑફર આવે તો ના પણ નથી પાડતા.

બોલિવૂડે ક્યારેય હરીશ પટેલની પ્રતિભા પ્રમાણેની ભૂમિકાઓ તેમને ઑફર ન કરી, ‘અંદાઝ અપના અપના’માં નાનકડી ભૂમિકામાં આમિર ખાન સાથે હરીશ પટેલ
બોલિવૂડે ક્યારેય હરીશ પટેલની પ્રતિભા પ્રમાણેની ભૂમિકાઓ તેમને ઑફર ન કરી, ‘અંદાઝ અપના અપના’માં નાનકડી ભૂમિકામાં આમિર ખાન સાથે હરીશ પટેલ

વિદેશની ધરતી પર કરેલાં આ બધાં કામને કારણે હરીશ પટેલને ‘માર્વેલ’ની ‘ઇટર્નલ્સ’માં કામ કરવાની તક મળી. જુલાઈ 2019માં એમને ઑફર આવી, ઑગસ્ટમાં ઑડિશન થયું અને એમને તેડું આવ્યું કે, ‘તમે સિલેક્ટ થઈ ગયા છો, કાલથી સ્ક્રિપ્ટના ટેબલ રીડિંગ માટે આવી જાઓ!’ માંડ માંડ ઇમર્જન્સીમાં ‘એન્ટરટેનર્સ વિઝા’નો વેંત કરીને તેઓ મારતા વિમાને લંડન પહોંચ્યા અને ત્યાંના પાઇનવૂડ સ્ટુડિયોમાં પહોંચી ગયા. ત્યાં તેઓ જમી રહ્યા હતા, ત્યાં તેમના ખભે કોઇએ હળવેકથી હાથ મૂક્યો અને કહ્યું, ‘હેલો હરીશ’. હરીશ પટેલે જોયું તો તે રૂપ રૂપના અંબાર જેવી દિગ્ગજ અભિનેત્રી સલમા હાયેક હતી! એણે કહ્યું કે, ‘કોંગ્રેચ્યુલેશન્સ કે તમે ઇટર્નલ્સમાં કરુણનું પાત્ર ભજવી રહ્યા છો.’ ખાસ્સી વાર પછી એમને ખ્યાલ આવ્યો કે તે સલમા હાયેક હતી! ત્યાં જ તેઓ ફિલ્મની બીજી મુખ્ય એક્ટર એન્જેલિના જોલી પણ મળી.

લંડનના પાઇનવૂડ સ્ટુડિયોઝમાં એક ફ્લોર પર ‘ઇટર્નલ્સ’નું શૂટિંગ ચાલતું હતું અને બાજુના ફ્લોર પર ‘જેમ્સ બોન્ડ’ની લેટેસ્ટ ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઈ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું!

‘ઇટર્નલ્સ’ના ટ્રેલરમાં બે સેકન્ડનો આ શૉટ એવો વાઇરલ થયો કે ચારેકોર હરીશ પટેલની ચર્ચાઓ થવા લાગી, તસવીરમાં પાકિસ્તાની-અમેરિકન એક્ટર કુમૈલ નન્જિયાની સાથે હરીશ પટેલ.
‘ઇટર્નલ્સ’ના ટ્રેલરમાં બે સેકન્ડનો આ શૉટ એવો વાઇરલ થયો કે ચારેકોર હરીશ પટેલની ચર્ચાઓ થવા લાગી, તસવીરમાં પાકિસ્તાની-અમેરિકન એક્ટર કુમૈલ નન્જિયાની સાથે હરીશ પટેલ.

ઇટર્નલ્સ માટે ચર્ચાઓ જાગી એ પછી આપેલા ઇન્ટરવ્યૂઝમાં હરીશ પટેલ પ્રામાણિકતાથી કબૂલે છે કે તે ફિલ્મમાં કામ કર્યા પછી છેક એમને ખબર પડી કે માર્વેલનું આ MCU કેવડી મોટી તોપ છે. અને એમણે તો માર્વેલ્સની એકેય ફિલ્મ જોઈ નથી. ઇન ફેક્ટ, એમણે પોતાની કો-સ્ટાર્સ એવી એન્જેલિના જોલી કે સલમા હાયેકની પણ એકેય ફિલ્મો જોઇ નથી! જેની સાથે તેમણે કામ કર્યું છે તે ઓસ્કર વિનર અભિનેતાઓ કે કસબીઓ છે તેવી પણ તેમને પછીથી ખબર પડી!

‘નોમેડલેન્ડ’ માટે ગોલ્ડનગ્લોબ અને ચાર-ચાર ઓસ્કર અવોર્ડ્સ જીતી ચૂકેલી ફિલ્મની ડિરેક્ટર ક્લોઈ ઝાઓએ જ આ ‘ઇટર્નલ્સ’ ડિરેક્ટ કરી છે અને એ અત્યંત સારા રિવ્યૂઝ મેળવી રહી છે. કરુણનું પાત્ર પણ તેના કહેવા પ્રમાણે ‘ફૅન ફેવરિટ’ બની રહ્યું છે, એટલે આવનારા દિવસોમાં હરીશ પટેલ હોલિવૂડની અનેક ફિલ્મો અને મોટી સિરીઝોમાં દેખાશે એ નક્કી વાત છે. હવે તેઓ બોલિવૂડમાં કામ કરવા માટે ખાસ ઉત્સાહિત નથી એ પણ તેઓ સ્વીકારે છે. આના પરથી એ સ્વીકારવું પડે કે બોલિવૂડે જે ટેલન્ટની કિંમત ન કરીને કેટલું મોટું નુકસાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...