વિલ સ્મિથ ભારતમાં:'થપ્પડ કાંડ' બાદ ઓસ્કાર વિનર વિલ સ્મિથ ભારતની મુલાકાતે, જુઓ તસવીરો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓસ્કર સેરેમની દરમિયાન હોલિવૂડ એક્ટર વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રૉકને થપ્પડ મારતાં ચર્ચામાં આવ્યો હતો. આ બાદ હાલમાં જ ઓસ્કર વિનર હોલિવૂડ સ્ટાર વિલ સ્મિથ ભારતની મુલાકાતે આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વિલ સ્મિથ અહીં સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે આધ્યાત્મિક મુલાકાત માટે આવ્યો છે. ઓસ્કર સમારોહમાં થપ્પડ બાદ તેમના અંગત જીવનમાં હલચલ મચી જવા પામી છે. તેમની ભારત મુલાકાતને આ સાથે જોડવામાં આવી રહી છે. જો કે ઓસ્કર થપ્પડ કાંડ બાદ તેણે માફી પણ માગી હતી અને તેને ઓસ્કર એકેડમીમાંથી દસ વર્ષ માટે પ્રતિબંધિત કરી દેવાયો હતો.

સદગુરૂની નજીક છે વિલ સ્મિથ
શનિવારે મુંબઈના એક પ્રાઇવેટ એરપોર્ટ પર વિલ સ્પોટ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, થપ્પડ કાંડ બાદ જાહેરમાં વિલ સ્મિથ પહેલીવાર જોવા મળ્યો છે. વિલ સ્મિથ જુહુની મેરીએટ હોટેલમાં રોકાયો છે.પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વિલ સદગુરૂની ખુબ જ નજીક હોઈ પહેલાં સદગુરુ જગ્ગી વાસુદેવને મળશે અને પછી તેમની સાથે થોડો સમય વિતાવશે. આ પહેલાં પણ વિલ સદગુરૂના ઘરે ગયો હતો. જેનો વીડિયો પણ તેમણે શેર કર્યો હતો.

વિલ અને તેની પત્ની જાડા વચ્ચે પણ અણ બનાવ
હાલમાં જ હોલિવૂડ મીડિયામાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે, વિલ અને તેની પત્ની જાડા પિંકેટ સ્મિથ વચ્ચે અણબનાવ ચાલી રહ્યો છે. વાત એ હદ સુધી બગડી ગઈ છે કે, તેના છૂટાછેડાની અફવાઓ ઊડવા લાગી છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વિલ અને જાડા વચ્ચે વાતચીત પણ બંધ છે. છેલ્લા ઘણા સમયથી વિલ અને જાડા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ ઓસ્કરમાં થયેલા થપ્પડકાંડ બાદ બંનેના સંબંધ પર પૂર્ણવિરામ લાગી શકે છે.

સૌથી મોંઘા છૂટાછેડા સાબિત થશે
જો વિલ અને જાડા અલગ થશે તો વિલની સંપત્તિનો અડધો હિસ્સો જાડાને મળશે. વિલ સ્મિથની કુલ સંપત્તિ હાલમાં 350 મિલિયન ડોલર એટલે કે 2.5 હજાર કરોડની આસપાસ છે. જો આમ થશે તો આ ઈન્ડસ્ટ્રી દુનિયામાં સૌથી મોંઘા છૂટાછેડા હશે. આ છૂટાછેડા બ્રાડ પિટ અને એન્જેલિના જોલીના છૂટાછેડા કરતાં વધુ મોંઘા હોઈ શકે છે.

શું છે સમગ્ર મામલો?
ઓસ્કર 2022માં લોકપ્રિય એક્ટર વિલ સ્મિથે પ્રેઝન્ટર ક્રિસ રૉકને લાફો માર્યો હતો. પ્રેઝન્ટર ક્રિસે વિલની પત્નીના વાળ પર કમેન્ટ કરી હતી. આ વાત પર વિલ રોષે ભરાયો હતો. તે ઊભો થઈને સ્ટેજ પર આવ્યો હતો અને પછી ક્રિસ રૉકને તમાચો મારી દીધો હતો. જેડાએ એલોપીસિયા (માથામાં ઉંદરી થવી, એક જાતની બીમારી)ને કારણે વાળ કઢાવી નાખવા પડ્યા હતા.

પોસ્ટ શેર કરીને વિલે માફી માગી
ભારે ટીકાઓ થતાં વિલ સ્મિથે સો.મીડિયામાં લેખિત માફી માગી હતી. વિલ સ્મિથે કહ્યું હતું, 'કોઈ પણ પ્રકારની હિંસા બરબાદ કરી દેતી હોય છે. એકેડમી અવોર્ડ્સમાં મારું વર્તન સ્વીકારી શકાય તેવું નહોતું. તેના માટે હું કોઈ બહાનું આપીશ નહીં. મારા હિસાબે મજાક અમારા કામનો જ એક ભાગ છે, પરંતુ જેડાની મેડિકલ કન્ડિશન પરની મજાક હું સહન કરી શક્યો નહીં અને ભાવુક થઈને મેં પ્રતિક્રિયા આપી. હું જાહેરમાં માફી માગું છું, ક્રિસ. મેં તમામ હદ પારી કરી અને હું ખોટો હતો.'