તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાવરનો પરચો:વિદ્યા બાલને મધ્યપ્રદેશના મંત્રીનું ડિનરનું આમંત્રણ નકાર્યું, તો બીજા જ દિવસે તેના શૂટિંગ યુનિટને રોકી દેવાયું

ભોપાલ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
શૂટિંગ MPના બાલાઘાટમાં ચાલતું હતું અને વિદ્યા બાલન મહારાષ્ટ્રના ગોંદિયામાં રોકાઈ હતી અને ત્યાંથી દરરોજ અપ-ડાઉન કરતી હતી. - Divya Bhaskar
શૂટિંગ MPના બાલાઘાટમાં ચાલતું હતું અને વિદ્યા બાલન મહારાષ્ટ્રના ગોંદિયામાં રોકાઈ હતી અને ત્યાંથી દરરોજ અપ-ડાઉન કરતી હતી.

મધ્યપ્રદેશના વનમંત્રી વિજય શાહે પોતાના પાવરનો પરચો બતાવ્યાના સમાચાર આવ્યા છે. થયું એવું કે વિજય શાહે પોતાને ત્યાં શૂટિંગ કરી રહેલી અભિનેત્રી વિદ્યા બાલનને ડિનર માટે આમંત્રણ આપ્યું હતું, જેનો વિદ્યા બાલને અસ્વીકાર કર્યો હતો. પરિણામ એ આવ્યું કે બીજા જ દિવસે ત્યાંના DFOએ ફિલ્મના શૂટિંગના યુનિટની ગાડીઓ અટકાવી દીધી. જોકે વાત વધી અને 'ઉપર' સુધી પહોંચી ત્યારે શૂટિંગના યુનિટને ફરી પાછું ગ્રીન સિગ્નલ મળી ગયું. વિદ્યા બાલન પોતાની 'શેરની' ફિલ્મના શૂટિંગ માટે ત્યાંના બાલાઘાટ પહોંચી હતી.

શેરની ફિલ્મના શૂટિંગ માટે બાલાઘાટમાં 20 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધીની મંજૂરી લેવામાં આવી હતી. આ દરમિયાન વનમંત્રી વિજય શાહે વિદ્યા બાલન સાથે મુલાકાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આ માટે 8 નવેમ્બરે સવારે 11થી 12 વાગ્યાનો સમય નક્કી થયો હતો. ત્યાર પછી સાંજે ચાર વાગ્યે વનમંત્રીને મહારાષ્ટ્રના તાડોબા અંધારી ટાઇગર રિઝર્વ જવાનું હતું અને ત્યાં જ તેમને રાતવાસો પણ કરવાનો હતો, પરંતુ તેઓ બાલાઘાટ જિલ્લામાં જ ભરવેલી ખાતેના રેસ્ટ હાઉસમાં રોકાઈ ગયા. ભરવેલીમાં મેંગેનિઝની ખાણો આવેલી છે.

સાંજે પાંચ વાગ્યે તેઓ સીધા વિદ્યા બાલનને મળવા પહોંચી ગયા અને મુલાકાત કરીને તેની સાથે ડિનર કરવાની ઇચ્છા વ્યક્ત કરી. જોકે વિદ્યા બાલન મહારાષ્ટ્રના ગોંદિયામાં રોકાઈ હતી, એટલે ત્યાં જવા નીકળવા માટે તેણે મંત્રીજી સાથે ડિનર કરવાની ના પાડી દીધી. આનું રિએક્શન બીજા જ દિવસે જોવા મળ્યું. બીજા દિવસે ફિલ્મના શૂટિંગના સભ્યો જ્યારે રોજની જેમ લોકેશન પર પહોંચ્યા ત્યારે ત્યાંના ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઑફિસર જી. કે. બરકડેએ ફિલ્મના યુનિટની ગાડીઓ અટકાવી દીધી. શૂટિંગ અટકી પડ્યું. વાત વધી અને ઉપરી અધિકારીઓ સુધી વાત પહોંચતાં જ આદેશો છૂટ્યા અને ત્યાર બાદ શૂટિંગ શરૂ થઈ શક્યું.

પ્રિન્સિપલ સેક્રેટરીએ ફોન કરવો પડ્યો, પછી શૂટિંગ શરૂ થઈ શક્યું
આ સમગ્ર ઘટનાક્રમ વિશે ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (CCF) નરેન્દ્ર કુમાર સનોડિયાએ માહિતી આપતાં કહ્યું હતું કે વિદ્યા બાલન સાથેની મુલાકાત વખતે તે પોતે મંત્રીજીની સાથે જ હતા. જોકે CCFએ કહ્યું કે ડિનરના આમંત્રણ વિશે તેમને કશી જ ખબર નથી. બીજા દિવસે DFOએ શૂટિંગ યુનિટની ગાડીઓ અટકાવી હતી એ વાતની તેમણે પુષ્ટિ કરી હતી. એ પછી પ્રિન્સિપલ સેક્રેટરીએ ફોન કરીને DFOને સમજાવ્યું કે આમેય તેમના રાજ્યમાં ફિલ્મોનાં શૂટિંગ ભાગ્યે જ થાય છે, ત્યારે આ રીતે હેરાનગતિ થશે તો મધ્યપ્રદેશની બદનામી થશે. એ પછી ફટાફટ શૂટિંગ શરૂ થઈ ગયું.

'ગાડીઓ તો જનરેટરને કારણે રોકવામાં આવેલી': મંત્રીજી ઉવાચ

સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં રહેલા વનમંત્રી વિજય શાહ.
સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં રહેલા વનમંત્રી વિજય શાહ.

આ સમગ્ર ઘટનાક્રમના કેન્દ્રમાં રહેલા વનમંત્રી વિજય શાહે ચોખવટ કરતાં કહ્યું હતું કે ડિનરનું સમગ્ર આયોજન જિલ્લા પ્રશાસને કર્યું હતું. ગાડીઓ તો જનરેટરને કારણે રોકવામાં આવી હતી. દરઅસલ, જંગલમાં બે જનરેટર જતાં હતાં, પરંતુ એ દિવસે જનરેટર ભરેલી કેટલીયે ગાડીઓ જંગલમાં લઈ જવાની કોશિશ થઈ હતી, જેને કારણે DFOએ ગાડીઓ રોકાવી હતી.

'પરમિશન કેન્સલ કરવા જેવી કોઈ વાત જ નથી': DFO
શૂટિંગના યુનિટની ગાડીઓ રોકનારા DFO જી. કે. બરકડેએ કહ્યું હતું કે ગાડીઓની પરમિશન કેન્સલ કરવા જેવી કોઈ વાત છે જ નહીં. મંત્રીની મુલાકાત 7 કે 8 નવેમ્બરે થઈ હતી. બીજા દિવસે પ્રિન્સિપલ સેક્રેટરી સાહેબનો ફોન આવ્યો ત્યારે તેમણે સમજાવ્યું કે એવી કોઈ વાત છે જ નહીં. એ પછી શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...