એક બાજુ ખાવાના ફાંફા તો બીજી તરફ નોટોનો વરસાદ:એકટર સમી ખાને નારાજગી વ્યક્ત કરી, 'આ એજ દેશ છે જયાં ગરીબો લોટ માટે મરી રહ્યા છે'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ પાકિસ્તાન પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ ગયા છે, સામાન્ય લોકોને જરૂરિયાતની વસ્તુ લેવાના પણ સાંસા પડયા છે. પાકિસ્તાનમાં ખાનપાન અને અન્ય ચીજોની કિંમતમાં ધરખમ વધારો થયો છે. આર્થિક કટોકટી વચ્ચે પાકિસ્તાનનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, લગ્નમાં ચલણી નોટનો વરસાદ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા આ વીડિયો પર પાકિસ્તાન એકટર સમી ખાને નારાજગી વ્યક્ત કરી છે. વીડિયો શેર કરીને સામી ખાને લખ્યું હતું કે, 'આ તે દેશ છે જ્યાં એક ગરીબ માણસ પોતાના બાળકો માટે લોટની લાઈનમાં મરી જાય છે. ક્રૂરતાની હદ તો જુઓ.

આવો જાણીએ કોણ છે સમી ખાન?
સમી ખાન વિશે વાત કરવામાં આવે તો તે પાકિસ્તાની સિનેમા ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. સમી ઘણા ડ્રામા શોમાં લીડ રોલ તરીકે જોવા મળ્યો છે. જો કે તેમનું નામ મન્સૂર અસલમ ખાન નિયાઝી છે, પરંતુ સિનેમામાં તેઓ સમી તરીકે ઓળખવામાં આવે છે.

લગ્નમાં પૈસાનો વરસાદ
આ વીડિયો પાકિસ્તાનના એક ભવ્ય લગ્નનો છે, જે પાકિસ્તાનના મંડી બહાઉદ્દીન શહેરમાં યોજાયો હતો. શેર કરવામાં આવેલા વીડિયોમાં છત પરથી પૈસાનો વરસાદ થઈ રહ્યો છે, જ્યારે ઘરની બહાર ઉભેલી જનતા માછીમારીની જાળમાં પૈસા ભેગા કરે છે.નોટોના વરસાદનો આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.,