કચ્છડો બારે માસ:આ પાંચ મોટી ફિલ્મો કચ્છમાં શૂટ થઈ ચુકી છે, બોલિવૂડ ડિરેક્ટર્સ માટે રહ્યું પસંદગીનું લોકેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'ભૂજ- ધ પ્રાઈડ ઓફ ગુજરાત' રિલીઝ થઈ ચુકી છે. ગુજરાતની ઈન્ડો-પાક યુદ્ધ સમયે ગુજરાતના ભુજ એરપોર્ટ પર સતત બોમ્બાર્ડિંગ કરવામાં આવ્યું અને છતાં ભુજ એરપોર્ટને યુદ્ધ દરમિયાન કાર્યરત રાખવામાં સ્થાનિક મહિલાઓએ મહત્વનો ભાગ ભજવેલો...ગુજરાતની મહિલાઓની બહાદુરી બતાવતી આ ફિલ્મ ગુજરાતના કચ્છમાં જ ફિલ્માવવામાં આવી છે.

ત્યારે શું તમે જાણો છો,‘ કચ્છ નહિ દેખા તો કુછ નહીં દેખા ‘ થી વિશ્વભરમાં પ્રખ્યાત થયેલો કચ્છ ઘણા સમયથી ડિરેક્ટર્સનું પ્રિય રહ્યું છે. .ઘણી હિટ ફિલ્મોના લોકેશનનું ક્રેડિટ કચ્છના રમણીય રણને જાય છે. તો ઈન્ડો-પાક બોર્ડર પર પણ ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. કચ્છમાં વધારે શૂટિંગ થવાનું કારણ છે કે આ પ્રદેશની ઘણી સાઈટ્સ એવી છે કે, જેમાં પર્વતીય, દરિયો અને રણ એકસાથે આવરી શકાય.

હાલમાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પૂર્ણ કરનારા સંજય લીલા ભણસાલી પણ ગુજરાતના સ્થળોના ચાહક રહ્યા છે. તેમણે ગુજરાતી બેકગ્રાઉન્ડ ધરાવતી બે ફિલ્મો બનાવી છે જેની શૂટિંગ પણ કચ્છમાં જ કરવામાં આવી હતી. જેમાં સલમાન અને એશ્વર્યા રાયની સુપરહિટ ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ' સામેલ છે. આ રોમાન્ટિક-મ્યુઝિકલ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છના દરિયાકાંઠાના માંડવીમાં આવેલ શાહી વિજય વિલાસ પેલેસમાં કરવામાં આવ્યું છે. જે સ્થળની શાહી સુંદરતાની ઝલક રજૂ કરે છે. બોક્સ ઓફિસ પર હિટ રહેલી આ ફિલ્મને કુલ 4 નેશનલ એવોર્ડ અને 9 ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા.આ ફિલ્મમાં ભુજ અને કચ્છની ગુજરાતી સંસ્કૃતિને સુંદર રીતે રૂપેરી પડદે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મના સંગીતકાર ઈસ્માઈલ દરબાર પણ ગુજરાતી છે.

તો સંજય લીલા ભણસાલીની બીજી ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા- રામલીલા' ની વાત કરવામાં આવે તો આ કલરફૂલ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ કચ્છમાં કરવામાં આવ્યું છે. આ લવસ્ટોરીમાં કચ્છી ભરતકામથી લઈ કચ્છની સંસ્કૃતિના રંગ દેખાય છે.

જે.પી દત્તાની ફિલ્મ 'રેફ્યૂજી' પણ ઈન્ડો-પાક બોર્ડર પર શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મથી અભિષેક બચ્ચન અને કરીના કપૂરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કચ્છની ગામઠી સુંદરતાને સંપૂર્ણ રીતે કેમેરામાં કંડારવામાં આવી હતી. કચ્છનું રણ, લખપત ફોર્ટ અને બન્નીના ઘાસીયા મેદાન સહિત અન્ય મનોહર સ્થળો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે.

ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ 'લગાન' માટે જ્યારે ભુવાનને 1890ના ચાંપાનેરની જરૂર પડી ત્યારે આશુતોષ ગોવારિકર અને આમિર ખાનને કચ્છ સિવાય કઈ ના ગમ્યું અને તેણે ત્યાં ફિલ્મ માટે આખું ગામ વસાવી નાખ્યું. ફિલ્મની સ્ટોરી પ્રમાણે સૂકા સ્થળની જરૂર હતી. ત્યારે નિર્માતાઓએ ચાંપાનેર સ્થાપવા માટે ભુજ નજીક કુનારિયા ગામ પસંદ કર્યું. અને લગભગ પાંચ મહિના સુધી શૂટિંગ ચાલ્યું હતું.

જ્યારે ઓસ્કરમાં પ્રવેશ મેળવનારી વધુ એક ફિલ્મ 'ધ ગુડ રોડ' ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આંતરાષ્ટ્રીય મંચ સુધી લઈ ગઈ હતી. આ ફિલ્મ ભલે વિવાદોમાં રહી, પરંતુ આંતરાષ્ટ્રીય સ્તરે જે વસ્તુએ સૌનું ધ્યાન ખેંચ્યું એ હતું ફિલ્મનું શૂટિંગ લોકેશન કચ્છ. આંતરાષ્ટ્રીય સ્તરે પણ આ લોકેશનના વખાણ થયા હતા.

જ્યારે પ્રાચીન શહેર 'મોહેંજો-દરો'ને આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં ફરીથી બનાવવા માટે પણ કચ્છની પસંદગી કરવામાં આવી હતી. 25 એકરમાં ફેલાયેલો આ સેટ કચ્છ જિલ્લાના ભુજના કુનરિયા ગામ ખાતે ઉભો કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશન અને પૂજા હેગડે જોવા મળ્યા હતા. 500 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનું શિડ્યુલ પુરૂ કરવામાં 11 મહિના લાગ્યા હતા.

જ્યારે શાહિદ કપૂર અને સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ 'આર...રાજકુમાર'નું હિટ સોંગ સાડી કે ફોલ સા પણ કચ્છના સફેદ રણમાં શૂટ કરવામાં આવ્યું છે. બ્રાઈટ કોસ્ચ્યુમ્સ -હજારો ઊંટ, અને પ્રભુ દેવાની અનોખી કોરિયોગ્રાફી સાથે જોડાયેલી સફેદ અફાટ રણની સુંદરતા તમને ચોક્કસથી યાદ હશે જ.

આગામી ફિલ્મોની વાત કરીએ તો તાપસી પન્નુની આગામી ફિલ્મ 'રશ્મિ રોકેટ'નું શૂટિંગ પણ કચ્છના સફેદ રણમાં કરવામાં આવ્યું છે. આ સ્પોર્ટ ડ્રામા ફિલ્મ કચ્છની એથલિટની કહાની છે. તાપસીએ શેર કરેલી તસવીરમાં તે કચ્છી ડ્રેસમાં સફેદ રણમાં પ્રેક્ટિસ કરતા જોવા મળી છે.