આના કરતાં પેટે પથરો પાક્યો હોત તો સારું રહેત!:ફેમસ એક્ટ્રેસના દીકરાએ પ્રોપર્ટી પચાવી પાડવા માટે સગી માને બેઝબોલના બેટથી મારીને ખોપરી ફાડી નાખી, લાશ જંગલમાં ફેંકી દીધી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેના માટે ‘ઘોર કળિયુગ’ એવો ઉદગાર મોંમાંથી સરી પડે એવી ઘટનાઓ લગભગ રોજિંદા ધોરણે દેશમાં બનતી રહે છે. પૈસા-પ્રોપર્ટી કે પ્રેમ માટે કોઈની હત્યા કરવાની હદ સુધી પહોંચી જતા લોકો આપણે જોયા છે, પરંતુ આવી શૉકિંગ ઘટનાનો રેલો હવે ટેલિવિઝન અને ફિલ્મી જગત સુધી પહોંચ્યો છે. એક જાણીતી સિનિયર અભિનેત્રીના દીકરાએ મિલકત માટે પોતાની સગી માતાની બેઝબૉલના બેટથી ફટકા મારી મારીને હત્યા કરી નાખી હોવાની અરેરાટીભરી વાત બહાર આવી છે. 74 વર્ષીય જાણીતી એક્ટ્રેસ વીણા કપૂરની હત્યા તેમના દીકરાએ કરી હોવાના સમાચારોથી ગ્લેમર વર્લ્ડ સ્તબ્ધ છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વીણાના હત્યાની જાણકારી નીલુ કોહલી નામની અન્ય એક સિનિયર અભિનેત્રીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે. વીણા કપૂરે ટીવી શો 'મેરી ભાભી'માં કામ કર્યું હતું.

દીકરાએ બેઝબૉલનો ધોકો મારીને ઢીમ ઢાળ્યું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 74 વર્ષનાં વીણા કપૂરનો નાનો દીકરો સચિન છેલ્લા ઘણા સમયથી બેકાર હતો. તેથી 43 વર્ષીય સચિન તેની માતા વીણા સાથે જુહુની ‘કલ્પતરુ’ સોસાયટીવાળા ફ્લેટમાં શિફ્ટ થઇ ગયો હતો. એ સમયે વીણાને અંદાજ પણ નહોતો કે એક દિવસ તેનો આ સગો દીકરો જ તેનો હત્યારો બની જશે.

માહિતી તો એવી પણ મળી રહી છે કે સચિનનો તેની માતા વીણા સાથે કરોડો રૂપિયાના ફ્લેટને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જ્યારે વીણા કપૂરે તેના પુત્રની વાત ન માની ત્યારે દીકરો દાનવ બન્યો અને સગી માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સચિનની સાથોસાથ પોલીસે ઘરના નોકર લાલુ કુમાર મંડલની પણ ધરપકડ કરી છે. આ ઘટના બાદ બોલિવૂડ એક્ટ્રેસ નીલુ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

નીલુ કોહલીએ શંકા વ્યક્ત કરી
નીલુ કોહલીએ લખ્યું હતું કે 'વીણા જી, તમે આના કરતાં વધુ સારી વસ્તુઓ માટે હકદાર હતાં. મારું દિલ તૂટી ગયું. તમારા માટે આ પોસ્ટ કરું છું, બીજું તો હું શું કહી શકું? હું આજે અવાચક છું. હું આશા રાખું છું કે આટલાં વર્ષોના સંઘર્ષ પછી તમે હવે શાંતિથી આરામ કરી રહ્યાં હશો.’

મોટા દીકરાએ ફરિયાદ નોંધાવી
રિપોર્ટ્સ અનુસાર, વીણા કપૂરનો નાનો દીકરો સચિન છેલ્લા ઘણા સમયથી કોઈ જ કામધંધો નહોતો કરતો. તેથી જ પોતાનું ગુજરાન ચલાવવા માટે તે પોતાની માતા સાથે તેમના ઘરમાં રહેવા આવી ગયો હતો. આ એક્ટ્રેસનો બીજો પુત્ર અમેરિકામાં રહે છે. મોટા પુત્રના ફોનનો એક્ટ્રેસે કોઈ જવાબ ન મળતાં તેમને શંકા ગઈ હતી. આ પછી તેણે ચોકીદારને ઘરે મોકલીને માતાની સ્થિતિ અંગે જાણવા માટે કહ્યું હતું. ત્યાર પછી આખી વાત સામે આવી હતી.

મૃતદેહ છુપાવવા નોકરની મદદ લીધી
પોલીસના જણાવ્યા અનુસાર, વીણાના નાના પુત્ર સચિન કપૂરે તેની હત્યા કર્યા બાદ મૃતદેહને ફ્રિજના ખોખામાં પેક કર્યો હતો, જેથી કોઈને શંકા ન થાય. આરોપી પુત્રએ મોટી પેટી રાખવા માટે નોકરની મદદ લીધી હતી.

મોટા પુત્રને હતી શંકા
આ બાદ મોટા પુત્રને શંકા હતી કે તેની માતા સાથે કંઈક અજુગતું થઈ ગયું છે, તેથી જ તેણે વિલંબ કર્યા વિના જુહુ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો સત્ય બહાર આવ્યું હતું. પોલીસ પૂછપરછમાં સચિને પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીનું કહેવું છે કે તેણે ગુસ્સામાં આવીને માતાના માથા પર બેટથી હુમલો કર્યો. આ પછી મૃતદેહને રાયગઢ જિલ્લા પાસે નદીમાં ફેંકી દેવામાં આવ્યો હતો.

હત્યા કર્યા પછી આરોપી પુત્રએ તેની માતાની લાશને રેફ્રિજરેટરના મોટા બોક્સમાં પેક કરી હતી, જેથી કોઈને શંકા ન થાય. આટલું મોટું બોક્સ એકલા રાખવા માટે આરોપી પુત્રએ ઘરના નોકરનો સહારો લીધો હતો.

સુપ્રસિદ્ધ અભિનેત્રી વીણા કપૂર કોણ હતી?
વીણા કપૂર ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેણે ‘મેરી ભાભી’ સહિત અન્ય ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. વીણા કપૂરે 'મિત્તર પ્યારે નુ હાલ મુરીદન દા કહેના', 'દલઃ ધ ગેંગ' અને 'બંધન ફેરો કે'માં કામ કર્યું છે. તેણે નીલુ કોહલી સાથે પણ કામ કર્યું હતું, જેમણે તેના નિધન પછી પોસ્ટ શેર કરી હતી. આ સિવાય તે ટીવી શો 'બ્રિટ્સ'નો પણ ભાગ રહી ચૂક્યાં હતાં, જેમાં તે શોના બે એપિસોડમાં જોવા મળ્યાં હતાં.