જોની લીવર અને જિમિત ત્રિવેદીના ફની પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. અત્યારે થિયેટરોમાં ગુજરાતી મૂવી 'જયસુખ ઝડપાયો' ધૂમ મચાવી રહી છે અને આ પોસ્ટર આ જ ફિલ્મનાં છે. જિમિત ત્રિવેદીનો ચહેરો એટલે અજાણ્યો નથી, કારણ કે ગુજ્જુભાઈ સિરીઝની બે ફિલ્મો, અક્ષયકુમારની હિન્દી ફિલ્મ ભુલભુલૈયા અને અમિતાભ બચ્ચન-રિશિ કપૂર જેવા લિજેન્ડરી કલાકારો સાથે 102 નોટ આઉટ મૂવીમાં તેના અભિનયને માણ્યો છે. નવી રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'જયસુખ ઝડપાયો'ના પ્રમોશન માટે અમદાવાદ આવેલા આ ગુજ્જુ અભિનેતાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી હતી...
દિવ્ય ભાસ્કર : તમારી નવી ગુજરાતી મૂવી 'જયસુખ ઝડપાયો'માં નવું શું છે ?
જિમિત : આમ તો ઘણુંબધું નવું છે. લગભગ દસેક ઘટના એવી છે, જે ગુજરાતી મૂવીમાં પહેલીવાર બની છે, જેમ કે પહેલીવાર હું હીરોના લીડ રોલમાં છું. જોની લીવર ગુજરાતી નથી છતાં ફુલ લેન્થ રોલમાં કામ કર્યું. ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ મહેતાના પ્રોડક્શન હાઉસ નમનરાજ પ્રોડક્શનના બેનરની પહેલી મૂવી છે. હિરોઈન પૂજા જોશીની ડેબ્યુ ફિલ્મ, મ્યુઝિક ડાયરેક્ટર કશ્યપ સોમપુરાની પહેલી ફિલ્મ, ગીતકાર તરીકે મેધા અંતાણીની પહેલી ફિલ્મ, બોલિવૂડ સિંગર સુખવિંદર સિંહ, બોલિવૂડ સિંગર્સ જાવદ અલી અને પલક મૂછાલે પણ પહેલીવાર ગુજરાતીમાં પ્લેબેક આપ્યું. પહેલીવાર એવું થયું છે કે કોઈ ગુજરાતી ફિલ્મના સોન્ગનું શૂટિંગ કાશ્મીરમાં થયું હોય.
દિવ્ય ભાસ્કર : ફિલ્મના શૂટિંગમાં ચેલેન્જીસ શું આવી ?
જિમિત : મારા માટે સૌથી મોટી ચેલેન્જ એ હતી કે કોમેડી ફિલ્મ હોવા છતાં મારે કોમેડી નહોતી કરવાની. જોની લીવર સામે હોય તો તમે હાસ્ય રોકી શકો એ શક્ય નથી, મારે એ કરવાનું હતું. મારે જોની લીવર સામે ગંભીર રહેવાનું હતું. ફિલ્મ ઓનફ્લોર જવાની હતી, એના બે દિવસ પહેલાં લોકડાઉન આવી ગયું. ગાંધીનગર પાસે રાયસણમાં શૂટિંગ દરમિયાન હેવી લાઈટિંગને કારણે મારી આંખનું વિઝન 30 ટકા જતું રહ્યું હતું. તાબડતોબ ડોક્ટરને બોલાવી ટ્રીટમેન્ટ કરી. કાશ્મીરમાં ત્રણ ડીગ્રી ઠંડીમાં સિફોન શર્ટ પહેરી શૂટિંગ કર્યું, પણ અમે સમસ્યાઓને પાર કરતા ગયા.
દિવ્ય ભાસ્કર : કોમેડી મૂવી અને ફની કેરેક્ટર તમે કર્યાં છે તો કોઈ ઓફબિટ રોલ કરવાનું વિચાર્યું છે ?
જિમિત : ગુજ્જુભાઈમાં મારું કોમેડી કિરદાર હતી, પણ 'જયસુખ ઝડપાયો'માં જુદો જ જિમિત જોવા મળશે. કોમેડી ફિલ્મ હોવા છતાં મેં તેમાં કોમેડી નથી કરી. મારો રોલ ધીરગંભીર છે. હા, મેં હમણાં જ એક હિન્દી વેબસિરીઝનો પ્રોજેક્ટ પૂરો કર્યો છે. ટૂંક સમયમાં આ વેબસિરીઝ આવશે, તેના વિશે વધારે નહીં કહી શકું, પણ એટલું ચોક્કસ કહીશ કે દર્શકો જિમિત ત્રિવેદીને ઓળખી નહીં શકે એવું મારું પાત્ર છે. આપણે ત્યાં એક્ટર્સ ઓછા ને સ્ટારની વેલ્યુ વધારે છે. એક્ટર તરીકે મારે અલગ અલગ રોલ કરવા છે અને આગળ પણ કરીશ.
દિવ્ય ભાસ્કર : ગુજરાતી એક્ટર તરીકે ગુજરાતી ભાષાનું ભવિષ્ય કેવું જુઓ છો ?
જિમિત : હું ચોક્કસ એટલું તો કહીશ કે ગુજરાતીઓ જ ગુજરાતી ભાષાને માન નથી આપતા. જેટલું મહારાષ્ટ્રના લોકો મરાઠીને આપે છે, પંજાબીઓ તેની ભાષાને આપે છે કે સાઉથના લોકો તેમની માતૃભાષાને પ્રેમ કરે છે એટલો પ્રેમ આપણે પણ આપણી ભાષાને કરવો જોઈએ. એને કારણે ગુજરાતી ભાષા ભૂંસાઈ રહી છે. અલબત્ત, ઘણી ભૂંસાઈ ગઈ છે. જોકે યંગ જનરેશન ગુજરાતી ભાષા પ્રત્યે અવેર બની છે. એપ દ્વારા, સોશિયલ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા યંગસ્ટર્સ ગુજરાતી ભાષાને જાણી રહ્યા છે. હું એમ નથી કહેતો કે ગુજરાતી ભાષા લુપ્ત થશે, પણ આ બાબતે અવેરનેસ લાવવી જરૂરી છે.
દિવ્ય ભાસ્કર : તમારો એક્ટર બનવાનો ગોલ હતો કે અનાયાસે જ બની ગયા ?
જિમિત : અનાયાસે જ એક્ટર બની ગયો. એક્ચ્યુઅલી, મુંબઈની ડાયમંડ માર્કેટમાં મારી જોબ નક્કી થઈ ગઈ હતી. ડાયમંડ અસોટર તરીકે હું જોબ જોઈન કરવાનો હતો. જોબ જોઈન કરું તેના એક અઠવાડિયા પહેલાં ડાયમંડ માર્કેટ મોટા પાયે ક્રેશ થઈ. આંગડિયા ઊઠી ગયા, પેઢીઓ ઊઠી ગઈ, ઘણાને નોકરીમાંથી કાઢી મુકાયા. નવી નોકરી જોઈન કરવાના હતા, તેમને પણ ના પાડી દેવાઈ. નવી દિશા કોઈ નક્કી નહોતી. એકવાર મારા મિત્રને મેં ફોન કર્યો અમસ્તો જ. વાતચીત કરીને સહજતાથી મેં કહ્યું કે કાંઈ કામકાજ હોય તો કહેજે. તો તેમણે કહ્યું કે એક નાટક થઈ રહ્યું છે, કોમર્શિયલ છે. તારે કામ કરવું હોય તો વાત કરું. મેં હા પાડી દીધી. આ રીતે ગુજરાતી નાટ્ય જગતમાં મારું પદાર્પણ થયું. કેટલાક નાટકો કર્યા, બેકસ્ટેજમાં કામ કર્યું, પછી એક નાટક જયંતીલાલમાં કામ કર્યું. આ નાટકને સંજય ગોરડિયાએ કમર્શિયલ કર્યું અને દિલીપ જોશીના લીડ રોલમાં જલસા કરો જયંતીલાલ નાટક રિલીઝ કર્યું. આ નાટક મારા માટે ટર્નિંગ પોઇન્ટ બની રહ્યું.
દિવ્ય ભાસ્કર : બોલિવુડમાં એન્ટ્રી કરવાનો ટર્નિંગ પોઈન્ટ કેવી રીતે આવ્યો ?
જિમિત : ગુજરાતી નાટકોના લેખક છે, નૌશર મહેતા. તેમણે મને અપ્રોચ કર્યો કે પૃથ્વી થિયેટરમાં એક એક્સપેરિમેન્ટલ નાટક થવા જઈ રહ્યું છે. મારી ઈચ્છા છે કે એ તમે કરો. મેં હા પાડી અને દોઢ દિવસમાં જ આ નાટક તૈયાર થયું. એ નાટકમાં મેં સાત રોલ કર્યા હતા. 10 વર્ષની ઉંમરથી લઈ 70 વર્ષ સુધીના વ્યક્તિના અભિનય કર્યા. બે શો કર્યા પછી ખબર પડી કે એ નાટકના પ્રોડ્યુસર નીરજ વોરા હતા. નીરજભાઈએ મને કહ્યું કે પ્રિયદર્શનની ફિલ્મ ભુલભુલૈયા આવી રહી છે. તમને કામ કરવાનો મોકો મળશે તો તમે કરશો ? મેં કહ્યું, નેકી ઓર પૂછપૂછ ન હોય. આ રીતે બોલિવૂડમાં એન્ટ્રી થઈ.
દિવ્ય ભાસ્કર : 102 નોટ આઉટ કેવી રીતે મળી ?
જિમિત : લેખક સૌમ્ય જોશીએ નાટક લખ્યું હતું 102 નોટ આઉટ. તેમાં કામ કરવા માટે મને ઓફર કરેલી પણ થયું એવું કે આ ઓફર આવી તેના બે દિવસ પહેલાં જ મેં પરેશ રાવલ સાથે કિસન V/S કન્હૈયા નાટક નક્કી કરી લીધું હતું. એટલે 102 નોટ આઉટ નાટકમાં હું કામ ન કરી શક્યો. પછી કિસન V/S કન્હૈયા પરથી હિન્દી ફિલ્મ 'ઓહ માય ગોડ' બની. 102 નોટ આઉટ નાટકમાં તો હું કામ ન કરી શક્યો પણ તેના સાત વર્ષ પછી ફિલ્મ બનાવવાનું નક્કી થયું, અને ફરી સૌમ્ય જોશીએ મને ફિલ્મ માટે ઓફર કરી. એટલે સાત વર્ષ પછી 102 નોટ આઉટ ફિલ્મ બની તેમાં મને કામ કરવાની તક મળી. ફિલ્મના ડાયરેક્ટર ઉમેશ શુક્લાએ કહ્યું, આ ફિલ્મમાં ત્રણ મુખ્ય કેરેક્ટર છે. અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને તમે. મને સેટ પર કામ કરવાની મજા પડી. બંને લિજન્ડ્સે ક્યારેય એવું ફીલ ન કરાવ્યું કે તેઓ દિગ્ગજ છે. એકદમ સહજતાથી કામ કર્યું અને તેમણે જ મારું કામ સરળ બનાવી દીધું. જોનીભાઈ સાથે પણ કામ આ રીતે કર્યું. તેમણે કંટાળ્યા વગર, એકદમ સહજતાથી કામ કર્યું અને અમને પણ એવું ફીલ ન થયું કે જોની લીવર સેટ પર છે. આ બધા સાથે કામ કર્યા પછી એટલું તો સમજાય જ કે લિજન્ડ્સ શા માટે લિજન્ડ્સ હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.