જાપાનના સુપ્રસિદ્ધ સ્ટુડિયો શોચિકુ કિકે આખા જાપાનમાં પાન નલિનની ફિલ્મ LAST FILM SHOW (Chhello Show)નું થિયેટર રિલીઝ કર્યું છે. ફક્ત ટોક્યોમાં જ આ ફિલ્મ 24 થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મની રિલીઝ સાથે ડાયરેક્ટર પાન નલિન અને પ્રોડ્યુસર ધીર મોમાયા આ અઠવાડિયાનાં અંતમાં ટોક્યોમાં દર્શકોને મળશે અને શુભેચ્છાઓ પણ પાઠવશે. શોચિકુના ફ્લેગશિપ સિનેમા ‘શિંજુકુ પિકાડિલી’ ખાતે પ્રખ્યાત સ્ટાર કેન કોગાની હાજરીમાં એક્સક્લુઝિવ શોથી ફિલ્મ રિલીઝની શરૂઆત થઈ.
'છેલ્લો શો'ને ગયા વર્ષે ભારત તરફથી ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી મળી હતી
'છેલ્લો શો'ની વાત કરીએ તો ડિરેક્ટર તથા રાઇટર પાન નલિનની આ સેમી ઓટોબાયોગ્રાફી છે. પાન નલિન સૌરાષ્ટ્રમાં મોટા થયા છે અને તેમને નાનપણથી ફિલ્મ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. ફિલ્મનું શૂટિંગ માર્ચ, 2020માં થયું હતું. જો કે, પછી લૉકડાઉન હતું. કોરોનાકાળમાં આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને 20 સપ્ટેમ્બરે ઓસ્કર માટે ભારત તરફથી ઓફિશિયલી એન્ટ્રી મળી હતી.
જ્યુરીએ ગુજરાતી ફિલ્મ પસંદ કરી
સ્વાભાવિક રીતે જ સૌને આશા હતી કે, પશ્ચિમનાં દેશોમાં લોકોને ઘેલું લગાડનારી અને બોક્સ ઑફિસ પર ટંકશાળ પાડનારી એસ. એસ. રાજામૌલિની મેગ્નમ ઓપસ ફિલ્મ ‘RRR’ની જ ઓસ્કર માટે પસંદગી થશે. આ સિવાય બોક્સ ઓફિસ પર સરપ્રાઇઝિંગ રીતે સુપરહિટ જનારી વિવેક અગ્નિહોત્રીની અનુપમ ખેર-પલ્લવી જોશી સ્ટારર ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિલેક્ટ થવાના પણ નક્કર ચાન્સ હતા પરંતુ, ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જ્યુરીએ ફાઇનલી એક ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’ પર પસંદગીનો કળશ ઢોળ્યો.
સિનેમાને પ્રેમપત્ર છે આ ફિલ્મ
નવ વર્ષનાં બાળક સમય (ભાવિન રબારી)ની વાર્તા કહેતી આ ફિલ્મ ‘છેલ્લો શૉ’ સિનેમાને પ્રેમપત્ર છે. સૌરાષ્ટ્રનાં નાનકડા ગામ ચલાલાના એક નાનકડા સિનેમા હૉલના પ્રોજેક્શનિસ્ટ ફઝલ (ભાવેશ શ્રીમાળીની સાથે દોસ્તી કેળવીને ફિલ્મો જોનારા બાળકના સિનેમા પ્રત્યેના લગાવની આ દાસ્તાન છે. આ ફિલ્મની વાર્તા 1988માં આવેલી ખ્યાતનામ ઇટાલિયન ફિલ્મ ‘સિનેમા પેરેડિસો’ની યાદ અપાવે છે. આ ફિલ્મ પણ તે વર્ષનો બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ઓસ્કર જીતી હતી.
નલિન કુમાર પંડ્યા ઉર્ફે પાન નલિન
મૂળે અમરેલીના લાઠીના અડતાલા ગામના નલિન પંડ્યા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ફિલ્મમેકર છે. તેમણે બનાવેલી ‘સમ્સરા’, ‘વેલી ઑફ ફ્લાવર્સ’, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ’ જેવી ફિલ્મોએ વિશ્વ સિનેમાના તખ્તા પર મજબૂત જગ્યા બનાવી છે. અત્યાર સુધીમાં તેમણે બનાવેલી ફીચર લેન્થ, શોર્ટ અને ડૉક્યુમેન્ટરી ફિલ્મોનો ટોટલ 21 જેટલો થાય છે. ગયા વર્ષે જૂન મહિનામાં ‘એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ’ (ઓસ્કર)માં વિશ્વ સિનેમામાં ધરખમ પ્રદાન કરનારા 397 કસબીઓમાં પાન નલિનને પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ રીતે આમંત્રિત થનારા પાન નલિન પહેલા ગુજરાતી ફિલ્મમેકર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.