સરોગસી મુદ્દે પ્રિયંકાને સાંભળવા પડે છે મહેણાં-ટોણાં:કહ્યું, મને મેડિકલ સંબંધિત સમસ્યા છે એટલે માતા બનવા માટે સરોગસીનો સહારો લેવો પડ્યો

10 દિવસ પહેલા

બોલિવૂડમાં ધમાલ મચાવ્યા બાદ હોલિવૂડમાં પણ ધમાલ મચાવનારી ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા તેની દીકરીને લઈને સતત ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરાએ બ્રિટિશ મેગેઝિન ‘વોગ’ માટે દીકરી માલતી સાથે ફોટોશૂટ કરાવ્યું છે. આ દરમિયાન પ્રિયંકાએ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવન વિશે ખૂલીને વાત કરી હતી. પ્રિયંકાએ કહ્યું છે કે જ્યારે કોઈ તેને સરોગસી દ્વારા બાળક કરવા માટે ટાર્ગેટ કરે છે ત્યારે તે ખૂબ જ દુઃખી થાય છે.

પ્રિયંકાએ જણાવ્યું છે કે તેને મેડિકલ પ્રોબ્લેમ છે, જેને કારણે તે બાળકને જન્મ આપી શકતી નથી અને તેથી જ તેણે માતા બનવા માટે સરોગસીનો સહારો લીધો હતો.

પ્રિયંકા ચોપરાને મેડિકલ કોમ્પ્લિકેશન્સ છે
પ્રિયંકા ચોપરાએ સરોગસી દ્વારા બાળક પેદા કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે 'મને મેડિકલ કોમ્પ્લિકેશન્સ છે, તેથી મારા માટે એ જરૂરી હતું કે જો મારું બાળક હોય તો તેને સરોગસી દ્વારા કરાવવું જોઈએ. જોકે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને કોઈપણ રીતે માતા બનવાનો મોકો મળ્યો છે.

હું મારાં સરોગેટનો પણ આભાર માનું છું કે જેમણે મારી દીકરીને 6 મહિના સુધી તેના ગર્ભમાં પાલન-પોષણ આપ્યું.

માલતી વિશે પ્રિયંકા અત્યંત પ્રોટેક્ટિવ છે
પ્રિયંકાએ વધુમાં કહ્યું હતું કે લોકો પોતાને ગમે તે કહે એ સહન કરી શકે છે પરંતુ જ્યારે કોઈ તેની પુત્રીને કંઈક કહે છે, તો તે તેને સહન કરી શકતી નથી. પ્રિયંકાએ કહ્યું, 'જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે તે ખૂબ જ પ્રી-મેચ્યોર હતી. તેને 100 દિવસ સુધી ICUમાં રહેવું પડ્યું હતું.’

‘હું એ સમયનું શબ્દોમાં વર્ણન કરી શકતી નથી, કારણ કે હું તેના નાના હાથને પકડીને બેઠી હતી અને ડોક્ટરો તેની નસ શોધી રહ્યા હતા. એ સમય મારી અને મારી દીકરી માટે ઘણો મુશ્કેલ ભર્યો હતો. તેથી હું તેને ગોસિપનો ભાગ બનાવવા નથી ઇચ્છતી. હું મારી દીકરીને લઈને ઘણી પ્રોટેક્ટિવ છું.’

દીકરી પ્રી-મેચ્યોર હતી
પ્રિયંકાની બાળકીનો જન્મ ડોક્ટરે આપેલી તારીખના 12 અઠવાડિયાં પહેલાં એટલે કે પ્રી-મેચ્યોર થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, બાળકની જન્મ તારીખ એપ્રિલમાં આપવામાં આવી હતી, પરંતુ તેનો જન્મ જાન્યુઆરીમાં જ થઈ ગયો હતો. પ્રી-મેચ્યોર ડિલિવરીને કારણે બાળકી પણ થોડી નબળી પડી હતી. તેથી જ નિક-પ્રિયંકાએ નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી બાળકી સંપૂર્ણ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં જ રહેશે.

પ્રિયંકા-નિકનાં લગ્ન 2018માં થયાં હતાં
પ્રિયંકા ચોપરા અને હોલિવૂડ સિંગર નિક જોનસનાં લગ્ન 2 ડિસેમ્બર, 2018ના રોજ ઉદયપુરના ઉમેદ ભવનમાં હિંદુ અને ખ્રિસ્તી રિવાજો અનુસાર થયાં હતાં. નિક અને પ્રિયંકા વચ્ચે ઉંમરમાં ઘણું અંતર છે. પ્રિયંકા નિક કરતાં 10 વર્ષ મોટી છે.

પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ
પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ્સની વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં રોમાન્સ ડ્રામા ‘લવ અગેઇન’માં જોવા મળશે. આ સિવાય તે વેબસિરીઝ ‘સિટાડેલ’માં પણ જોવા મળશે. પ્રિયંકાના તાજેતરના બોલિવૂડ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે ફરહાન અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘જી લે ઝરા’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા પહેલીવાર કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરશે.