બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. એક્ટ્રેસે ભાઈજાન, એટલે કે સલમાન ખાન સાથે જૂની તસવીર શેર કરીને એક્ટર પર નિશાન સાધ્યું છે. એક્ટ્રેસે સલમાન ખાન પર આડકતરી રીતે પ્રહાર કર્યો છે. સોમી અલીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાન સાથેનો એક જૂનો ફોટો શેર કરીને એક્ટર પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. જોકે સોમીએ આ પોસ્ટને તરત જ ડિલિટ કરી દીધી છે. સોમીએ પોતાની પોસ્ટમાં સલમાન ખાન સિવાય સલમાન ખાનને સપોર્ટ કરતી એક્ટ્રેસો પર પણ પ્રહાર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમી અલી એક સમયે સલમાન ખાનની ગર્લફ્રેન્ડ હતી. હાલના સમયમાં તે અવારનવાર સલમાન ખાન પર નિશાન સાધતી રહે છે.
હું મારા બચાવમાં 50 વકીલની ફોજ તૈયાર રાખીશ
સોમીએ સલમાન ખાન સાથેની એક જૂની તસવીર શેર કરી છે, જેમાં એક્ટર ગુલાબનું ફૂલ આપતો જોવા મળે છે. આ સાથે જ સોમીએ લખ્યું હતું કે હજુ તો ઘણું થશે. પહેલા મારો શો ભારતમાં પ્રતિબંધિત કરી દીધો, બાદમાં વકીલોએ મને ધમકાવી હતી, તું કાયર માણસ છે, વર્ષોથી મને સિગારેટનો ડામ આપતો હતો અને શારીરિક શોષણ કરતો હતો. એનાથી બચવા મારી સાથે 50 વકીલ હશે.
જે તને ટેકો આપે છે તેમને શરમ આવવી જોઈએ
સોમીએ એક્ટ્રેસો પર નિશાન સાધતાં વધુમાં લખ્યું હતું કે 'બધી એક્ટ્રેસોને શરમ આવવી જોઈએ, કારણ કે તેઓ મહિલાઓ પર પ્રહાર કરનારા પુરુષને ટેકો આપી રહી છે. તેને ટેકો આપનારા કલાકારો પર શરમ આવે છે. હવે તો આરપારની લડાઈ છે. સોમી અલીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર સતત વાઇરલ થવા લાગી હતી. જોકે થોડા સમય બાદ એક્ટ્રેસે એને ડિલિટ કરી દીધી હતી.
આ પહેલાં પણ સલમાન પર નિશાન સાધ્યું
આ પહેલીવાર નથી, જ્યારે સોમી અલીએ સલમાન ખાન પર નિશાન સાધ્યું હોય. એક્ટ્રેસે માર્ચ મહિનામાં 'મૈને પ્યાર કિયા'નું પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે તેમની પૂજા કરવાનું બંધ કરો. આ સાથે તેણે નામ લીધા વગર સલમાન ખાન પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો.
આ વર્ષે જાન્યુઆરીમાં સોમી અલીએ સો.મીડિયામાં એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સલમાન-ભાગ્યશ્રીની ફિલ્મ 'મૈંને પ્યાર કિયા'ના ઓપનિંગ સીનનો સ્ક્રીનશોટ શૅર કર્યો હતો. સોમીએ લખ્યું હતું, 'બોલિવૂડના હાર્વે વિન્સ્ટિન એક દિવસ તારો પણ ભાંડો ફૂટશે. તે જે મહિલાઓને એબ્યૂઝ કરી છે તે એક દિવસ સામે આવશે અને તારી સચ્ચાઈ કહેશે, જેવી રીતે ઐશ્વર્યા રાયે કહી હતી.' જોકે થોડા દિવસ બાદ સોમી અલીએ આ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી.
એક સમયે સલમાન ખાન પર ફિદા હતી
90ના દાયકામાં સોમી અલી અને સલમાન ખાન રિલેશનશિપમાં હતાં. બંને એકસાથે ઘણી જાહેરાતોમાં પણ જોવા મળ્યાં હતાં, પરંતુ બંને વચ્ચેના સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને તે અમેરિકા શિફ્ટ થઈ ગઈ હતી. તો સોમીએ પોતાના જૂના ઇન્ટરવ્યૂમાં સલમાન ખાન સાથે બ્રેકઅપનું કારણ પણ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે સલમાને તેની સાથે છેતરપિંડી કરી હતી, તેથી સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું હતું.
સલમાનનો ક્રશ ભારત સુધી લઈ આવ્યો
બોલિવૂડમાં કરિયર બનાવવા નહીં, પરંતુ સલમાન ખાન પરનો ક્રશ સોમીને ભારત સુધી ખેંચી લાવ્યો હતો. 1991-1997ની વચ્ચે તેણે 'અંત', 'કિશન અવતાર', 'તીસરા કૌન', 'આંદોલન', 'અગ્નિચક્ર' જેવી 10 ફિલ્મ તથા જાહેરાતમાં કામ કર્યું છે. સોમીએ સૈફ અલી ખાન, મિથુન ચક્રવર્તી તથા સુનીલ શેટ્ટી સહિતના સ્ટાર્સ સાથે કામ કર્યું છે.
'મૈંને પ્યાર કિયા' જોઈને સોમી એક્ટર સલમાન પર ફિદા થઈ
સોમી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેણે સલમાનની 'મૈંને પ્યાર કિયા' જોઈ હતી અને તેને પ્રેમ કરવા લાગી હતી. સલમાન સાથે લગ્ન કરવાની ઈચ્છાએ સોમી મુંબઈ આવી. અહીં આવીને તે કામ શોધવા લાગી. આ દરમિયાન એક સ્ટુડિયોમાં સોમીની મુલાકાત સલમાન સાથે થઈ હતી. 8 વર્ષ સુધી સોમી તથા સલમાન રિલેશનશિપમાં રહ્યાં હતાં.
ઐશ્વર્યાને કારણે સંબંધો તૂટ્યા
એક ઈન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું હતું કે સલમાન તેનો પહેલો બોયફ્રેન્ડ હતો. જોકે ઐશ્વર્યા રાય વચ્ચે આવી ગઈ અને તેમના સંબંધો તૂટી ગયા. સોમીએ કહ્યું હતું, 'જ્યારે હું ટીનેજર હતી ત્યારે સલમાન પર ક્રશ થયો હતો. આ ક્રશને કારણે હું ફ્લોરિડાથી ઇન્ડિયા આવી હતી. મેં લગ્ન કરવા માટે માત્ર ને માત્ર ફિલ્મમાં કામ કર્યું.' 1997માં સલમાનની નિકટતા 'હમ દિલ દે ચૂક સનમ'ના સેટ પર ઐશ્વર્યા તથા સલમાનની નિકટતાને કારણે સોમી સાથેના સંબંધો તૂટ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.