નાની ઉંમરમાં આ સિતારાઓએ દુનિયાને કહ્યું અલવિદા:કેટલાક અકસ્માતમાં મૃત્યુ પામ્યા અને કેટલાકે 25 વર્ષની વયે જીવન ટૂંકાવી દીધું

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફિલ્મજગત અને ટીવી ઈન્ડસ્ટ્રી માટે આ અઠવાડિયું સારું રહ્યું નથી. એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું સોમવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. વૈભવીએ કોમેડી શો 'સારાભાઈ VS સારાભાઈ'ની બીજી સીઝનમાં રોઝેશની ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી હતી. તો 'અનુપમા' સિરિયલના અભિનેતા નિતેશ પાંડેનું સોમવારે રાત્રે 1 વાગ્યે હાર્ટ-એટેકના કારણે નિધન થયું હતું. જેમણે તાજેતરમાં જ પ્રખ્યાત ટીવી શો 'અનુપમા'માં અનુજ કાપડિયાના મિત્રની ભૂમિકા ભજવી હતી. આટલું જ નહીં, સપ્તાહની શરૂઆતમાં સોમવારે અભિનેતા અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂત પણ તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

ફિલ્મજગત અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સેલેબ્સ થયા છે, જેમણે ખૂબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું. આવો... જાણીએ આ સેલેબ્સ વિશે-

વૈભવી ઉપાધ્યાય
સોમવારે 32 વર્ષીય વૈભવી મંગેતર જય સુરેશ ગાંધી સાથે હિમાચલ પ્રદેશના તીર્થન વેલી પ્રવાસે જઈ રહી હતી. એ સમયે એક વળાંક પર સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર 50 ફૂટ નીચે પડી હતી. આ અકસ્માતમાં વૈભવીનું મૃત્યુ થયું હતું, પરંતુ તેનો મંગેતરનો ચમત્કારિક બચાવ થયો છે. જોકે તેને પણ ગંભીર ઈજા થઈ છે, જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વૈભવીએ 'સીઆઈડી',' સ્ટ્રક્ચર', 'અદાલત', 'સાવધાન ઈન્ડિયા', 'લેફ્ટ રાઈટ લેફ્ટ', 'ડિલિવરી ગર્લ' અને 'ઈશ્ક કિલ્સ' જેવા ટીવી શોમાં કામ કર્યું છે.

નિતેશ પાંડે
51 વર્ષીય નિતેશ પાંડેનું ગઈકાલે રાત્રે નાસિક નજીક ઇગતપુરીમાં નિધન થયું હતું. ત્યાં ડ્યૂ ડ્રોપ હોટલમાં રોકાયા અને એ જ હોટલમાં તેઓ મૃત હાલતમાં મળ્યા હતા. ત્યાર પછીની તપાસમાં મૃત્યુનું કારણ હાર્ટ-એટેક હોવાનું જણાવાયું હતું. હોટલમાં મૃતદેહ મળી આવતાં પોલીસને પણ જાણ કરવામાં આવી હતી, જેમણે રૂમની તપાસ કરી હતી અને હોટલ સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે નિતેશ અવારનવાર ત્યાં વાર્તા લખવા અને સમય પસાર કરવા આવતા હતા.

'કુછ તો લોગ કહેંગે', 'એક રિશ્તા પાર્ટનરશિપ કા' જેવા ટીવી શોમાં કામ કરવા ઉપરાંત નિતેશ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 'ઓમ શાંતિ ઓમ', 'બધાઈ દો', 'મદારી' અને 'દબંગ 2' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આદિત્ય સિંહ રાજપૂત
સોમવારે 32 વર્ષીય ટીવી એક્ટર અને કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય સિંહ રાજપૂતનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ અંધેરીમાં તેના ઘરના બાથરૂમમાંથી મળ્યો હતો. આદિત્યને સૌથી પહેલા ઘરે કામ કરવા આવતા કામદારે બાથરૂમમાં બેભાન અવસ્થામાં જોયા હતા, ત્યાર બાદ બિલ્ડિંગના ચોકીદાર અને મિત્રો તેમને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

શરૂઆતમાં તેમના મૃત્યુનું કારણ ડ્રગનો ઓવરડોઝ હોવાનું કહેવાય છે. શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુને કારણે પોલીસ પણ આ કેસમાં સામેલ થઈ ગઈ અને તેમનું કહેવું છે કે આદિત્યનું મોત લપસીને બાથરૂમમાં પડી જવાથી થયું હતું. હાઉસ હેલ્પરે નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ઘણા દિવસોથી બીમાર હતા, તેમને ઊલટી પણ થઈ રહી હતી.

આદિત્યએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેણે ફિલ્મ 'મૈંને ગાંધી કો નહીં મારા' અને 'ક્રાંતિવીર' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ રિયાલિટી શો સ્પ્લિટ્સવિલામાં પણ જોવા મળ્યા હતા.

વૈશાલી ઠક્કર
16 ઓક્ટોબર, 2022ના રોજ અભિનેત્રી વૈશાલી ઠક્કરે તેની ઈન્દોરની સાંઈ બાગ કોલોનીમાં આત્મહત્યા કરી હતી. આપઘાત બાદ બીજા દિવસે સવારે પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. એ બાદ તપાસમાં પોલીસને વૈશાલીના મૃતદેહ પાસે 8 પાનાંની સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

પરિવારે પાડોશમાં રહેતા રાહુલ નામના છોકરા પર આરોપ લગાવ્યો હતો કે તે વૈશાલીને ઘણા દિવસોથી હેરાન કરી રહ્યો હતો. વૈશાલી બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવાની હતી, પરંતુ રાહુલે તેનો આ સંબંધ તોડી નાખ્યો હતો. આ બધી બાબતોથી કંટાળીને વૈશાલીએ આત્મહત્યા કરી લીધી. વૈશાલીએ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ', 'સસુરાલ સિમર કા' જેવા ટીવી શોમાં કામ કર્યું હતું.

દિપેશ ભાન
ગયા વર્ષે 23 જુલાઈના રોજ પ્રખ્યાત ટીવી શો 'ભાભીજી ઘર પર હૈ' ફેમ અભિનેતા દિપેશ ભાન (મલખાન)નું નિધન થયું હતું. સવારે તેઓ ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે પડી ગયા હતા. બાદમાં નજીકની હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. મૃત્યુ સમયે તેઓ 41 વર્ષના હતા.

સિદ્ધાર્થ શુક્લ
'બિગ બોસ 13'નું ટાઇટલ જીતનાર સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બર 2021ના રોજ માત્ર 40 વર્ષની વયે અવસાન થયું હતું. તેમનું મૃત્યુ હાર્ટ-એટેકના કારણે થયું હતું. ટીવી શો સિવાય તેમણે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

સુશાંત સિંહ રાજપૂત
સુશાંત 14 જૂન 2020ના રોજ તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે એને આત્મહત્યા ગણાવી હતી અને કહ્યું હતું કે તે ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું હતું. જોકે પરિવારનો આરોપ છે કે તેની હત્યા કરવામાં આવી છે. લાંબા સમય બાદ પણ તેના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. તાજેતરમાં એક ઓટોપ્સી સ્ટાફે ખુલાસો કર્યો હતો કે જ્યારે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે તેના માથા પર એક ઘા હતો, પરંતુ વરિષ્ઠ સ્ટાફ અધિકારીઓએ આ વાત જાહેર કરવા દીધી ન હતી. મૃત્યુ સમયે સુશાંત માત્ર 34 વર્ષનો હતો.

દિશા સાલિયાન
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પહેલાં 8 જૂને તેમની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. દિશાએ 14મા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. બાદમાં આ મામલાને સુશાંતના મોત સાથે જોડવામાં આવી રહ્યો છે. લોકો માનતા હતા કે દિશાની હત્યા કરવામાં આવી છે. જોકે હજુ સુધી મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

પ્રત્યુષા બેનર્જી
2016માં 24 વર્ષની પ્રત્યુષાએ પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. પરિવારે તેમના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર તેને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રત્યુષાને લોકપ્રિય ટીવી શો બાલિકાવધૂથી મોટી ઓળખ મળી હતી. તે બિગ બોસની સાતમી સીઝનમાં પણ જોવા મળી હતી, પરંતુ માત્ર 63 દિવસ પછી તે શોમાંથી બહાર આવી ગઈ હતી.

જિયા ખાન
3 જૂન 2015ના રોજ જિયા ખાન તેના જુહુ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ આપઘાત હોવાનું જણાવાયું હતું. બાદમાં જિયા ખાનની માતા રાબિયાએ સૂરજ પંચોલી પર આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં તાજેતરમાં જ સૂરજ પરના આરોપોને ખોટા ગણાવીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. જિયાએ 'નિઃશબ્દ', 'હાઉસફુલ' અને 'ગજની' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

સિલ્ક સ્મિતા
3 સપ્ટેમ્બર, 1996ના રોજ સાઉથ ફિલ્મોની અભિનેત્રી સિલ્ક સ્મિતાનો મૃતદેહ તેના ઘરમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મૃત્યુ સમયે તે માત્ર 35 વર્ષની હતી. લાંબી તપાસ બાદ પોલીસે તેને આત્મહત્યા ગણાવીને કેસ બંધ કરી દીધો હતો. ઘણા લોકો માનતા હતા કે તેમના મૃત્યુનું સાચું કારણ કંઈક બીજું હતું.

ગુરુ દત્ત
'પ્યાસા' જેવી શ્રેષ્ઠ ફિલ્મોનો હિસ્સો રહેલા અભિનેતા ગુરુ દત્ત 10 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈના પેડર રોડ વિસ્તારમાં સ્થિત તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ વધુ દારૂ પિતા હતા. અહેવાલો અનુસાર, તેમણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લીધો હતો, જેના કારણે તેમનું મૃત્યુ થયું. તેમનું મૃત્યુ આત્મહત્યા હતું કે અકસ્માત, આ રહસ્ય હજુ ઉકેલાયું નથી. ગુરુ દત્ત મૃત્યુ સમયે માત્ર 39 વર્ષના હતા.