તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વધામણાં:ગાયિકા શ્રેયા ઘોષાલે દીકરાને જન્મ આપ્યો, લગ્નનાં છ વર્ષ બાદ માતૃત્વ સાંપડતાં ભાવવિભોર થઈ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાણીતી પ્લેબેક સિંગર શ્રેયા ઘોષાલને ત્યાં લગ્નનાં છ વર્ષ પછી પારણું બંધાયું છે. શનિવારે બપોરે એણે દીકરાને જન્મ આપ્યો છે. 37 વર્ષની શ્રેયાએ જાતે જ આ ખુશખબરી સોશિયલ મીડિયા પર શૅર કરી છે. એણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘ઇશ્વરે આજે બપોરે અમને એક અણમોલ દીકરા રૂપી આશીર્વાદ આપ્યા છે. આવું ઇમોશન અમે અગાઉ ક્યારેય અનુભવ્યું નથી. શિલાદિત્ય અને હું અમારા પરિવાર સાથે અત્યંત ખુશ છીએ. અમારી ખુશીઓના આ નાનકડા મહેમાન માટે આપની અગણિત દુવાઓ માટે આભાર.’

સંગીતક્ષેત્રના લોકોએ અભિનંદનની વર્ષા કરી
શ્રેયા ઘોષાલની પોસ્ટ પર સંગીતજગત સાથે જોડાયેલા જાણીતા લોકોએ શુભકામનાઓની વર્ષા કરી છે. ગાયિકા નીતિ મોહને પોતાની અને પોતાના પતિ નિહાર પંડ્યા તરફથી લખ્યું કે, ‘અનેક અનેક શુભકામનાઓ. આ અદભુત સમાચાર છે. આશા છે કે તમે અને બાળક બંને સ્વસ્થ હશો.’ ગાયક અને મ્યુઝિક કમ્પોઝર શેખર રવજિયાણીએ લખ્યું, ‘અભિનંદન. ખૂબ બધો પ્રેમ.’ સિંગર રાજ પંડિતે કમેન્ટ કરી, ‘અભિનંદન. તમારા માટે ખૂબ બધો પ્રેમ અને સારા સ્વાસ્થ્યની કામના.’

માર્ચમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરેલી
શ્રેયા ઘોષાલે માર્ચ મહિનામાં પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, ‘બેબી શ્રેયાદિત્ય રસ્તામાં છે. શિલાદિત્ય અને મને તમારી સાથે આ ન્યૂઝ શૅર કરતાં અત્યંત આનંદની અનુભૂતિ થઈ રહી છે. આપ સૌના પ્રેમ અને આશીર્વાદની અમને ખૂબ જ જરૂર છે. કારણ કે અમે અમારા જીવનના આ નવા પ્રકરણ માટે તૈયાર છીએ.’ સોશિયલ મીડિયા યુઝર્સ પણ શ્રેયાને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

2015માં ચૂપચાપ પરણી ગયેલી
શ્રેયા ઘોષાલે પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે 5 ફેબ્રુઆરી, 2015ના રોજ ગુપચુપ લગ્ન કરી લીધેલાં. આ વિધિમાં બંને પક્ષના પરિવારના સભ્યો અને અમુક ગણ્યા ગાંઠ્યા મિત્રોએ જ હાજરી આપી હતી. બીજા દિવસે શ્રેયાએ પોતે પોતાનાં લગ્નની માહિતી ફેન્સને આપી હતી.

‘દેવદાસ’થી ફિલ્મી કરિયરની શરૂઆત થયેલી
શ્રેયાએ શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત, ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ ‘દેવદાસ’થી પોતાની પ્લેબેક સિંગિંગની કરિયરની શરૂઆત કરેલી. 75મા ચિલ્ડ્રન્સ ડે સ્પેશિયલ શોમાં તેનું પર્ફોર્મન્સ જોઇને સંજય લીલા ભણસાલીએ તેને પોતાની ફિલ્મમાં ગાવાની તક આપી હતી.

એ પછી તો શ્રેયાએ ઝહર, પરિણીતા, રબ ને બના દી જોડી, વિવાદ, ધ કિલર, હોલિડે, ઓમ શાંતિ ઓમ, જબ વી મેટ, 3 ઇડિયટ્સ, ધ ડર્ટી પિક્ચર, બોલ બચ્ચન, પીકે, કલંક, તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયર જેવી અનેક ફિલ્મોમાં એકથી એક ચડિયાતાં ગીતો ગાયાં છે. શ્રેયા અત્યાર સુધીમાં 4 નેશનલ અવોર્ડ્સ અને 16 ફિલ્મફેર અવોર્ડ્સ (10 સાઉથ ફિલ્મફેર સહિત) જીતી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...