શ્રદ્ધા કપૂરના ભાઈએ ડ્રગ્સ લીધું હતું:સિદ્ધાંતનો મેડિકલ રિપોર્ટ પોઝિટિવ, પોલીસ જ્યૂડિશિયલ કસ્ટડીની માગણી કરશે

બેંગલુરુ12 દિવસ પહેલા
  • પિતા શક્તિ કપૂરે કહ્યું, આ સંભવ નથી

બોલિવૂડમાંથી ફરી એકવાર ડ્રગ્સ કેસમાં ધરપકડના સમાચાર આવ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એક બાદ એક બોલિવૂડ સેલેબ્સનાં નામ ડ્રગ્સ કેસમાં સામે આવી રહ્યાં છે. આ વચ્ચે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર પર ડ્રગ્સનો લેવાનો આરોપ છે. એ બાદ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તો આ મામલે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂરે કહ્યું હતું કે હું ફક્ત એક જ વાત કહી શકું છું કે આ સંભવ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસે બાતમીના આધારે એમજી રોડ પરની એક હોટલમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે ડ્રગ્સ સેવનના શંકાસ્પદ લોકોનાં સેમ્પલ મોકલ્યાં હતાં. તપાસમાં પોઝિટિવ મળી આવેલા છ લોકોમાં શ્રદ્ધા કપૂરના ભાઈના સેમ્પલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

જ્યૂડિશિયલ કસ્ટડીની માગણી કરીશું
બેંગલુરુ સિટી ઇસ્ટ ડિવિઝનના DCP ડૉ. ભીમશંકરે કહ્યું હતું કે સિદ્ધાંતના મેડિકલ રિપોર્ટમાં એ વાત સાબિત થઈ છે કે તેણે ડ્રગ્સ લીધું હતું. અમે તેની ધરપકડ કરી લીધી છે અને આગળની પ્રોસીઝર પૂરી કરીએ છીએ. સિદ્ધાંતને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાની માગણી કરીશું.જોકે હજી સુધી એ વાત સ્પષ્ટ નથી કે તેણે ડ્રગ્સનું સેવન પાર્ટીમાં આવીને કર્યું કે હોટલમાં કર્યું.

પોલીસને શું મળ્યું?
પોલીસે હોટલમાં દરોડા પાડ્યા ત્યારે બે પેકેટ મળ્યા હતા. એક પેકેડમાં MDની સાત ગોળીઓ હતી અને બીજા પેકેટમાં ગાંજો હતો. પોલીસે દરોડા દરમિયાન 35 લોકોની અટકાયત કરી હતી.

સિદ્ધાંત કપૂરનું કરિયર
સિદ્ધાંતએ કરિયરની શરૂઆત 1997માં આવેલી ફિલ્મ 'જુડવા'થી કરી હતી. સિદ્ધાંત કપૂરે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એ અલગ વાત છે કે સિદ્ધાંતનું કરિયર ફ્લોપ રહ્યું છે. ફિલ્મો ઉપરાંત તેણે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. સિદ્ધાંતે તેની બહેન શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ હસીના પારકરમાં સ્ક્રીન શેર કરી હતી. આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

સુશાંત કેસમાં NCBએ શ્રદ્ધાની પૂછપરછ કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં સિદ્ધાંતની બહેન શ્રદ્ધા કપૂરનું નામ પણ આવ્યું હતું. સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં શ્રદ્ધા કપૂર NCBના રડારમાં આવી હતી. આ મામલે NCB ટીમ દ્વારા શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. શ્રદ્ધા કપૂર અને સુશાંતે સાથે ફિલ્મ 'છિછોરે' કરી હતી. શ્રદ્ધા કપૂર વિશે એવું કહેવાય છે કે તે ઘણી વખત લોનાવલા સ્થિત સુશાંતના ફાર્મ હાઉસમાં યોજાયેલી પાર્ટીમાં ગઈ હતી. પૂછપરછ દરમિયાન એક્ટ્રેસે NCBને જણાવ્યું હતું કે તે પાર્ટીમાં ગઈ હતી, પરંતુ તેણે ડ્રગ્સ લીધું નહોતું. શ્રદ્ધાએ ડ્રગ્સ લેવાનો સંપૂર્ણ ઇનકાર કર્યો હતો.