ભાસ્કર ઇન્ટરવ્યુ:પ્રતીક ગાંધીએ કહ્યું, ‘14 વર્ષ સુધી બર્થડે પાર્ટી અને કિટી પાર્ટી હોસ્ટ કરી, ‘સ્કેમ 1992’એ લાઇફ ચેન્જ કરી દીધી’

એક વર્ષ પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
  • 2018માં ‘સ્કેમ 1992’નું શૂટિંગ થયું અને વર્ષ 2020માં આ સિરીઝ રિલીઝ થઈ
  • પોતાની લાઇફની સક્સેસ સ્ટોરી જાતે બનાવવી પડે છે - પ્રતીક ગાંધી

એક્ટર પ્રતીક ગાંધી સ્ટારર ‘વિઠ્ઠલ તિડી’ વેબસિરીઝ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. ‘સ્કેમ 1992’ની સફળતા પછી પ્રતીક ગાંધીની આ પ્રથમ સિરીઝ છે. આ સિરીઝને લઈને પ્રતીક ઘણો એક્સાઈટેડ છે. દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત દરમિયાન તેણે કહ્યું, ‘14 વર્ષ સુધી બાળકોની બર્થડે પાર્ટી અને પાર્ટીઓ હોસ્ટ કરી.’ પ્રતિકે શેર કરેલી જિંદગીની અમુક વાતો...

‘જોબ પણ કરી અને પાર્ટીઓ પણ હોસ્ટ કરી’
એન્જિનિયરથી લઈને એક્ટર સુધીની સફર પ્રતીક માટે સરળ રહી નહોતી. પોતાના વીતેલા દિવસોને યાદ કરતાં તેણે કહ્યું, 2004માં હું સુરતથી મુંબઈ આવ્યો હતો. હાથમાં એન્જિનિયરિંગની ડીગ્રી હતી અને થિયેટરનો થોડો-ઘણો અનુભવ. 2004થી લઇને 2016 સુધી મેં બંને ક્ષેત્રમાં કામ કર્યું. એક બાજુ કોઈ કોર્પોરેટ ઓફિસમાં ફુલટાઈમ કામ કરતો હતો અને બીજી બાજુ હોસ્ટિંગ પણ કરતો હતો. પછી એ બાળકોની બર્થડે પાર્ટી હોય કે કિટી પાર્ટી. રેડિયો નાટકનો ભાગ પણ રહી ચૂક્યો છું. આ બધું મેં આશરે 14 વર્ષ સુધી કર્યું.

બીજી ફિલ્મને નેશનલ અવોર્ડ મળ્યો હતો
2016માં મારી સેકન્ડ ફિલ્મ ‘રોંગ સાઈડ રાજુ’ રિલીઝ થવાની હતી. ત્યારે મેં એક મહિના પહેલાં નોકરી મૂકી દીધી હતી. ફિલ્મને નેશનલ અવોર્ડ મળ્યો. ઘણી ગુજરાતી અને હિન્દી મૂવીઝની ઓફર આવી. 2018માં ‘સ્કેમ 1992’નું શૂટિંગ કર્યું, 2020માં આ સિરીઝ રિલીઝ થઈ અને એ પછી મારી લાઈફ બદલાઈ ગઈ. હવે લોકો મને અલગ રીતે જુએ છે.

લોકો મને એક્ટર તરીકે સિરિયસ લેવા લાગ્યા છે. મને એક વાત સમજાઈ ગઈ છે કે પોતાની લાઈફની સક્સેસ સ્ટોરી જાતે બનાવવી પડે છે. જેથી કોઈને પણ તમારામાં ઈન્ટરેસ્ટ આવે. હવે લોકો સારા પ્રોજેક્ટની ઓફર લઈને આવે છે. હું એક ચાન્સ શોધી રહ્યો હતો, મારા ટેલન્ટને લોકો સુધી પહોંચાડવાનો. સ્કેમ પછી મારો આત્મવિશ્વાસ વધ્યો અને ફિલ્મમેકર્સ પણ. હવે મને સેન્ટ્રલ રોલ મળી રહ્યા છે. હવે વિન-વિન સિચ્યુએશન છે.

લોકડાઉનમાં ઘરે શું કર્યું?
લોકડાઉનને લીધે આશરે એક મહિનાથી ઘરે રહી શક્યો છું. જ્યારે પણ કામ કરું છું ત્યારે પરિવારને સમય આપવો મુશ્કેલ પડે છે. એક પ્રોજેક્ટથી બીજા પ્રોજેક્ટ દરમિયાન ઘણું ટ્રાવેલ કરવું પડે છે. આ દરમિયાન 2-4 દિવસ મળી જાય તો ઘરે જ રહું છું. મેનેજ કરવાના પ્રયત્નો કરું છું, પણ પરિવારની ફરિયાદો ચાલુ રહે છે. પર્સનલ લાઈફ બેલેન્સ કરવી થોડું મુશ્કેલ છે.

મારી દીકરી મારી ક્રિટિક છે
મિરાયા જ્યારે મને સ્ક્રીન પર જુએ છે ત્યારે તે ઘણી ખુશ થાય છે. ઘણીવાર તે મને સલાહ પણ આપે છે. તમે આવું કેમ ના કર્યું? હાથ અહીં કેમ હલાવી રહ્યા છો? તે મારું કામ એકદમ ક્રિટિકલી જુએ છે. મારા થિયેટર પ્લે દરમિયાન પણ તે જોવા આવતી. તેનું મોટા ભાગનું બાળપણ ગ્રીનરૂમમાં જ વીત્યું છે. મારું કેરેક્ટર દુઃખી હોય તો મિરાયાને જરાય ના ગમે. તે તરત ટીવી બંધ કરી દેશે કે થિયેટર બહાર જતી રહેશે.

‘વિઠ્ઠલ તિડી’ અને ‘સ્કેમ 1992’ની સરખામણી કેમ?
વિઠ્ઠલ તિડીની સરખામણી ક્યાંક ને ક્યાંક પ્રતીકની હિટ સિરીઝ સ્કેમ 1992 સાથે કરવામાં આવી રહી છે. આ વિશે એક્ટરે કહ્યું, સરખામણીના અમુક કારણ હોય શકે છે. સૌપ્રથમ તો આ 80ના દાયકાની સ્ટોરી છે. રેટ્રો લુક, રેટ્રો ફીલ છે. જોકે વિઠ્ઠલના કેરેક્ટરને નવું દેખાડવા પ્રયત્નો કર્યા છે. સ્કેમ 1992નો હર્ષદ શેર માર્કેટમાં સટ્ટો રમતો હતો અને વિઠ્ઠલ પત્તાંની ગેમમાં ગેમ્બલિંગ કરતો હતો. આ ઉપરાંત વધારે કમ્પેરિઝન નથી. મારા માટે આ કેરેક્ટર ચેલેન્જિંગ અને ઈન્ટરેસ્ટિંગ હતું.

રિયલ લાઈફમાં ક્યારેય ગેમ્બલિંગ કર્યું છે?
પ્રતીકે જવાબમાં કહ્યું, મારા માટે ગેમ્બલિંગનો અર્થ રિસ્ક લેવું થાય છે. જ્યાં લોકો કહેતા કે તારે આ ના કરવું જોઈએ તો એ વસ્તુનું આકર્ષણ મને વધારે થતું હતું. થિયેટર હોય કે ફિલ્મ્સ, મેં ઓફ-બીટ સબ્જેક્ટ પસંદ કર્યા છે. લાઈફમાં બધું સેટ હતું ત્યારે મેં નોકરી છોડી, ઘર લીધું, લોન લીધી અને ફુલ ટાઈમ એક્ટર બની ગયો. આવા ગેમ્બલિંગ મેં ઘણા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...