બિગ બી બર્થ ડે સ્પેશિયલ:સલીમ ખાનના દિલની વાત,'હવે અમિતાભે રિટાયર થઈ જવું જોઈએ'

5 દિવસ પહેલાલેખક: અમિત કર્ણ
  • અમિતાભે બધું જ અચીવ કરી લીધું છે, હવે માત્ર પોતાના માટે પણ થોડો સમય પસાર કરી લે
  • એન્ગ્રી યંગ મેનની અમારી સ્ક્રિપ્ટ્સ માટે અમિતાભ ડિઝર્વિંગ એક્ટરઃ સલીમ ખાન

"અમિતાભ બચ્ચનને હવે રિટાયર થઈ જવું જોઈએ. જીવનમાં જે પણ મેળવવાનું હતું એ તેમણે અચીવ કરી લીધું છે. જીવનમાં અમુક વર્ષો માત્ર પોતાના માટે પણ હોવાં જોઈએ." દિગ્ગજ રાઈટર સલીમ ખાને અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવતાં પ્રેમથી આ દિલની વાત જણાવી છે.

અમિતાભના આ જન્મદિવસે 'દિવ્ય ભાસ્કર' સાથે વાત કરતાં સલીમ ખાને જણાવ્યું હતું કે અમિતાભે બેસ્ટ ઈનિંગ રમી છે. તેઓ જે પણ મેળવવા માગતા હતા એ બધું જ મેળવી ચૂક્યા છે. બહુ સારું કામ કર્યું છે. આ માટે જ હવે તેમણે કામની ભાગદોડ છોડી દેવી જોઈએ. તેમણે બહુ જ ગ્રેસફુલી રિટાયર થવું જોઈએ.

તેમનો દૃષ્ટિકોણ જણાવતાં સલીમ ખાને કહ્યું હતું કે,'રિટાયર્મેન્ટની વ્યવસ્થા એટલા માટે જ કરવામાં આવી હતી કે વ્યક્તિ અમુક વર્ષ તેની મરજી પ્રમાણે માત્ર પોતાના માટે જીવી શકે. શરૂઆતનું જીવન ભણવા અને કંઈક બનવામાં નીકળી જતું હોય છે. ઘર-સંસારની જવાબદારી હોય છે, પરંતુ ત્યાર બાદ વ્યક્તિ રિટાયર થાય છે. અમુક લોકો ફરવા જાય છે તો કેટલાક તેમની રીતે સમય પસાર કરે છે, જેમ કે આજે મારી પણ નાનકડી, પરંતુ અલગ દુનિયા છે. મારી સાથે વૉક પર આવનારા તમામ લોકો નૉન ફિલ્મી બેકગ્રાઉન્ડથી છે.'

ધર્મેન્દ્ર માટે સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી, પરંતુ અમિતાભ ડિઝર્વ કરતા હતા
એન્ગ્રી યંગ મેનના પાત્ર વિશે સલીમ ખાન જણાવે છે, 'જેમ બધા જાણે છે કે ફિલ્મ 'જંજીર' માટે અમારી પહેલી પસંદ ધર્મેન્દ્ર હતા, પરંતુ અમિતાભે પોતાને સાબિત કર્યા. અમને એવો એન્ગ્રી યંગ મેન જોઈતો હતો કે તેનો અવાજ ખાસ હોય, પર્સનાલિટી હોય અને બહુ સારો એક્ટર હોય. અમિતાભની એ પહેલાં 11 ફિલ્મ ફ્લૉપ થઈ હતી, પણ એમાં વાંક અમિતાભનો નહોતો. તેમના માટે સારી સ્ક્રિપ્ટ લખવામાં જ નથી આવી. 'જંજીર' ફિલ્મ બાદથી તેઓ સેટ થઈ ગયા અને અમે પછી એક 15 ફિલ્મમાં સાથે કામ કર્યું. જે એક રેકોર્ડ છે.'

મજબૂર હીરો નહોતા ઈચ્છતા
'અમે એન્ગ્રી યંગ મેનને લઈને આવ્યા. એ પહેલાંના હીરો મજબૂર હતા, 'માલિક મુઝે માફ કર દો' આવું બોલતા હતા. અમે વિચાર્યું કે સારા પાત્રની જીત અંતમાં જ કેમ હોવી જોઈએ, સારા પાત્રને તો તરત જ અને શરૂઆતથી જીતવું જોઈએ. કોઈ એક તો આવી વ્યક્તિ હોવી જોઈએ, જે પોઝિટિવલી કહી શકે કે 'મૈં ફેંકે હુએ પૈસે નહીં ઉઠાઉંગા'

અમિતાભ માટે આજે સ્ક્રિપ્ટ નથી
સલીમ ખાને જણાવ્યું કે 'પહેલાં પણ એન્ગ્રી યંગ મેનનું પાત્ર ભજવી શકે તેવા એક્ટર હતા. આજે પણ છે, પરંતુ આજે અમિતાભ જેવા એક્ટર માટે સ્ક્રિપ્ટ નથી. અમારી ફિલ્મો ટેક્નિકલી બહુ સારું કામ કરી રહી છે, એક્શન સારું થાય, મ્યુઝિક સારું બને છે, પરંતુ અમારી પાસે સારી સ્ક્રિપ્ટ્સ નથી.'

અન્ય સમાચારો પણ છે...