જો તમે ચેતન ભગતની ‘2 સ્ટેટ્સ’ વાંચી હશે, તો તમે જાણતા જ હશો કે, આ પુસ્તકથી શું પ્રેરણા મળી? ચેતને પત્ની અનુષા સાથેની વાસ્તવિક જીવનની પ્રેમકથાને આ બુકમાં ઊતારી હતી. આ બુક આવ્યા પછી તેના પરથી બોલિવૂડની એક ફિલ્મ પણ બની જેનું નામ પણ બુકના નામ પરથી ‘2 સ્ટેટ્સ’ જ રાખવામાં આવ્યું હતું, જેમાં આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. 25 વર્ષ પછી ચેતન અને તેની પત્નીએ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમદાવાદ (IIM-A) ની મુલાકાત લીધી હતી અને બંનેએ સાથે મળીને એક ફોટો પણ ક્લિક કર્યો કે, જે હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ચેતન ભગતે સોશિયલ મીડિયા પર બે ફોટોઝ શેર કરી છે. એક ફોટોમાં 2 સ્ટેટ્સ ફિલ્મની લીડ કાસ્ટ આલિયા અને અર્જુન છે અને બીજા ફોટોમાં લેખક મહાશય તેની પત્ની સાથે પોઝ આપી રહ્યા છે. આ પોસ્ટનાં કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘25 વર્ષ પછી...’. 2 સ્ટેટ્સ’ની સ્ટોરીમાં ચેતને પોતાના પાત્રને ‘ક્રિશ’ અને અનુષાનાં પાત્રને ‘અનન્યા’ નામ આપ્યું હતું. જેઓ અનુક્રમે ભારતીય રાજ્યો પંજાબ અને તમિલનાડુથી આવે છે. તેઓ એકબીજાના પ્રેમમાં પડે છે અને એકબીજા સાથે લગ્ન કરવા માગે છે. જો કે, તેઓના માતા-પિતા આનો વિરોધ કરે છે. આ ફિલ્મ તામિલ અને પંજાબી બંને સંસ્કૃતિઓની મજાક ઉડાવે છે.
કોલેજની 25th રિયુનિયન નિમિતે ચેતન ભગતે અમદાવાદની મુલાકાત લીધી
IIM-Aમાં કોલેજની 25th રિયુનિયન નિમિતે ચેતન ભગતે છેલ્લાં કેટલાક દિવસો ગાળ્યા હતા. આ સમયનું વર્ણન કરતાં તેઓએ કહ્યું કે, ‘આ એ કોલેજ છે કે, જેણે મને ઘણું બધું આપ્યું છે. એક જ કેમ્પસમાં જૂના મિત્રો સાથે હોવું એ એક દુર્લભ લાગણી હતી. તે સમય માત્ર સામાજીક રીતે ભેગા થવાનો જ નહીં પરંતુ, જે વર્ષો પસાર થયા તેના પર આત્મનિરીક્ષણ કરવાનો પણ હતો. દરેક વ્યક્તિ વયસ્ક, પરિપક્વ અને વધુ સુરક્ષિત લાગતી હતી.
તેઓએ લખ્યું, ‘વર્તમાન વિદ્યાર્થીઓ સાથેની વર્ગની એક મુલાકાત પણ યાદગાર રહેશે, તે ખરેખર આનંદદાયક હતી. તમે જ્યાં વિદ્યાર્થી હતા, તે જ કોલેજમાં પાછા આવવું અને વર્તમાન વિદ્યાર્થીઓ તમારી સાથે ફોટો પડાવવા માગે છે - ‘આ એક ભેટ છે જેના માટે હું ખૂબ આભારી છું.’ તે સમયનાં અમારા ચાવાળા રામભાઈને પણ મળી શક્યા, જેમણે ખાસ રિયુનિયન માટે સ્ટોલ રાખ્યો હતો. આયોજક સમિતિનો ખૂબ-ખૂબ આભાર, જેઓએ આ અદ્ભુત રિયુનિયનનું આયોજન કર્યું!’
આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યૂઝર્સે કોમેન્ટ કરીને આ કપલનાં ભરપૂર વખાણ કર્યા છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.